Utility

ગુજરાતમાં 500 રૂપિયામાં મળે છે, તેવી Fendiની ₹8.3 લાખની 'નવરાત્રિ બેગ' જોઈને યુઝર્સ ભડક્યા

By GS Team
17 Sep 20264 mins read
TukuTouch Logo
ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ 'ફેન્ડી' એ ભારતીય પરંપરાગત ભરતકામ અને આભલાવાળી બેગ ₹8.3 લાખમાં લોન્ચ કરી છે. 'મેડ ઇન ઇટાલી' દર્શાવાતી આ બેગ મુંબઈના 'ચાણક્ય' વર્કશોપમાં ભારતીય કારીગરો દ્વારા બનાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભારતીય કારીગરોને શ્રેય ન મળતાં ઉદ્યોગપતિઓએ આને 'સાંસ્કૃતિક હડપ' ગણાવી રોષ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 500 રૂપિયામાં મળે છે, તેવી Fendiની ₹8.3 લાખની 'નવરાત્રિ બેગ' જોઈને યુઝર્સ ભડક્યા

Fendi’s ₹8.3 Lakh Bags Spark Debate : નવરાત્રિ આવતાં જ ગુજરાત અને રાજસ્થાનના બજારો રંગબેરંગી ભરતકામ અને આભલાવાળી (મિરર વર્ક) બેગથી ઝગમગી ઊઠે છે. સામાન્ય રીતે શેરીઓમાં 500 રૂપિયામાં મળતી આ દેશી બેગ હવે ઇટાલીના હાઇ-ઍન્ડ ફેશન રનવે પર પહોંચી ગઈ છે, પરંતુ એક નવા અને ચોંકાવનારા પ્રાઇસ ટેગ સાથે - ₹8.3 લાખ! ઇટાલિયન લક્ઝરી ફેશન હાઉસ ‘ફેન્ડી’ (Fendi) એ એક એવી બેગ લોન્ચ કરી છે જે હુબહુ આપણી પરંપરાગત બેગ જેવી જ દેખાય છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જ્યો છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ લક્ઝરી બ્રાન્ડ્સની આ માનસિકતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. ચાલો જાણીએ કે મામલો શું છે.

શું છે Fendiની બેગની ખાસિયત?

Fendiની સત્તાવાર વેબસાઇટ પર આ પ્રોડક્ટને ‘Baguette 26424: Multicolour Re Edition bag with embroidery and mirrors’ એવા નામે દર્શાવાઈ છે. આ ડિઝાઇન ખરેખર 1997માં આવેલી ઓરિજિનલ બેગનું નવું સ્વરૂપ છે, જેને બ્રાન્ડના ફૉલ/વિન્ટર 2026-27 કલેક્શનના ભાગ રૂપે રજૂ કરાઈ છે. આ બેગની ખાસિયતનું વર્ણન કરતાં કંપનીએ લખ્યું છે કે, આ બેગ સંપૂર્ણપણે હાથથી ભરતકામ કરીને બનાવાઈ છે. તેમાં વિવિધ રંગો, ટેક્સચર, 39500 મોતી અને 475 આભલાનો સમન્વય છે. આ બેગને તૈયાર કરવામાં 138 કલાકથી વધુનો સમય લાગ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સના ગુસ્સાનું કારણ

આ બેગની કિંમત આશરે ₹8.3 લાખ છે અને વેબસાઇટ પર તેને 'મેડ ઇન ઇટાલી' (Made in Italy) તરીકે દર્શાવાઈ છે. જો કે, અહેવાલો પ્રમાણે આ બેગ વાસ્તવમાં મુંબઈના 'ચાણક્ય' નામના વર્કશોપમાં ભારતીય કારીગરો દ્વારા જ બનાવાઈ છે. આમ છતાં, કંપનીના પ્રોડક્ટ પેજ પર ભારતીય કારીગરો કે આ વર્કશોપનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, જે આ વિવાદનું મુખ્ય કારણ બન્યું છે.

લક્ઝરી બ્રાન્ડ્સના શોષણ સામે ઉદ્યોગપતિઓનો રોષ

આ મુદ્દે ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. RPG ગ્રૂપના ચેરમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બેગનો ફોટો શેર કરતાં પૂછ્યું કે, ‘Pradaના કોલ્હાપુરી ચંપલના વિવાદ બાદ, હવે Fendiની 'નવરાત્રિ' બેગ આવી છે. ગુજરાતની શેરીઓમાં ₹500માં મળતી બેગ જેવી જ ડિઝાઇન માટે ₹8.3 લાખ વસૂલાય છે અને ભારતીય કારીગરોને બિલકુલ શ્રેય નહીં. લક્ઝરી બ્રાન્ડ્સ ક્યારે આપણી કળા અને હસ્તકલાનું શોષણ કરવાનું (colonising) બંધ કરશે?’
એવી જ રીતે, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શોએ આ સમગ્ર ઘટનાને 'સાંસ્કૃતિક હડપ' (cultural appropriation) ગણાવી છે. તેમણે લખ્યું છે કે ‘ભારતની પરંપરાગત કળાને માત્ર લક્ઝરીના નામે નવા પેકિંગમાં વેચી દેવી અને અસલી કારીગરોને શ્રેય ન આપવો, તે આપણા વારસા અને પ્રતિભાનું અવમૂલ્યન છે. ભારતીય હસ્તકલા માન્યતાને પાત્ર છે, નકલને નહીં.’

Fendi જેવો જ અન્ય બ્રાન્ડ્સનો પણ ઇતિહાસ

વિદેશી બ્રાન્ડ્સ દ્વારા ભારતીય કળાને પોતાના નામે વેચવાની આ કોઈ પહેલી ઘટના નથી.

  • Prada: અગાઉ 2025માં Prada બ્રાન્ડે બિલકુલ મહારાષ્ટ્રીયન 'કોલ્હાપુરી ચંપલ' જેવા જ દેખાતા ફૂટવેર ઊંચી કિંમતે વેચ્યા હતા. ભારે વિરોધ બાદ તેમણે પોતાની વેબસાઇટ પર તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ ઉમેરવો પડ્યો હતો.
  • Ralph Lauren: 2026માં પેરિસ ફેશન વીક દરમિયાન રાલ્ફ લોરેનના મોડેલ્સે ભારતીય ઘરેણાં 'ઝુમકા' પહેર્યા હતા, જેનો કોઈ જ શ્રેય ભારતને અપાયો ન હતો.
  • Zara: 2018માં પ્રખ્યાત ફેશન બ્રાન્ડ ‘ઝારા’ એ ભારતમાં પહેરાતી 'લુંગી' (Lungi) જેવો જ પોશાક ‘ફ્લોઇંગ સ્કર્ટ વિથ ડ્રેપ’ (Flowing skirt with drape) નામ આપીને આશરે ₹5,000માં વેચવા મૂક્યો હતો. ભારતમાં માત્ર ₹200-300માં મળતી દેશી લુંગીને કોઈ પણ ક્રેડિટ વિના હાઇ-ફેશન સ્કર્ટ તરીકે વેચવા બદલ બ્રાન્ડની સોશિયલ મીડિયા પર ભારે મજાક અને ટીકા થઈ હતી.
  • Balenciaga: 2016માં ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ‘બાલેન્સિયાગા’ એ ભારતીય બજારોમાં શાકભાજી કે કરિયાણું લેવા માટે વપરાતી સામાન્ય 'પ્લાસ્ટિકની પટ્ટાવાળી થેલી' જેવી જ દેખાતી બેગ (Striped Market Bag) ₹1.5 લાખ(લગભગ $2000)ની તોતિંગ કિંમતે વેચી હતી. આ ડિઝાઇન ભારતીય જીવનશૈલીમાંથી સીધી જ ઉઠાવાઈ હોવા છતાં તેને 'ડિઝાઇનર બેગ' તરીકે ખપાવી દેવાઈ હતી.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો

આ વિવાદ પર સામાન્ય જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સના અભિપ્રાયો અનેક ભાગમાં વહેંચાયેલા જોવા મળ્યા.

•કિંમત અને બ્રાન્ડનો જાદુ: કેટલાક લોકોએ કહ્યું કે જો આ બેગ પરથી Fendiનો લોગો હટાવી લેવામાં આવે તો કોઈ તેના ₹500થી વધુ ન આપે.

  • ભારત માટે તક: અન્ય એક વર્ગનું માનવું છે કે વિદેશી બ્રાન્ડ્સ આપણને આપણી જ વસ્તુઓની વૈશ્વિક કિંમત અને વેલ્યુ સમજાવી રહી છે. ભારતીયોએ આ તકનો લાભ લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે આવા ઉત્પાદનોનું સીધું વેચાણ શરૂ કરવું જોઈએ.
  • શ્રેય કોને?- ઘણાં યુઝર્સે દલીલ કરી છે કે નકલ કરવી એ એક પ્રકારની પ્રશંસા છે, પરંતુ તેનો આર્થિક ફાયદો કારીગરોને પણ થવો જોઈએ. તો કેટલાકે કહ્યું કે ભારતમાંથી કાપડ કે અન્ય હસ્તકલાની નિકાસ થાય છે, ત્યારે શ્રેય સમગ્ર દેશને મળે છે, કોઈ ચોક્કસ કારીગરને નહીં.

ભારતીય ફેશન ઉદ્યોગ જાગશે?

આ વિવાદે ભારતીય ફેશન ઉદ્યોગની એક મોટી ખામી પણ ઉજાગર કરી છે. આજે આપણી પાસે ઉત્તમ કારીગરી છે, પરંતુ તેમાંથી વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવવામાં આપણે પાછળ છીએ. વિદેશી કંપનીઓ બ્રાન્ડ ઇક્વિટી ઊભી કરીને આપણી જ ડિઝાઇનમાંથી કરોડો રૂપિયા કમાઈ રહી છે.

ભારતીય કળા-કારીગરી બાબતે કાનૂની સુરક્ષાની માંગ

હવે પરંપરાગત ડિઝાઇન્સ માટે પેટન્ટ અને મજબૂત કાનૂની સુરક્ષાની માંગ તેજ બની છે. નિષ્ણાતો અને યુઝર્સ માને છે કે મૂડીવાદી કંપનીઓ માત્ર નફો જુએ છે, સાંસ્કૃતિક લાગણીઓ નહીં. તેથી હસ્તકલાનું પેટન્ટ કરાવવું ખૂબ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ નકલ કરે તો તેની સામે કાયદાકીય દાવો માંડી શકાય.