વાલીઓ ખાસ ધ્યાન આપે! આ તારીખ સુધીમાં એક પણ રૂપિયો ખર્ચ્યા વિના અપડેટ કરાવો બાળકોનું આધાર કાર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aadhaar Biometric Update Free: યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા દેશભરના શાળાઓના બાળકો માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે હેઠળ 2 કરોડથી વધુ અનિવાર્ય બાયોમેટ્રિક અપડેટ (Mandatory Biometric Update - MBU) સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. 5 થી 17 વર્ષના શાળાના બાળકો માટે આ સેવા બિલકુલ મફત પૂરી પાડવામાં આવી રહી છે.
અનિવાર્ય બાયોમેટ્રિક અપડેટ (MBU) કેમ જરૂરી છે?
જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર નોંધણી થાય છે, ત્યારે માત્ર તેમની ડેમોગ્રાફિક વિગતો અને ફોટો લેવામાં આવે છે. આ ઉંમરે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ (આંખની કિકી) નો સ્કેન લેવામાં આવતો નથી. બાળક મોટું થતાં તેના શારીરિક લક્ષણો બદલાય છે, જેથી 5 વર્ષ પૂર્ણ થયા પછી પહેલું અને 15 વર્ષ પૂર્ણ થયા પછી બીજું બાયોમેટ્રિક અપડેટ કરાવવું કાનૂની અને તકનીકી રીતે અનિવાર્ય બને છે.
30 સપ્ટેમ્બર 2026 સુધી મળશે મફત સુવિધા
વાલીઓ માટે રાહતના સમાચાર એ છે કે, 5 થી 17 વર્ષ સુધીના બાળકો માટે આ બાયોમેટ્રિક અપડેટ મેળવવું સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. વાલીઓ 30 સપ્ટેમ્બર 2026 સુધી કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વિના આ સુવિધાનો લાભ મેળવી શકે છે.
ભવિષ્યની પરીક્ષાઓ અને સરકારી યોજનાઓ માટે કેમ જરૂરી?
સમયસર બાયોમેટ્રિક અપડેટ ન કરાવવાથી આગળ જતાં ઓળખ ચકાસણીમાં સમસ્યાઓ આવી શકે છે. આ અપડેટ નીચે મુજબના કાર્યો માટે અત્યંત જરૂરી છે:
શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓ: શાળા અને ઉચ્ચ શિક્ષણ દરમિયાન મળતી સ્કૉલરશિપ અને લાભો માટે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ: JEE, NEET અને CUET જેવા રાષ્ટ્રીય સ્તરના પ્રવેશ પરીક્ષણોમાં બાયોમેટ્રિક વેરિફિકેશન માટે.
કેવાયસી (KYC) પ્રક્રિયા: બેંક ખાતું ખોલાવવા કે અન્ય શૈક્ષણિક પ્રક્રિયાઓ માટે.
અપડેટ કરાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
આ પ્રક્રિયા ઓનલાઈન થઈ શકતી નથી, કારણ કે તેમાં ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેનની જરૂર હોય છે.
કેન્દ્રની પસંદગી: વાલીઓ ભુવન આધાર પોર્ટલ (Bhuvan Aadhaar Portal) દ્વારા નજીકના આધાર કેન્દ્રની માહિતી મેળવી શકે છે.
બાળકની ઉપસ્થિતિ: પ્રક્રિયા વખતે બાળકનું પ્રત્યક્ષ હાજર રહેવું જરૂરી છે.
જરૂરી દસ્તાવેજ: કેન્દ્ર પર જતી વખતે બાળકનો આધાર નંબર સાથે રાખવો.
બાયોમેટ્રિક ડેટા સ્કેન: કેન્દ્ર પર બાળકના ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અને નવી ફોટો અપડેટ કરવામાં આવશે.
રસીદ મેળવવી: પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુઆરએન (URN) નંબર ધરાવતી રસીદ આપવામાં આવશે, જેનાથી અપડેટ સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.









