Utility

Explainer: શું તમે પણ 'ફર્સ્ટ-નાઈટ ઈફેક્ટ'નો શિકાર છો? જાણો તેની પાછળનું વિજ્ઞાન, કારણો અને ટિપ્સ

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
જ્યારે પણ લોકો રજાઓમાં હોટેલ કે સંબંધીના ઘરે જાય છે, ત્યારે પહેલી રાત્રે થાક હોવા છતાં ઊંઘ આવતી નથી. વિજ્ઞાનમાં આને 'ફર્સ્ટ-નાઇટ ઇફેક્ટ' કહેવાય છે. બ્રાઉન યુનિવર્સિટીના 2016ના સંશોધન મુજબ, નવી જગ્યાએ મગજનો ડાબો ભાગ 'ચોકીદાર' બની સક્રિય રહે છે. આ પ્રાચીન બચાવ પ્રણાલી છે, જે ડોલ્ફિનમાં પણ જોવા મળે છે. આનાથી ગાઢ ઊંઘ નથી આવતી. પરિચિત વસ્તુઓ સાથે રાખવી, શાંત વાતાવરણ બનાવવું અને સ્ક્રીન ટાળવી જેવી ટિપ્સથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: શું તમે પણ 'ફર્સ્ટ-નાઈટ ઈફેક્ટ'નો શિકાર છો? જાણો તેની પાછળનું વિજ્ઞાન, કારણો અને ટિપ્સ

first night effect sleep science: શું તમે ક્યારેય એ વાતની નોંધ લીધી છે કે જ્યારે તમે રજાઓ ગાળવા કોઈ શાનદાર હોટેલમાં જાઓ છો અથવા કોઈ સંબંધીના ઘરે રોકાવા જાઓ છો, ત્યારે પહેલી રાત્રે ગમે તેટલો થાક હોવા છતાં સરખી ઊંઘ નથી આવતી? પથારીમાં પડખાં ઘસવા છતાં આંખો બંધ થવાનું નામ નથી લેતી. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે એકલા નથી! વિજ્ઞાનની ભાષામાં આ સમસ્યાને 'ફર્સ્ટ-નાઇટ ઇફેક્ટ' (First-Night Effect) કહેવામાં આવે છે. ચાલો સમજીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

'ફર્સ્ટ-નાઇટ ઇફેક્ટ' શું છે?
જ્યારે તમે તમારા રોજિંદા બેડરૂમને બદલે કોઈ નવી કે અજાણી જગ્યાએ (જેમ કે હોટેલ કે મિત્રનું ઘર) સૂવા જાઓ છો, ત્યારે ઊંઘની ગુણવત્તા બગડે છે. આ સ્થિતિને ફર્સ્ટ-નાઇટ ઇફેક્ટ (FNE) કહેવાય છે. આમાં વ્યક્તિને ઊંઘ આવવામાં વાર લાગે છે, રાત્રે વારંવાર આંખ ખૂલી જાય છે, ગાઢ ઊંઘ આવતી નથી અને સવારે ઉઠ્યા પછી પણ થાકનો અનુભવ થાય છે.

નવી જગ્યાએ ઉંઘ નહીં આવવાના કારણો

મગજનો એક ભાગ જાગતો રહે છે (નાઈટ વોચમેન)
જ્યારે તમે નવી જગ્યાએ હોવ છો, ત્યારે તમારું મગજ સંપૂર્ણપણે આરામ કરતું નથી. 2016 માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 35 સ્વસ્થ લોકો પર રિસર્ચ કર્યું હતું. તેમણે મગજના સ્કેન દ્વારા જોયું કે પહેલી રાત્રે મગજનો ડાબો ભાગ (Left Hemisphere) સંપૂર્ણપણે સૂતો નથી, બલકે વધુ સક્રિય રહે છે. તે અજાણ્યા વાતાવરણમાં 'ચોકીદાર' ની જેમ કામ કરે છે અને નાનામાં નાના અવાજ પર પણ ઝડપથી પ્રતિક્રિયા આપે છે, જેથી ઊંઘ ઊડી જાય છે.

પ્રાચીન બચાવ પ્રણાલી (સર્વાઇવલ સ્ટ્રેટેજી)
આપણા પૂર્વજો જંગલોમાં કે ખુલ્લી જગ્યાઓમાં રહેતા હતા, જ્યાં રાત્રે જંગલી પ્રાણીઓનો શિકાર બનવાનો ખતરો રહેતો. આથી માણસમાં નવી જગ્યાએ સૂતી વખતે અર્ધજાગ્રત રહેવાની આદત વિકસી. નવાઈની વાત એ છે કે ડોલ્ફિન અને અમુક પક્ષીઓ પણ આ જ રીતે ઊંઘે છે. આને Unihemispheric sleep કહેવાય છે, જેમાં તેમનું અડધું મગજ અને એક આંખ ખુલ્લી હોય છે! આજે આપણા ઘરો સુરક્ષિત છે, પણ મગજ હજુ પણ એ જ જૂની સાવચેતી સાથે કામ કરે છે.

ગાઢ ઊંઘનો અભાવ
પહેલી રાત્રે મગજ સતર્ક હોવાને કારણે તમે ડીપ સ્લીપ (ગાઢ ઊંઘ) માં ઓછો સમય પસાર કરો છો. પરિણામે ઊંઘ હળવી રહે છે અને તમે વારંવાર જાગી જાઓ છો અથવા ખૂબ જ સપના જુઓ છો.

અજાણ્યું વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક કારણો
રૂમનું તાપમાન, અલગ પ્રકારનું ગાદલું, ઓશીકું, રૂમની ગંધ કે લાઇટિંગ જેવા પરિબળો પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત કોઈ મોટી મીટિંગનું ટેન્શન કે ફરવા જવાની ઉત્તેજના પણ ઊંઘમાં વિલંબ કરી શકે છે.

કોને આ સમસ્યા વધુ થાય છે?

  • વારંવાર મુસાફરી કરતા બિઝનેસ પ્રોફેશનલ્સ અને પ્રવાસીઓ
  • હળવી ઊંઘ (Light sleepers) લેતા લોકો
  • કોઈ મોટી સ્પર્ધા પહેલા રમતવીરો
  • હોસ્પિટલમાં દાખલ દર્દીઓ
  • ચિંતા (Anxiety) ધરાવતી વ્યક્તિઓ

આ પ્રકારની તકલીફ કેટલી હાનિકાર છે?
ના, આ બિલકુલ હાનિકારક નથી. આ એક સામાન્ય અને કામચલાઉ સ્થિતિ છે. બીજી કે ત્રીજી રાત સુધીમાં મગજ નવા વાતાવરણને સુરક્ષિત માની લે છે. ત્યારબાદ મગજના બંને ભાગ શાંતિથી ઊંઘી જાય છે અને ઊંઘ સામાન્ય થઈ જાય છે.

નવી જગ્યાએ સારી ઊંઘ મેળવવા માટેની ટિપ્સ

  • પરિચિત વસ્તુઓ સાથે રાખો: જો શક્ય હોય તો તમારું પોતાનું ઓશીકું કે બ્લેન્કેટ સાથે રાખો, જેથી મગજને જાણીતી સુગંધ અને સ્પર્શ મળે.
  • શાંત વાતાવરણ બનાવો: રૂમને ઠંડો અને શાંત રાખો. રૂમમાં અંધારું રાખો.
  • અવાજથી બચો: અજાણ્યા અવાજો રોકવા માટે ઇયરપ્લગ (Earplugs) અને આંખો માટે સ્લીપ માસ્ક (Sleep mask) નો ઉપયોગ કરો.
  • સ્ક્રીન સમય ઘટાડો: સૂતા પહેલા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ ઓછો કરો.
  • ખાણીપીણીનું ધ્યાન રાખો: સૂતા પહેલા કેફીન (ચા-કોફી) અને આલ્કોહોલ લેવાનું ટાળો.
  • નિયમિતતા જાળવો: મુસાફરીમાં પણ રોજિંદો સૂવાનો સમય જાળવવાનો પ્રયાસ કરો.