મુસાફરી દરમિયાન કારમાં ફોન ચાર્જ કરો છો? તો આ ભૂલો ન કરતાં નહીંતર નુકસાની નોતરશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Car Phone Charger Tips: પહેલાં જ્યારે પણ આપણે કોઈ ટ્રીપ પર જતા હતા ત્યારે સૌથી મોટો ડર એ રહેતો હતો કે ફોન કેવી રીતે ચાર્જ થશે. પરંતુ હવે જ્યારે પણ આપણે આપણી કારમાં મુસાફરી કરવા નીકળીએ છીએ ત્યારે આ સમસ્યા દૂર થઈ જાય છે. કારણ કે, કારમાં આપણે આપણો ફોન સરળતાથી ચાર્જ કરી શકીએ છીએ. લાંબી મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સ દ્વારા નેવિગેશન ચલાવવા, મનપસંદ ગીતો સાંભળવા અથવા જરૂરી બિઝનેસ કોલ્સ એટેન્ડ કરવા માટે મોબાઈલનું ફુલ ચાર્જ રહેવું ખૂબ જ જરૂરી પણ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે કારમાં ફોન ચાર્જ કરવાની તમારી આ સાધારણ રીત તમારા મોંઘા સ્માર્ટફોન અને તમારી કાર બંને માટે ખૂબ ભારે પડી શકે છે.
ચાર્જિંગની ભૂલો અને તેનાથી બચવાના ઉપાયો
અવારનવાર લોકો વિચાર્યા વગર કોઈપણ સસ્તા કાર ચાર્જરનો ઉપયોગ કરી લે છે અથવા તો ખોટા સમયે ફોનને પ્લગ-ઈન કરી દે છે. જો તમે પણ દરરોજ ગાડી ચલાવતી વખતે તમારો મોબાઈલ ચાર્જ કરો છો તો તમને તેનાથી જોડાયેલા ગંભીર જોખમો વિશે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. થોડી સમજદારી અને યોગ્ય રીત અપનાવીને તમે તમારા ફોન અને ગાડી બંનેને સુરક્ષિત રાખી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે?
સસ્તા અને લોકલ કાર ચાર્જરનો ઉપયોગ કરવાનું જોખમ
તમને જણાવી દઈએ કે, કારમાં ફોન ચાર્જ કરતી વખતે કરવામાં આવતી સૌથી મોટી ભૂલ લોકલ અથવા બ્રાન્ડ વગરના સસ્તા કાર ચાર્જરનો ઉપયોગ કરવાની છે. લોકલ ચાર્જરમાં યોગ્ય પાવર રેગ્યુલેશન સર્કિટ હોતી નથી જેના કારણે ફોનમાં અચાનક જરૂરિયાત કરતાં વધુ કે ખૂબ ઓછો કરંટ પહોંચવા લાગે છે. જ્યારે આ સિવાય યોગ્ય એમ્પિયર ન મળવાને કારણે ફોન ખૂબ ધીમી ગતિએ ચાર્જ થાય છે અને કેબલ પણ ઝડપથી ગરમ થવા લાગે છે. સસ્તા એડેપ્ટર તમારી કારના ફ્યુઝને પણ ઉડાડી શકે છે. આવા સમયે હંમેશા તમારી કંપનીનું ઓરિજિનલ અથવા કોઈ જાણીતી બ્રાન્ડનું જ સર્ટિફાઈડ એડેપ્ટર વાપરવું જોઈએ.
ઈગ્નીશન ઓન કરતા પહેલા ફોન પ્લગ-ઈન કરવાની ભૂલ
ઘણા લોકોની એ આદત હોય છે કે તેઓ કારમાં બેસતા જ સૌથી પહેલા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરી દે છે અને ત્યારબાદ ગાડીનું ઈગ્નીશન ઓન કરે છે. જ્યારે તમે કારના એન્જિનને સેલ્ફ આપીને સ્ટાર્ટ કરો છો ત્યારે તે સમયે કારની બેટરીમાંથી એક ખૂબ મોટો ઈલેક્ટ્રિકલ સ્પાઈક એટલે કે વીજળીનો તીવ્ર આંચકો નીકળે છે. આ અચાનક વધેલો વોલ્ટેજ તમારા ફોનના નાજુક મધરબોર્ડ અને ચાર્જિંગ આઈસીને સંપૂર્ણપણે બાળીને તબાહ કરી શકે છે. તેથી હંમેશા ગાડી સ્ટાર્ટ થયા અને એન્જિન સ્મૂથ ચાલ્યા પછી જ ફોનને કેબલ સાથે જોડો.
સીધા તડકામાં ફોન ચાર્જ કરવાના ભયાનક પરિણામો
એવું જોવામાં આવે છે કે, મુસાફરી દરમિયાન લોકો ફોનને કારના ડેશબોર્ડ પર અથવા એવી જગ્યાએ મૂકી દે છે જ્યાં સીધો તડકો આવતો હોય. ચાર્જિંગ દરમિયાન ફોનની બેટરીમાં કેમિકલ રિએક્શન થાય છે. જેનાથી તે પહેલેથી જ ગરમ હોય છે. આવા સમયે જો તેના પર સીધો તડકો અને બહારની ગરમી પણ પડતી રહે તો ફોનનું તાપમાન જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. અતિશય ગરમીના કારણે ફોનની બેટરી ફૂલી શકે છે, તેની લાઈફ અડધી થઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તો ફોનમાં બ્લાસ્ટ થવા સુધીનું જોખમ ઊભું થઈ જાય છે.
એન્જિન બંધ હોય ત્યારે ચાર્જિંગથી કારની બેટરી પર અસર
તમને જણાવી દઈએ કે, જ્યારે તમારી કારનું એન્જિન પૂરી રીતે બંધ હોય છે ત્યારે પણ ઘણી જૂની કે નવી ગાડીઓના 12V પાવર સોકેટમાં બેટરીમાંથી વીજળીનો સપ્લાય ચાલુ રહે છે. જો તમે કાર બંધ કરીને લાંબા સમય સુધી ફોનને ચાર્જિંગ પર છોડી દો છો, તો ફોન કારની મેઈન બેટરીમાંથી પાવર ખેંચતો રહે છે. આનાથી કારની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે અને જ્યારે તમે પછીથી મુસાફરી પર નીકળો છો કે ગાડી સ્ટાર્ટ કરો છો તો કાર સ્ટાર્ટ જ નહીં થાય. તેથી મુસાફરી પૂરી થતાં જ ફોનને તરત જ સોકેટમાંથી કાઢી લેવો જોઈએ.









