નોકરિયાતો માટે મોટા સમાચાર: ATM અને UPIથી ઉપાડી શકાશે PF? જાણો EPFOનો નવો પ્લાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO 3.0 PF Withdrawal Rules : પ્રાયવેટ નોકરી કરતાં કરોડો કર્મચારીઓ માટે જરૂરિયાતના સમયે પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા હવે અત્યંત સરળ બનવા જઈ રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની પ્રવર્તમાન આઇટી સિસ્ટમને અપગ્રેડ કરીને 'EPFO 3.0' લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નવી સિસ્ટમ હેઠળ એડવાન્સ ક્લેમની પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીમારી, લગ્ન કે મકાન ખરીદી જેવા કારણોસર રૂ. 5 લાખ સુધીના એડવાન્સ ક્લેમ હવે માત્ર 3થી 4 દિવસમાં ઓટો-સેટલ થઈ શકે છે.
સેન્ટ્રલાઇઝ્ડ અને ક્લાઉડ-બેઝ્ડ પોર્ટલ
EPFO 3.0ને હાલની આઇટી સિસ્ટમનું અત્યાધુનિક અને સેન્ટ્રલાઇઝ્ડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે. હાલની સિસ્ટમમાં જુદા જુદા રીજનલ ઑફિસના સર્વર જોડાયેલા હોવાથી પોર્ટલ પર સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓ સર્જાતી હતી. નવી સિસ્ટમ સંપૂર્ણપણે ક્લાઉડ-બેઝ્ડ હશે. જે તમામ ડેટા પ્રોસેસિંગને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. EPFOની યોજના PF ખાતાને બૅંકિંગ સેવાઓની જેમ સંપૂર્ણપણે ડિજિટલ અને સુગમ બનાવવાની છે. જેથી કર્મચારીઓને વારંવાર રીજનલ ઑફિસના ધક્કા ન ખાવા પડે.
રૂ. 5 લાખ સુધીના એડવાન્સ ક્લેમ થશે ઓટો-સેટલ
નવી સિસ્ટમમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડેટા વેરિફિકેશન દ્વારા એડવાન્સ ક્લેમની પ્રોસેસ આપમેળે પૂર્ણ થશે. જો કર્મચારી દ્વારા સબમિટ કરવામાં આવેલી તમામ વિગતો અને શરતો યોગ્ય હશે, તો સિસ્ટમ પોતે જ ક્લેમ મંજૂર કરી દેશે અને અધિકારીઓના મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂરિયાત ઘટી જશે. મંજૂરી મળ્યા બાદ નાણાં સીધા જ કર્મચારીના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે. આ ઉપરાંત ભવિષ્યમાં ઇમરજન્સી જરૂરિયાતો માટે ATM અને UPI દ્વારા પણ PFમાંથી નાણાં ઉપાડવાની સુવિધા આપવાના વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.
ટેક્નિકલ કારણોસર લોન્ચિંગમાં વિલંબ
EPFO 3.0ની કેટલીક સુવિધાઓ જુલાઈ અથવા ઑગસ્ટ મહિનામાં લોન્ચ થવાની ધારણા હતી, પરંતુ ટેક્નિકલ ચકાસણી અને પોર્ટલના ટેસ્ટિંગના કારણે લોન્ચિંગ પાછળ ઠેલવાયું હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં તેના કેટલાક મહત્ત્વપૂર્ણ ફીચર્સ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે EPFO દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ જ લોન્ચિંગની આખરી તારીખ અને સુવિધાઓનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થશે.




