દર મહિને માત્ર 1,000 રૂપિયા જમા કરાવો, 8.2% વ્યાજ અને ટેક્સ ફ્રી રિટર્ન! અંતે મળશે લાખોનું રિટર્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sukanya Samriddhi Yojana: દરેક માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનું સપનું જોતા હોય છે, જેથી ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા મહત્ત્વના તબક્કે તેમને કોઈ નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભારતમાં દીકરીઓની સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા હંમેશાં પ્રાથમિકતા રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દીકરીઓના લાંબા ગાળાના ભવિષ્યને આર્થિક ટેકો આપવાના હેતુથી એક વિશેષ બચત યોજના શરૂ કરી છે, જેનું નામ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' છે.
શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?
સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY)એ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી એક ખાસ બચત યોજના છે. માતા-પિતા કે કાનૂની વાલી પોતાની દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય ત્યાં સુધીમાં આ ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે મોટું ફંડ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ નિયમિત રકમ જમા કરાવી શકાય છે, જે દીકરી 21 વર્ષની થાય ત્યારે પરિપક્વ(મેચ્યોર) થાય છે. આ યોજનામાં સામાન્ય બૅંક એફડી(FD) કરતાં વધુ વ્યાજ મળે છે અને તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
વ્યાજ દર અને રિટર્ન
હાલમાં આ યોજના હેઠળ વાર્ષિક 8.2%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સરકાર દર ત્રિમાસિક ગાળે વ્યાજ દરોની સમીક્ષા કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વાલી દર મહિને ₹1,000 (વાર્ષિક ₹12,000) જમા કરાવે છે, તો 15 વર્ષમાં તેમનું કુલ રોકાણ ₹1,80,000 થશે. હાલના વ્યાજ દર મુજબ, 21 વર્ષ પૂર્ણ થતાં આશરે ₹3,74,206 વ્યાજ તરીકે મળશે, જેથી મેચ્યોરિટી વખતે કુલ ₹5,54,206ની રકમ મળશે.
ખાતું કેવી રીતે ખોલાવવું?
કોઈપણ પોસ્ટ ઑફિસ અથવા અધિકૃત બૅંકની શાખામાં માત્ર ₹250ના લઘુત્તમ ડિપોઝિટ સાથે આ ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર અને માતા-પિતા કે વાલીના ઓળખના પુરાવા (જેમ કે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ) જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. એક પરિવાર વધુમાં વધુ બે દીકરીઓ માટે આ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું દીકરીના નામે જ ખૂલે છે અને વાલી તેના વતી સંચાલન કરે છે.
જમા કરાવવાની મુદત અને મેચ્યોરિટી
આ યોજનામાં ખાતું ખોલાવ્યાની તારીખથી માત્ર 15 વર્ષ સુધી જ નાણાં જમા કરાવવાના હોય છે, પરંતુ ખાતું દીકરી 21 વર્ષની થાય ત્યારે મેચ્યોર થાય છે. 15 વર્ષ પૂરા થયા પછી પણ બાકીના સમયગાળા માટે જમા થયેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. આ ઉપરાંત, દીકરી 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્નના ખર્ચ માટે કુલ રકમના 50% સુધી ઉપાડવાની છૂટ મળે છે.
પાત્રતા અને ટેક્સમાં લાભ
આ યોજના તમામ આવક જૂથના માતા-પિતા માટે ખુલ્લી છે અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે અનુશાસિત બચત કરવાનો ઉત્તમ વિકલ્પ છે. યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા ₹250 જમા કરાવવા જરૂરી છે (નહીંતર પેનલ્ટી લાગે છે), જ્યારે વાર્ષિક મહત્તમ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજના EEE (એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ) કેટેગરીમાં આવે છે, એટલે કે રોકાણ કરેલી રકમ, મળેલું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ - ત્રણેય સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.




