Utility

દેશભરની બૅંકોમાં 28થી 30 સપ્ટેમ્બર હડતાળ! જાણો કઈ બે માગ માટે કર્મચારીઓએ છેડ્યો છે જંગ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
પબ્લિક સેક્ટર બૅન્કના કર્મચારીઓ 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસની દેશવ્યાપી હડતાળ પર જશે. 5 દિવસીય બૅન્કિંગ સપ્તાહની મુખ્ય માંગણી સ્વીકારાઈ ન હોવાથી યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા આ નિર્ણય લેવાયો છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાલીન હડતાળની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. આ હડતાળથી કરોડો ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશભરની બૅંકોમાં 28થી 30 સપ્ટેમ્બર હડતાળ! જાણો કઈ બે માગ માટે કર્મચારીઓએ છેડ્યો છે જંગ
IMAGE - IANS

Bank strike September 2026: દેશભરમાં પબ્લિક સેક્ટર બૅન્કના કર્મચારીઓ આગામી 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ પર જઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે યોજાયેલી એક દિવસીય હડતાળના માત્ર બે અઠવાડિયા બાદ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે, કારણ કે સરકાર દ્વારા તેમની પાંચ દિવસના કામકાજના સપ્તાહ (ફાઈવ-ડે બૅકિન્ગ વીક)ની મુખ્ય માંગ સ્વીકારવામાં આવી નથી.

યુનાઈટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ(UFBU)એ ચેતવણી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત સમય માટે હડતાળ પણ શરૂ કરવામાં આવી શકે છે.

બૅન્ક યુનિયનોની મુખ્ય માંગણીઓ

બૅન્ક યુનિયનોની મુખ્યત્વે બે મોટી માંગણીઓ છે:

  • તમામ શનિવારે બૅન્કો બંધ રાખીને પાંચ દિવસનું સપ્તાહ લાગુ કરવું.
  • પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પાછી ખેંચવી.

જોકે સરકારે હાલ પૂરતી PLI યોજના પર રોક લગાવી દીધી છે, પરંતુ પાંચ દિવસના વીક અંગે કોઈ સ્પષ્ટ સંચાર કે મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં બૅન્કો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, પરંતુ યુનિયનો ઈચ્છે છે કે હવે દરેક શનિવારે રજા રહે.

સરકારની અપીલ અને અસરોની ચેતવણી

સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સરકારે યુનિયનો સાથે ઘણી બેઠકો થયાનું જણાવ્યું હતું અને કર્મચારીઓને હડતાળ આગળ ન વધારવા અપીલ કરી હતી. સરકારે જણાવ્યું કે આ ત્રણ દિવસીય હડતાળ 30 સપ્ટેમ્બરે પૂરી થશે, જે દિવસે બૅન્કોનું અર્ધવાર્ષિક ક્લોઝિંગ (Half-yearly closing) હોય છે.

સરકારના મતે આ હડતાળના કારણે પાંચ દિવસ સુધી ભૌતિક બૅન્કિંગ સેવાઓ ખોરવાઈ શકે છે, જેનાથી ગ્રાહકો, વ્યવસાયો, સરકારી વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય બૅન્કિંગ કામગીરી પર મોટી અસર પડી શકે છે.

અગાઉ પણ થઈ ચૂકી છે અનેક હડતાળો

પાંચ દિવસના કામકાજના સપ્તાહની માંગ નવી નથી. વર્ષ 2024માં ઈન્ડિયન બૅન્કર્સ એસોસિએશન (IBA) અને અન્ય યુનિયનો વચ્ચે શનિવારની ખોવાયેલી કામકાજના બદલે અઠવાડિયાના બાકીના દિવસોમાં કામકાજના કલાકો વધારવા પર સહમતિ સધાઈ હતી અને પ્રસ્તાવ મંજૂરી માટે સરકારને મોકલ્યો હતો, જે હજુ પણ પેન્ડિંગ છે.

છેલ્લા 18 મહિનામાં ભરતી, પેન્શન અને કામકાજની સ્થિતિ જેવા મુદ્દાઓ પર બૅન્કો ઘણી વખત હડતાળ પર ઉતરી ચૂકી છે. આ મુદ્દો એક દાયકા કરતાં વધુ જૂનો છે, કારણ કે 2015માં સરકાર દ્વારા બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવામાં આવી હતી, ત્યારથી જ કર્મચારીઓ બાકીના શનિવારો પણ બંધ રાખવાની માંગ કરી રહ્યા છે.

બીજી તરફ, સરકારે છેલ્લા દાયકામાં કર્મચારીઓ માટે પગાર સુધારણા, વધુ ભરતી, પ્રમોશન પોલિસીમાં ફેરફાર અને પેન્શન લાભો જેવા લીધેલા પગલાંઓની યાદી પણ રજૂ કરી છે.