LPGથી લઈને ટોલ પાસ સુધી... આવતીકાલથી દેશમાં થશે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સાને થશે અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

November 1 Rule Changes: ઓક્ટોબર મહિનાના અંત સાથે જ 1 નવેમ્બર 2026થી દેશમાં સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન, પેન્શનરો અને વેપારીઓ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ આર્થિક અને પ્રશાસનિક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને ડિજિટલ પેમેન્ટ, ટ્રાફિક નિયમો અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખો સુધીના આ બદલાવોની સીધી અસર દરેકના ખિસ્સા પર જોવા મળશે.
LPG સિલિન્ડર અને ઇંધણના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખની જેમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 નવેમ્બરે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. અગાઉ ઓક્ટોબરમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હતા. 1 નવેમ્બરે કોમર્શિયલ રસોઈ ગેસ ઉપરાંત હવાઈ ઇંધણ (ATF)ના રેટ્સમાં પણ સુધારો જોવા મળી શકે છે, જેની અસર હોટેલ, રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ પર પડશે.
ટોલ પાસ અને ટ્રાફિકના નવા નિયમો
કેન્દ્ર સરકાર તરફથી હાઈવે પર ટોલ પ્લાઝાના 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહન માલિકો માટે 1500 રૂપિયાનો વાર્ષિક ટોલ પાસ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય, દિલ્હીમાં વિન્ટર એક્શન પ્લાન હેઠળ અન્ય રાજ્યોના જૂના નોન-BS6 વાહનોના પ્રવેશ પર 31 જાન્યુઆરી, 2026 સુધી પ્રતિબંધ રહેશે. મુંબઈ-પૂણે એક્સપ્રેસવેના નવા કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મુકાયો છે.
GST નિયમોમાં રાહત અને સરળ રિટર્ન પ્રોસેસ
કેન્દ્ર સરકાર 1 નવેમ્બરથી જીએસટી સંબંધિત નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. વેચાણ પછી આપવામાં આવતા ડિસ્કાઉન્ટના નિયમો સરળ બનાવવામાં આવશે અને ટેક્સ રિફંડમાં થતો વિલંબ ઘટાડવા માટે ઓટોમેટિક એપ્રૂવલની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત, 5 કરોડ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે નવી સરળ રિટર્ન સિસ્ટમ અમલમાં આવશે.
સિમ કાર્ડ માટે CNAP સેવા
દૂરસંચાર વિભાગ (DoT)ના નિર્દેશ અનુસાર 1 નવેમ્બર 2026થી કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) નિયમ લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે મોબાઇલ યુઝર્સની સ્ક્રીન પર કૉલ કરનારનું નામ દર્શાવવું ફરજિયાત રહેશે, જેનાથી થર્ડ-પાર્ટી કોલર આઈડી ઍપ પર નિર્ભર રહેવું નહીં પડે.
પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર અને ITRની લંબાયેલી તારીખ
80 વર્ષથી ઓછી વયના સરકારી પેન્શનરો 1 નવેમ્બરથી પોતાનું જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) જમા કરાવી શકશે, જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. સમયસર સર્ટિફિકેટ જમા નહીં કરાવનારની પેન્શન અટકી શકે છે. આ સિવાય, ઇન્કમ ટેક્સ વિભાગે ઓડિટના દાયરામાં આવતા કરદાતાઓ માટે આકારણી વર્ષ 2026.-27નું ITR ફાઇલ કરવાની સમયસીમા 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર, 2026 કરી છે.
આ સિવાય, દિવ્યાંગ પેન્શનના નવા નિયમો માટે નવી માર્ગદર્શિકા બાકી હોવાથી તે 1 નવેમ્બરથી લાગુ નહીં થાય. તેમજ વિવિધ બેંકો પોતાના એફડી અને લોનના વ્યાજદરોમાં પણ ફેરફાર કરી શકે છે.




