તહેવારની સિઝનમાં ચાંદી રૂ.10,000 તો સોનું રૂ.4,200થી વધુ તૂટ્યું, જુઓ લેટેસ્ટ ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Today Gold-Silver Price : વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો અને આક્રમક વેચવાલીના દબાણ હેઠળ ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ ધડામ કરતાં પટકાયા છે. સામાન્ય રીતે ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે કિંમતી ધાતુઓ સુરક્ષિત રોકાણ ગણાતી હોય છે, પરંતુ હાલના તબક્કે ઊંચા વૈશ્વિક વ્યાજદરો અને મજબૂત ડૉલરના કારણે બજારમાં તદ્દન વિપરીત માહોલ સર્જાયો છે. રોકાણકારો દ્વારા મોટા પાયે નફારૂપી વેચવાલી હાથ ધરાતાં શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીમાં જોરદાર કડાકો બોલાયો હતો, જ્યારે સોનાના વાયદામાં પણ ભારે નરમાઈ જોવા મળી હતી.
MCX : ચાંદીના ભાવમાં ₹10,025નો ઘટાડો
MCX પર 30 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 11:00 વાગ્યા સુધીમાં 4 ડિસેમ્બર 2026 વાયદાની ચાંદી તેના અગાઉના બંધ ભાવ (1,89,453 રૂપિયા)ની સરખામણીએ 10,025 રૂપિયા (5.29 ટકા) ઘટીને 1,79,428 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી. આજના સત્રમાં ચાંદી 1,87,777 રૂપિયા પર ખૂલી હતી, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ 1,89,453 રૂપિયા રહ્યો હતો. કારોબાર દરમિયાન આ વાયદો ઊંચામાં 1,88,272 રૂપિયા અને તૂટીને નીચામાં 1,79,428 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો, જેના પરિણામે આજના જ સત્રમાં ચાંદીના ભાવમાં હાઈથી લો વચ્ચે 8,844 રૂપિયાની તોતિંગ ઉથલ-પાથલ જોવા મળી હતી. ચાલુ વર્ષે 4,20,000 રૂપિયાની ઐતિહાસિક સપાટી સ્પર્શ્યા બાદ ચાંદી માત્ર 10 મહિનામાં લગભગ 2,40,572 રૂપિયા ઘટીને હવે 1,79,428 રૂપિયાના સ્તરે આવી ચૂકી છે.
MCX : સોનાના ભાવ ₹4,231 તૂટ્યા
MCX પર 30 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 11:00 વાગ્યે 4 ડિસેમ્બર 2026 વાયદાનું સોનું તેના પાછલા બંધ ભાવ (1,42,596 રૂપિયા)ની સામે 4,231 રૂપિયા (2.97 ટકા) તૂટીને 1,38,365 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનું આજે 1,42,225 રૂપિયા પર ઓપન થયું હતું, જે અગાઉના સત્રમાં 1,42,596 રૂપિયા પર બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં 1,42,574 રૂપિયાનું ઉચ્ચતમ સ્તર અને દબાણ હેઠળ નીચામાં 1,38,365 રૂપિયાનું નીચલું સ્તર નોંધાવ્યું હતું, આમ સોનાના કારોબારમાં દિવસ દરમિયાન ઉપલા અને નીચલા સ્તર વચ્ચે 4,209 રૂપિયાની મોટી વધ-ઘટ નોંધાઈ હતી.
દિલ્હીના હાજર બજારમાં ભાવની સ્થિતિ
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,300 રૂપિયા ઘટીને તમામ કર સહિત 1,45,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ગુરુવારે સોનું 1,46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. દિલ્હીના હાજર બજારમાં શુક્રવારે સફેદ ધાતુ 8,300 રૂપિયા તૂટીને 1,90,200 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે, જે અગાઉના સત્રમાં 1,98,500 રૂપિયા હતી. આ સ્તર છેલ્લા 11 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. આ અગાઉ 10 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી 1,92,000 રૂપિયા પ્રતિ કિલો આસપાસ ટ્રેડ થઈ રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ધાતુઓ તૂટી
ભારતીય બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના-ચાંદીમાં ભારે ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 4,000 ડૉલરની મહત્વની સપાટીથી નીચે સરકી ગયું હતું. તે 53.15 ડૉલર અથવા 1.32 ટકા ઘટીને 3,968.24 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. આ તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પણ લગભગ 4 ટકા તૂટીને 50.12 થી 50.35 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગઈ હતી.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો
- અમેરિકી ફેડરલ રિઝર્વનું કડક વલણ: મજબૂત GDP ડેટા અને સતત ઊંચી મોંઘવારીના કારણે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કડકાઈ દાખવે તેવી શક્યતા છે. ઊંચા વ્યાજદર રહેવાથી કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
- ડૉલરની મજબૂતી: ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી અને યુએસ બોન્ડ યીલ્ડ વધવાના કારણે સમગ્ર કોમોડિટી માર્કેટ, ખાસ કરીને સોના-ચાંદી પર વેચવાલીનું દબાણ આવ્યું છે.
- નબળી ઔદ્યોગિક માંગ: ચાંદીનો મોટો હિસ્સો સોલર પેનલ (ફોટોવોલ્ટેઇક) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. ચીનમાં ઔદ્યોગિક માંગ સુસ્ત પડવા ઉપરાંત સોલર ઉત્પાદકો દ્વારા પ્રતિ સેલ ચાંદીનો વપરાશ ઘટાડવાના પગલાંને કારણે ઔદ્યોગિક માંગ નબળી પડી છે.
- કાચા તેલના ઊંચા ભાવ અને મોંઘવારી: ક્રૂડ ઓઇલ 100 ડૉલર પ્રતિ બેરલથી ઉપર રહેતાં વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા વધી છે, જેના પગલે સેન્ટ્રલ બેંકો કડક નાણાકીય નીતિઓ અપનાવી રહી છે.
- નફારૂપી વેચવાલી: જાન્યુઆરી 2026માં રેકોર્ડ ઊંચી સપાટી નોંધાવ્યા બાદ રોકાણકારો અને ટ્રેડર્સ દ્વારા મોટા પાયે નફાવસૂલી કરવામાં આવી રહી છે, જેને લીધે બજારમાં સતત કરેક્શન જોવા મળી રહ્યું છે.
ભાવમાં આ ઘટાડો ક્યાં સુધી ચાલશે?
હાલનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી વેચવાલીને આભારી છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી ભાવ પર દબાણ જળવાઈ રહેવાની સંભાવના છે. ઘટાડાનો આ દોર કેટલો લાંબો ચાલશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, તેથી રોકાણકારોએ વૈશ્વિક આર્થિક પ્રવાહો અને બજારના વલણ પર સતત નજર રાખવી જરૂરી છે.




