LPG ગ્રાહકો માટે આજે છેલ્લી તક: કાલથી ગેસમાં e-KYC વગર સબસિડી બંધ, સિલિન્ડર બજાર ભાવે મળશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gas Subsidy Aadhaar e-KYC Deadline: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર 2026થી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદામાં આધાર ચકાસણી (ઇ-કેવાયસી) નહીં કરાવે, તો તેમને સબસીડીનો લાભ મળતો બંધ થઈ જશે.
આ નિયમ પાછળનો મુખ્ય હેતુ
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ સબસીડી પહોંચાડવાનો છે. દેશમાં ઘરગથ્થુ ઉપયોગ માટે અપાતા સબસીડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદેસર વપરાશ અટકાવવા, બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ છે.
આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવવાથી થનારું આર્થિક નુકસાન
જો ગ્રાહકો સમયમર્યાદામાં ઇ-કેવાયસી નહીં કરાવે તો તેમને પૂરા બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે. સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ પ્રતિ સિલિન્ડર આશરે રૂ. 210 જેટલી સબસીડી અપાય છે, જે અગાઉ રૂ. 721 સુધી પહોંચી હતી. આધાર વગર ગ્રાહકોને 14.2 કિલોનો સિલિન્ડર બજાર કિંમતે ખરીદવો પડશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
વૈકલ્પિક વ્યવસ્થા અને પડકારો
- જે ગ્રાહકો આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવે, તેમણે ઓઈલ કંપનીઓની ડિજિટલ ચેનલો પર જઈને પોતાનો વિકલ્પ નોંધાવવો પડશે અને વગર સબસીડીએ માત્ર 5 કિલો કે 10 કિલોના સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે.
- આ સિલિન્ડર મળવાનો કે ન મળવાનો આધાર સ્થાનિક ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે અને આધાર વગર સામાન્ય બુકિંગ થઈ શકશે નહીં.
- ડિલિવરી સમયે કે ગેસ એજન્સી પર લાંબી લાઈનોમાં ઊભા રહીને ઈ-કેવાયસી કરાવવાથી સમયનો વ્યય થશે અને સિલિન્ડર મેળવવામાં વિલંબ થઈ શકે છે.
- ખાસ કરીને ગ્રામીણ અને વયસ્ક ગ્રાહકો માટે ઓનલાઈન મોબાઈલ એપ દ્વારા ફેસ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડકારજનક બની શકે છે અને તેમણે એજન્સીના ધક્કા ખાવા પડી શકે છે.




