વધારે સિમ કાર્ડ રાખતા હોવ તો ચેતજો! આ એક ભૂલના કારણે સસ્પેન્ડ થઈ શકે છે તમારો મોબાઈલ નંબર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DoT SIM Card Limit Rules: સાયબર ફ્રૉડ, ડિજિટલ છેતરપિંડી અને બોગસ મોબાઈલ કનેક્શન પર લગામ લગાવવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનએ (DoT) એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દેશમાં એક વ્યક્તિ પોતાના નામે મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ (SIM) રાખી શકશે નહીં. DoT દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નિર્ધારિત સિમા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને નવું મોબાઈલ સિમ કાર્ડ આપવામાં ન આવે. આ નવી સિસ્ટમ માટે 'ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ' (DIP)નો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં મર્યાદા સુધી પહોંચેલા ગ્રાહકોની ઓળખ અને ફોટો ઉપલબ્ધ રહેશે.
એક વ્યક્તિ કેટલા સિમ કાર્ડ રાખી શકે?
નિયમો અનુસાર, દેશના સામાન્ય રાજ્યોમાં એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ 9 સિમ કાર્ડ રાખી શકે છે. જ્યારે આસામ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યો માટે 6 સિમ કાર્ડ લિમીટ નક્કી કરવામાં આવી છે. DoT દ્વારા હવે આ નિયમનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે નવું મોનિટરિંગ મિકેનિઝમ અમલમાં મુકાઈ રહ્યું છે.
કઈ રીતે કામ કરશે નવી સિસ્ટમ?
ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) વિવિધ ટેલિકોમ કંપનીઓ પાસેથી મળેલા ગ્રાહકોના ડેટાનું વિશ્લેષણ કરશે. આનાથી જાણી શકાશે કે કોઈ વ્યક્તિના નામે કુલ કેટલા નંબર એક્ટિવ છે. નવી સિસ્ટમ હેઠળ મર્યાદા પૂરી કરનાર ગ્રાહકની તસવીર પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે, જેથી નવું સિમ ઇશ્યૂ કરતાં પહેલાં ગ્રાહકની ઓળખ સરળતાથી થઈ શકે.
મર્યાદાથી વધુ સિમ કાર્ડ હશે તો થશે આ કાર્યવાહી
ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ પાસે નક્કી કરેલી સિમા કરતાં વધુ સિમ હશે અને કોઈ નવું કનેક્શન એક્ટિવેટ થશે, તો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ કનેક્શન ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી વધારાના સિમ સાથે જોડાયેલા મુદ્દાનું યોગ્ય સોલ્યુશન ન આવી જાય.
30 નવેમ્બર, 2026 સુધીની સમયમર્યાદા
સરકારે તમામ ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ 30 નવેમ્બર, 2026 સુધીમાં આ નવી વ્યવસ્થાને પોતાના સબસ્ક્રાઈબર એનરોલમેન્ટ અને સિમ એક્ટિવેશન સિસ્ટમ સાથે પૂરી રીતે જોડી દે. આ ઈન્ટિગ્રેશન પૂર્ણ થયા બાદ નવું સિમ જાહેર કરતી વખતે રિયલ ટાઈમમાં જ તપાસ થઈ શકશે.
કેમ લેવાયો આ સખત નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી બોગસ સિમ કાર્ડ્સનો ઉપયોગ કરીને બેંકિંગ ફ્રૉડ, સાયબર ઠગાઈ અને ઓનલાઈન ગુનાઓના કિસ્સા સતત વધી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું હતું કે એક જ વ્યક્તિના નામે મોટી સંખ્યામાં સિમ કનેક્શન લઈને તેનો ગેરકાયદેસર ઉપયોગ થતો હતો. સરકારનું માનવું છે કે આ કડક નિરીક્ષણ અને દેખરેખથી સાયબર અપરાધો પર મોટા પાયે લગામ લગાવી શકાશે.









