8th Pay Commission: લઘુતમ બેઝિક સેલરી રૂ. 72 હજાર થઈ જશે? જાણો 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ પાછળનું ગણિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

8th Pay Commission Basic Salary Hike : 7મા પગાર પંચમાં ફીટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું, જેના કારણે કર્મચારીઓનો ન્યૂનતમ બેઝિક પગાર ₹7,000 થી વધીને ₹18,000 થયો હતો. હવે 8મા પગાર પંચની રચના સાથે જ કર્મચારી યુનિયનો દ્વારા 3.61 થી લઈને 4.00 સુધીના ફીટમેન્ટ ફેક્ટરની જોરદાર માંગ કરવામાં આવી રહી છે. જો સરકાર 4.0 ફીટમેન્ટ ફેક્ટર મંજૂર કરે છે તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળશે.
પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો?
જો માત્ર બેઝિક સેલરીની ગણતરી કરવામાં આવે તો 4.0 ફીટમેન્ટ ફેક્ટર લાગુ થતાં તેમાં ચાર ગણો વધારો થશે. આ હિસાબે ₹18,000 નો વર્તમાન ન્યૂનતમ બેઝિક પગાર સીધો વધીને ₹72,000 થઈ જશે. આ જ રીતે નિવૃત્ત કર્મચારીઓના બેઝિક પેન્શનમાં પણ જંગી વધારો થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ નિવૃત્ત કર્મચારીનું વર્તમાન બેઝિક પેન્શન ₹15,000 હોય તો તે 4.0 ફીટમેન્ટ ફેક્ટર બાદ વધીને ₹60,000 થઈ જશે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), એચઆરએ (HRA) અને અન્ય ભથ્થાઓ ઉમેરાતા કુલ રકમ વધુ થશે.
કોણે કરી 4.0 ફીટમેન્ટ ફેક્ટરની માંગણી?
4.0 ગણા ફીટમેન્ટ ફેક્ટરની માંગણી ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ (BPMS) દ્વારા કરવામાં આવી છે. આ પ્રસ્તાવ હેઠળ ન્યૂનતમ બેઝિક પે ₹72,000 નક્કી કરવાની રજૂઆત કરાઈ છે. BPMS ના જણાવ્યા મુજબ, આ 4.0 ફીટમેન્ટ ફેક્ટરમાંથી 1.58 ઘટક માત્ર મોંઘવારી ભથ્થા (DA) ની અસરને તટસ્થ કરવા માટે છે, જ્યારે બાકીનો ભાગ કર્મચારીઓની વાસ્તવિક આવકમાં વધારો કરવા માટે છે.
શું વાસ્તવમાં આટલો પગાર વધશે?
આર્થિક વિજ્ઞાનીઓ અને બજારના નિષ્ણાતોનું માનવું છે કે સેલરીમાં આટલો મોટો વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. સરકાર દ્વારા કુલ પગારમાં 31% થી 40% સુધીનો વધારો કરવામાં આવી શકે છે. કારણ કે આ પ્રક્રિયામાં ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓનું પણ સમાયોજન કરવામાં આવે છે, જેના કારણે એકંદર કુલ પગાર વધારાની ટકાવારી ઓછી થઈ જાય છે.




