Utility

ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો 5 ભૂલ ભારે પડશે, લાપરવાહી દેવામાં ડૂબાડી દેશે

By GS Team
22 Aug 20264 mins read
TukuTouch Logo
આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવવું સરળ બન્યું છે, પરંતુ તેમાં નાણાકીય જોખમો છુપાયેલા છે. ભાડું ચૂકવતી વખતે 5 ભૂલો ટાળવી જરૂરી છે. કન્વિનિયન્સ ફી, ક્રેડિટ લિમિટનો વધુ ઉપયોગ, મિનિમમ ડ્યૂ ચૂકવવું, સ્કોર વધવાની ગેરસમજ અને બિલની ડેડલાઇન ભૂલવી મોંઘી પડી શકે છે. આ ભૂલો સિબિલ સ્કોર અને આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો 5 ભૂલ ભારે પડશે, લાપરવાહી દેવામાં ડૂબાડી દેશે

Paying House Rent With Credit Card Avoid These 5 Mistakes: આજના ડિજિટલ યુગમાં ઘરનું ભાડું ચૂકવવું ખૂબ જ સરળ બની ગયું છે. મોબાઇલ પર બસ થોડી ક્લિક કરતાં જ રેન્ટ સીધું મકાનમાલિકના ખાતામાં પહોંચી જાય છે. આ સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો આ કામ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. ઉપરી રીતે આ એક સ્માર્ટ નિર્ણય લાગી શકે છે, પરંતુ તેની પાછળ ઘણા નાણાકીય જોખમો છુપાયેલા છે.

ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવાની સીધી અસર તમારા ધિરાણના ખર્ચ, ક્રેડિટ યુટિલાઈઝેશન અને તમારા સિબિલ સ્કોર પર પડે છે. જો તમે પણ દર મહિને ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરો છો, તો તમારે આર્થિક નુકસાનથી બચવા માટે 5 ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો સમજીએ કે તે કઈ ભૂલો છે, જે આગળ જતાં મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.

કન્વિનિયન્સ ફી અથવા પ્રોસેસિંગ ફી

ક્રેડિટ કાર્ડથી ભાડું ટ્રાન્સફર કરવું ક્યારેય પણ સંપૂર્ણ ફ્રી નથી હોતું. મોટાભાગની બૅન્કો અથવા પેમેન્ટ પ્લેટફોર્મ આ સુવિધાના બદલામાં કન્વિનિયન્સ ફી અથવા પ્રોસેસિંગ ફી વસૂલે છે, જે લગભગ 2% સુધી હોઈ શકે છે. ધારી લો કે તમારું મહિનાનું ભાડું 30,000 રૂપિયા છે. એવામાં 2% લેખે તમારે દર મહિને 600 રૂપિયા વધારાના આપવા પડશે. વર્ષ દરમિયાન આ રકમ 7,200 રૂપિયા થઈ જાય છે, જેમાં ટેક્સ અલગથી ઉમેરાય છે. આટલી મોટી ફી ચૂકવ્યા પછી કાર્ડ પર મળતા રિવોર્ડ પોઇન્ટ્સનો ફાયદો નહીંવત રહી જાય છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બૅન્કે પણ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે રેન્ટ પેમેન્ટ કરતાં પહેલા આ વધારાના ચાર્જીસની સરખામણી રિવોર્ડ પોઇન્ટ્સથી થતા ફાયદા સાથે ચોક્કસ કરી લેવી.

ક્રેડિટ લિમિટના ઉપયોગને અવગણવો

જ્યારે તમે કાર્ડથી ભાડું આપો છો, ત્યારે તમારી ક્રેડિટ લિમિટનો એક મોટો હિસ્સો તરત જ વપરાઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા કાર્ડની કુલ લિમિટ 1 લાખ રૂપિયા છે અને તમે 40,000 રૂપિયા રેન્ટ ભરી દીધું, તો તમે તમારી 40% લિમિટ એક જ ઝટકે પૂરી કરી દીધી. આમાં તમારા મહિનાના બાકીના ખર્ચાઓ સામેલ નથી. આનાથી તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR) ઝડપથી વધે છે. સિબિલ સ્કોર નક્કી કરવામાં આ રેશિયોની ખૂબ મોટી ભૂમિકા હોય છે. સતત વધુ લિમિટ વાપરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઈલ ખરાબ થઈ શકે છે. ફિનટેક પ્લેટફોર્મ RentenPeના કો-ફાઉન્ડર સારિકા શેટ્ટી જણાવે છે કે, રેન્ટના પૈસા સીધા તમારા ક્રેડિટ યુટિલાઈઝેશનમાં ઉમેરાઈ જાય છે. જો નક્કી કરેલા સમયે બિલ ભરવામાં ન આવે, તો આ સામાન્ય ખર્ચ પર તમારે ભારેભરખમ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

માત્ર મિનિમમ ડ્યૂ ચૂકવવાની ભૂલ

ક્રેડિટ કાર્ડનું બિલ આવવા પર 'મિનિમમ એમાઉન્ટ ડ્યુ'નો વિકલ્પ ખૂબ જ લલચામણો લાગે છે. આ ચૂકવીને લોકો માને છે કે તેમણે કામ સરળ કરી લીધું. પરંતુ વાસ્તવમાં, બાકી રહેલી પૂરી રકમ પર વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે. જો તમે ભાડાના બોજને આગામી મહિના સુધી ટાળી દો છો, તો ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ)ના કારણે તમારી મુશ્કેલી ઘણી વધી શકે છે. એવામાં ક્રેડિટ કાર્ડથી રેન્ટ ચૂકવવાની સાચી કિંમત તમારી વિચારસરણી કરતાં ઘણી વધારે થઈ જાય છે.

સ્કોર વધવાની ગેરસમજ

ઘણા લોકો માને છે કે UPI અથવા બેંક ટ્રાન્સફર દ્વારા ક્રેડિટ કાર્ડથી રેન્ટ ચૂકવવાથી તેમનો ક્રેડિટ સ્કોર આપમેળે સુધરશે. આ સંપૂર્ણપણે સાચું નથી. સારિકા શેટ્ટીના મતે, રેન્ટ પેમેન્ટની માહિતી નિયમિત લોન અથવા કાર્ડ બિલની માહિતીની જેમ ક્રેડિટ બ્યુરોને મોકલવામાં આવતી નથી. તમે વર્ષોથી સમયસર રેન્ટ ચૂકવી રહ્યા છો, છતાં તે તમારા ક્રેડિટ હિસ્ટ્રીમાં નોંધાયેલું ન હોય. કેટલીક ફિનટેક કંપનીઓ ચોક્ક્સ રેન્ટની રિપોર્ટિંગનો દાવો કરે છે. જો કે, પેમેન્ટ કરતા પહેલા એ તપાસવું મહત્વપૂર્ણ છે કે ડેટા ખરેખર CIBIL જેવા બ્યુરોને મોકલવામાં આવી રહ્યો છે, અથવા તે ફક્ત તે પ્લેટફોર્મનો પોતાનો કોઈ અલગ સ્કોર છે.

બિલ ચૂકવવાની ડેડલાઈન ભૂલી જવી

આ સૌથી મોટી અને મોંઘી ભૂલ સાબિત થઈ શકે છે. કાર્ડથી રેન્ટ તો સમયસર ભરી દીધું, પણ જો તમે બિલ ભરવાની છેલ્લી તારીખ ચુકી ગયા, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રીને મોટો ઝટકો લાગે છે. લેટ ફીની સાથે-સાથે તમારે બાકી રકમ પર ભારે વ્યાજ પણ આપવું પડે છે. સારિકા શેટ્ટી સ્પષ્ટપણે કહે છે કે, માત્ર એક વાર પણ પેમેન્ટ ડ્યૂ ડેટ મિસ કરવાથી તમારા ક્રેડિટ સ્કોરને લાંબા સમય માટે ભારે નુકસાન પહોંચી શકે છે.