Utility

નબળા CIBILથી પરેશાન હોવ તો 5 ટ્રીક કરો ફોલો... 6 મહિનામાં રેકોર્ડ સુધરવા લાગશે

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
ઘર કે પર્સનલ લોન લેનારાઓ માટે CIBIL સ્કોર અત્યંત મહત્વનો છે. 300થી 900 વચ્ચેનો આ 3 અંકનો નંબર લોન ચૂકવવાનો રેકોર્ડ દર્શાવે છે. સારો સ્કોર બેંકોનો ભરોસો જીતે છે અને ડિફોલ્ટનું જોખમ ઘટાડે છે. નબળો સ્કોર નવી લોન મેળવવામાં મુશ્કેલી ઊભી કરે છે. જોકે, EMI સમયસર ચૂકવી, ક્રેડિટ કાર્ડનો મર્યાદિત ઉપયોગ કરી અને રિપોર્ટની ભૂલો સુધારી 6 મહિનામાં સ્કોર સુધારી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નબળા CIBILથી પરેશાન હોવ તો 5 ટ્રીક કરો ફોલો... 6 મહિનામાં રેકોર્ડ સુધરવા લાગશે
IMAGE - ENVATO

CIBIL score improvement: ઘર ખરીદવા કે પર્સનલ લોન લેવાની તૈયારી કરી રહેલા લોકો માટે સિબિલ (CIBIL) સ્કોર એક અત્યંત મહત્ત્વપૂર્ણ પાસું છે. CIBIL એટલે 'ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ'. તે 300થી 900ની વચ્ચેનો 3 અંકનો એક નંબર છે, જે તમારી લોન લેવાની યોગ્યતા અને જૂની લોન ચૂકવવાનો રેકોર્ડ દર્શાવે છે. જો તમારો સિબિલ સ્કોર 900ની નજીક હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમે જવાબદારીપૂર્વક તમારી લોનની ચુકવણી કરી રહ્યા છો. સારા ક્રેડિટ સ્કોરના કારણે બેન્કોને તમારા પર ભરોસો બેસે છે અને ડિફોલ્ટનું જોખમ ઘટી જાય છે.

જો તમારો ક્રેડિટ સ્કોર નબળો છે, તો નવી લોન મળવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે, યોગ્ય નાણાકીય શિસ્ત જાળવવામાં આવે તો 6 મહિનાની અંદર ક્રેડિટ સ્કોરમાં સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને જો તમારો સ્કોર તાજેતરમાં મિસ થયેલા હપ્તા (EMI), ક્રેડિટ કાર્ડના વધુ પડતા વપરાશ કે ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ખોટી માહિતીના કારણે ઘટ્યો હોય, તો તેમાં ઝડપથી સુધારો શક્ય છે. ક્રેડિટ સ્કોર સુધારવા માટે માત્ર નવું ક્રેડિટ કાર્ડ લેવું પૂરતો નથી, પરંતુ સ્કોર ઓછો થવાનું સાચું કારણ સમજીને નીચે મુજબના ઉપાયો કરવા જરૂરી છે:

1) EMI અને ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવો

સિબિલ સ્કોર સુધારવા માટે સૌથી મહત્ત્વનું પગલું એ છે કે દરેક ક્રેડિટ કાર્ડ બિલ અને લોનની EMI નિયત તારીખે જ ભરી દેવી. લેટ પેમેન્ટ કે ચૂકવવાનું બાકી રહી જવું ક્રેડિટ સ્કોરને મોટું નુકસાન પહોંચાડે છે. જો કોઈ જૂની બાકી રકમ હોય તો તેનો તુરંત નિકાલ કરવો હિતાવહ છે.

2) ક્રેડિટ કાર્ડનો મર્યાદિત ઉપયોગ કરો (ક્રેડિટ યુટિલાઇઝેશન)

માત્ર સમયસર બિલ ભરવું પૂરતું નથી, પરંતુ તમારી ક્રેડિટ લિમિટમાંથી તમે કેટલો વપરાશ કરો છો તે પણ મહત્ત્વનું છે. ક્રેડિટ કાર્ડની લિમિટનો મોટો હિસ્સો સતત વાપરવાથી બચવું જોઈએ. કાર્ડનું બેલેન્સ ઓછું રાખવાથી અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમારી ક્રેડિટ પ્રોફાઇલ ઝડપથી સુધરશે.

3) વારંવાર નવી લોન કે કાર્ડ માટે અપ્લાય ન કરો

ઓછા સમયમાં અનેક લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાથી પણ ક્રેડિટ પ્રોફાઇલ પર નકારાત્મક અસર પડે છે. દરેક અરજી વખતે બેન્ક તમારી ક્રેડિટ રિપોર્ટ તપાસે છે, જેનાથી મલ્ટિપલ ક્રેડિટ ઇન્ક્વાયરી નોંધાય છે. જો કોઈ લોન રિજેક્ટ થાય, તો તુરંત બીજી બેન્કમાં જવાના બદલે રિજેક્શનનું કારણ સમજીને તેને સુધારવાનો પ્રયાસ કરો.

4) ક્રેડિટ રિપોર્ટની ભૂલો તપાસો અને ડિસ્પ્યૂટ નોંધાવો

તમારો ક્રેડિટ રિપોર્ટ સમયાંતરે તપાસતા રહેવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત રિપોર્ટમાં અજાણ્યા એકાઉન્ટ, ખોટી બાકી રકમ, ખોટું લેટ પેમેન્ટ કે પછી બંધ કરી દીધેલી લોન હજુ પણ ચાલુ દેખાવા જેવી ભૂલો થઈ જતી હોય છે. જો તમને તમારા રિપોર્ટમાં આવી કોઈ ભૂલ કે ગરબડ જણાય, તો તમે ક્રેડિટ બ્યુરો સમક્ષ ડિસ્પ્યૂટ (તકરાર/ફરિયાદ) નોંધાવીને તેને સરળતાથી સુધરાવી શકો છો.

5) જૂના ક્રેડિટ કાર્ડને તરત બંધ ન કરો

ઓછો ઉપયોગ કરતા હોવ તો પણ જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરી દેવાની ઉતાવળ ન કરવી. ક્રેડિટ હિસ્ટ્રીની ઉંમર (આયુષ્ય) પણ સ્કોર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જૂનું એકાઉન્ટ બંધ કરવાથી તમારી કુલ ક્રેડિટ લિમિટ ઘટી જાય છે, જેનાથી તમારું ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધી શકે છે.

6 મહિનામાં કેટલો સુધરશે CIBIL સ્કોર?

આગામી 6 મહિનામાં તમારો ક્રેડિટ સ્કોર કેટલો વધશે તેનો કોઈ નક્કી આંકડો આપી શકાય નહીં, કારણ કે તે તમારી વર્તમાન પ્રોફાઇલ પર નિર્ભર કરે છે. જે લોકોની રિપોર્ટમાં ભૂતકાળમાં ગંભીર ડિફોલ્ટ નોંધાયેલા છે, તેમને સુધારા માટે વધુ સમય લાગી શકે છે. આ સિવાય, પૈસા લઈને રાતોરાત કે તુરંત ક્રેડિટ સ્કોર વધારી આપવાનો દાવો કરતી કંપનીઓ કે એજન્ટોથી સાવધ રહેવું જોઈએ. ક્રેડિટ સ્કોરમાં સુધારો યોગ્ય ચુકવણી વ્યવહાર અને સમય સાથે જ શક્ય બને છે.