To The Point

28 પક્ષોના વિપક્ષી શંભૂમેળાના એક પણ નેતાએ કેપ્ટન અમિત મચ્છરને બિરદાવ્યા કેમ નથી ?

By GS Team
6 Oct 20263 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 174 યહૂદી મુસાફરોને બચાવનાર મૂળ ગુજરાતી કેપ્ટન અમિત મચ્છર પર એક ઓમાની સહપાયલટે જીવલેણ હુમલો કર્યો હતો. કેપ્ટન અમિતે જીવના જોખમે વિમાનને હાઇજેક થતું બચાવ્યું. આ વીરતાને દુનિયાભરમાં બિરદાવવામાં આવી, પરંતુ ભારતના વિરોધ પક્ષોએ વોટબેંકના રાજકારણને કારણે કેપ્ટનને બિરદાવવાનું ટાળ્યું. આથી તેમની રાજકીય લાયકાત પર સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

28 પક્ષોના વિપક્ષી શંભૂમેળાના એક પણ નેતાએ કેપ્ટન અમિત મચ્છરને બિરદાવ્યા કેમ નથી ?
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આશરે પોણા બસો યહૂદીઓને ઇઝરાયેલના તેલ અવીવ લઇ જતા ફ્લાયદૂબઇના વિમાનમાં એક ભેજાગેપ ઓમાની સહપાયલટે કેપ્ટન પર જીવલેણ હુમલો કર્યો. ધરતીથી હજારો ફૂટ ઊંચે આકાશમાં સનસનાટી સર્જાઇ ગઇ. મૂળ ગુજરાતી બ્રહ્મક્ષત્રિય (કેટલાક એમને ખત્રી પણ કહે છે) એવા કેપ્ટન અમિત મચ્છરે જાનના જોખમે હુમલાખોરનો સામનો કર્યો અને વિમાનને હાઇજેક કે ક્રેશ થતાં બચાવ્યું. લગભગ આખી દુનિયાએ આ વીરતાને બિરદાવી. પોતાના શરીર પર લોહી વહેતા સંખ્યાબંધ જખમ વચ્ચે પણ કેપ્ટન અમિતે સ્વસ્થતા જાળવી રાખી. એકસો ચુમોતેર પ્રવાસીઓનો જાન બચાવ્યો. આ ઘટના વિશે ઘણું લખાયું અને ટીવી ચેનલ્સે પણ માહિતીનો ધોધ વરસાવ્યો.
પરંતુ પોતાને ઇન્ડિયાના નામથી ઓળખાવતા આપણા દેશના વિરોધ પક્ષોની નીંભરતા કે નફ્ફટાઇ તો જુઓ. અઠ્ઠાવીસ રાજકીય પક્ષોનો બનેલો આ શંભુમેળો કેન્દ્રમાં સરકાર રચવાના દીવાસ્વપ્નો સેવે છે. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ડાબેરીઓ, રાજદ, તૃણમૂલ કોંગ્રેસ… બધાંનાં નામોની યાદી અહીં આપવી નથી. આ દરેક પક્ષના નેતા પોતાને વડા પ્રધાનપદે બિરાજવા યોગ્ય સમજે છે. દુર્ભાગ્યની વાત છે કે દેશમાં માત્ર એક જ વડા પ્રધાન હોઇ શકે. કેટલાક રાજકીય પક્ષો રાજ્યોની વિધાનસભામાં અઢી અઢી વર્ષની ભાગીદારી કરે છે એમ આ લોકો એક એક વર્ષની ભાગીદારી કરે તો કદાચ કંઇક મેળ પડે.
આ શંભુમેળાને યાદ કરવાનું કારણ એ કે એક સવા અબજની વસતિ ધરાવતા આ દેશમાં શાસન કરવાની મહેચ્છા રાખતા આમાંના એક પણ રાજનેતામાં સામાન્ય વિવેકબુદ્ધિ હોય એવું ગયા સપ્તાહની આતંકવાદી ઘટના પછી જોવા મળ્યું નહીં. એક પણ નેતાએ કેપ્ટન અમિત મચ્છરને શાબાશી આપવાનું યોગ્ય ગણ્યું નહીં. એક પણ પક્ષે કેપ્ટન અમિત મચ્છરને બિરદાવ્યા નહીં. અમિત એક ભારતીય નાગરિક છે અને જાનના જોખમે પોતાની ફરજ બજાવી છે. એ જોતાં દરેક ભારતીયે ગૌરવ અનુભવવું જોઇએ. પણ વિપક્ષોને કેપ્ટનની બહાદૂરી એ ગમી લાગતી નથી. કોઇ કહેતાં કોઇ નેતાએ કેપ્ટન મચ્છરની બહાદૂરીને બિરદાવી નહીં. કેમ વારુ ?
કેપ્ટન મચ્છરની સૌથી મોટી ગેરલાયકાત એ છે કે એ હિન્દુ છે. આપત્કાળે એ હનુમાન ચાલીસાનો પાઠ કરીને હુમલાખોરનો પ્રતિકાર કરતા હતા. કદાચ બીજી ગેરલાયકાત એ કે કેપ્ટન મચ્છર ગુજરાતી છે. અત્યારની કેન્દ્ર સરકારમાં બે ટોચના નેતા ગુજરાતી છે અને અઠ્ઠાવીસે અઠ્ઠાવીસ પક્ષોને કેન્દ્રના બે ગુજરાતી નેતાઓ સામે અણગમો, તિરસ્કાર કે ધિક્કારની તીવ્ર લાગણી છે. કેમ ? એવો સવાલ પૂછો તો જવાબ મળે કે અમારી પ્રાણપ્યારી લઘુમતી વોટબેંક પર આ બે નેતાએ હુમલો કર્યો છે. અમારી વોટબેંક નારાજ ન થાય એ અમારે જોવાનું છે. કેપ્ટન મચ્છરની બહાદૂરીને બિરદાવવા જતાં અમારી વોટબેંક નારાજ થઇ જાય તો તો ભારે થઇ પડે.
માત્ર ચૂંટણી જીતવાનો એકમાત્ર ઉદ્દેશ ધરાવતા આ વહેંતિયા પક્ષો પોતાનાં વાણીવર્તન દ્વારા ખુલ્લા પડતા જાય છે. ૨૦૨૭માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. એ ધ્યાનમાં રાખીને અત્યારે એક પણ વિપક્ષી નેતા કેપ્ટન મચ્છરને બિરદાવવાના મૂડમાં નથી. રખેને અમારા લઘુમતી મતદારો નારાજ થઇ જાય ! અન્યો તો ઠીક, છાશવારે ભારતીય ટીવી ચેનલ્સના કેમેરા સામે પાકિસ્તાન મુર્દાબાદની રાડો પાડતા અસદુદ્દીન ઓવૈસી પણ મોંમાં મગ ભરીને બેઠાં છે. કેપ્ટન મચ્છર અને યહૂદી ઉતારુઓ પર હુમલો કરનારા આતંકવાદી વિશે એક અક્ષર પણ ઉચ્ચારવા એ તૈયાર નથી.
રાજકારણને બાજુ પર રાખો. એક માણસ તરીકે તો આપણા દેશવાસી પાયલટની મર્દાનગીને બિરદાવો ભલા'દમી ! આ આખી ઘટનાને રાજકીય દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. હજારો ફૂટ ઊંચે આકાશમાં બની ગયેલી દિલધડક ઘટનાને વિશ્વભરના દેશો અને નેતાઓ બિરદાવતા હોય ત્યારે તમારી છાતી ગજ ગજ ફૂલવી જોઇએ. એને બદલે તમે કોકડુંવાળીને કાચબાની પેઠે સંકોચાઇ જાઓ એમાં આબરુ તમારી જ જાય છે. ભારતીય નાગરિકો તમારી આ માનસિકતા જોઇને ભોંઠપ અનુભવે છે. તમારું વર્તન સૂચવે છે કે તમે આ દેશ પર શાસન કરવાની લાયકાત ધરાવતા નથી. વિપક્ષ તરીકે જે ગૌરવ તમારામાં જોવા મળવું જોઇએ એ પણ દેખાતું નથી. શેમ (કે શેઇમ) ટુ યુ ઓલ !