સુબહ કા ભૂલા શામ ઘર લૌટ આયે તો ઉસે ભૂલા નહીં કહતે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
છેલ્લા થોડાં વરસોથી ઇએનટી (કાન, નાક અને ગળાના નિષ્ણાત) તથા ઓપ્થેલ્મોલોજિસ્ટ્સ (આંખના નિષ્ણાત ) ડૉક્ટરો કહેતાં રહ્યા છે કે આગામી થોડાં વરસોમાં બહેરાશના અને આંખે ઝાંખપના કેસ વધી જશે. કેમ, તો કહે, બાળકો અને ટીનેજર્સમાં સ્ક્રીન ટાઇમ (મોબાઇલ જોયા કરવાના સમય)માં બેફામ વધારો થઇ ચૂક્યો છે. સાથોસાથ કાનમાં હેડફોન લગાડીને સંગીત સાંભળતાં સાંભળતાં ટુ વ્હીલર દોડાવવાની ફેશન થઇ પડી છે. વાત સાચી છે.
અત્યારે કોઇ સ્કૂલમાં આંટો મારો તો પહેલા બીજા ધોરણમાં ભણતાં ઘણાં કૂમળાં બાળકો ચશ્માં પહેરેલાં દેખાય છે. માબાપ આંખના ડૉક્ટરો પાસે ફરિયાદ કરે છે કે આખો દિવસ મોબાઇલમાં મોં ઘાલીને પડયા રહે છે. મધ્યમ વર્ગનાં બાળકો તો ઠીક, સડક પર ઊભેલા શાકની લારીવાળાનાં બાળકને જુઓ તો એ પણ ફૂટપાથ પર પડયું પડયું મોબાઇલ જોતું નજરે પડે છે. કેટલાંક માતાપિતા કે દાદા-દાદી તોફાની બાળકને શાંતિથી બેસાડી દેવા મોબાઇલ પકડાવી દે છે. ધીરે ધીરે બાળકને પછી મોબાઇલનું વ્યસન થઇ પડે છે. એ પછી મોબાઇલ છોડવા તૈયાર થતું નથી. એની આંખોને ખાસ્સું નુકસાન પહોંચે છે.
બીજી બાજુ શિક્ષકો કહે છે કે બાળકોને વાંચતાં આવડતું નથી, લખવા બેસે તો અક્ષરો ગડબડિયા હોય છે. પોતે લખેલું બાળક વાંચી શકતું નથી. એનો અર્થ એવો કે લેટેસ્ટ ટેક્નોલોજી ઊગતી પેઢીના સ્વાસ્થ્યને નુકસાન કરી રહી છે.
આ પરિસ્થિતિ નિવારવાનો કોઇ ઉપાય ખરો ? હા, દૂર ક્ષિતિજમાં પ્રકાશનું એક કિરણ દેખાય એવા સમાચાર આવ્યા છે ખરા. ઊગતી પેઢીનાં બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવા અને તેમને ફરી વાંચતાં તેમજ સારા અક્ષરે લખતાં કરવા યૂરોપના કેટલાક દેશોએ નક્કર પગલાં લેવા માંડયાં છે. બાળકોને ફરી પુસ્તકો વાંચતાં અને હાથે લખવાની ફરજ પાડતાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. એક બે નહીં, ઓછામાં ઓછા આઠ નવ દેશોએ આ દિશામાં પહેલ કરી છે. એ લોકો કહે છે કે આધુનિક ટેક્નોલોજી અને પારંપરિક શિક્ષણ વ્યવસ્થા બંનેનો સમન્વય થાય એવી દિશામાં અમે પગલાં લઇ રહ્યાં છીએ. આમ કરવા પાછળ નિષ્ણાત મનોચિકિત્સકો (સાઇકીએટ્રીસ્ટ્સ), દિમાગ નિષ્ણાતો (ન્યૂરોલોજિસ્ટ્સ) અને કેળવણીકારો (એજ્યુકેશનિસ્ટ્સ) ત્રણેએ હાથ મિલાવ્યો છે.
આવાં પગલાં લેનારા યૂરોપિયન દેશોમાં સ્વીડન, ફિનલેન્ડ, નોર્વે, ફ્રાન્સ, ઇટાલી અને ડેન્માર્કનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા નિષ્ણાત ડૉક્ટરો કહે છે કે કાગળ પર લખેલું વાંચવાથી અને હાથથી લખવાની ટેવથી યાદશક્તિમાં સુધારો થાય છે, સંબંધિત વિષય પર એકાગ્રતા વધે છે, અક્ષરો સુધરે છે અને ખાસ તો બાળકની પૃથક્કરણ શક્તિ સુધરે છે.
બીજી બાજુ એકધારો મોબાઇલ સ્ક્રીન જોયા કરવાથી બાળકની એકાગ્રતા અને ધ્યાનશક્તિ ઓછાં થાય છે. કોઇ ચોક્કસ વિષય પર બાળક એકાગ્રતા કેળવી શકતું નથી. સ્વીડન અને ડેન્માર્કે સારાં પુસ્તકો ફરી પ્રગટ કરવાની દિશામાં જંગી રોકાણ કર્યું છે તો ફિનલેન્ડે પ્રાથમિક શિક્ષણમાં શ્રુતલેખન અને અનુલેખન તરફ વધુ ધ્યાન આપવા માંડયું છે. ફ્રાન્સ, ઇટાલી અને નોર્વેએ પણ પારંપરિક નોટબુક્સ અને કાગળનો વપરાશ વધારવા તરફ પગલાં લેવા માંડયાં છે.
આ દિશામાં આપણે હવે જાગ્રત થવાની જરૂર છે. સિનિયર સિટિઝન હોય એવા વાચકોને યાદ હશે. થોડાં વરસો પહેલાં એવી કોપીલેખન બુક્સ આવતી જેમાં ઉપલી પહેલી લીટીમાં સ્વરો કે વ્યંજન છાપેલાં હોય. નીચેની થોડીક લીટીમાં એ ઝાંખાં છાપ્યાં હોય. બાળક એના પર પેન્સિલ વડે ઘુંટીને ઉપર જણાવેલાં સ્વરો કે વ્યંજનો લખે. એ રીતે એના હાથના અક્ષરો સુધરે અને એની ચોક્કસ સ્વર-વ્યંજન ઓળખવાની શક્તિ એટલે કે યાદશક્તિ પણ વધે. એ જ રીતે શિક્ષક બોલીને લખાવે એવા શ્રુતલેખનની પરંપરા હતી. આપણે પણ આપણી ઊગતી પેઢીનાં બાળકોને વાંચન અને લેખન તરફ પાછાં વાળવાની જરૂર છે. એ માટે ધીરજથી સમજાવટની પણ જરૂર છે. બાળક સ્વભાવે જિદ્દી હોય. સહેલાઇથી મોબાઇલ છોડવા તૈયાર નહીં થાય. ધીરજથી એને લેખન-વાંચન તરફ પાછું લઇ જવાની આપણા સૌની ફરજ છે.




