'તારી મસ્તી ઉતારું કહી માર્યો...' વ્યારા પાલિકાના બાંધકામ કમિટીના અધ્યક્ષના ભાઈ અને ભાજપ નેતા સામે ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vyara News: તાપી જિલ્લાના વ્યારા ખાતે ગણેશ આગમન ટાણે યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે નગરપાલિકાની બાંધકામ સમિતિના અધ્યક્ષના ભાઈ અને ભાજપ આગેવાન સહિત ત્રણ લોકો સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, વ્યારાના મુસા રોડ પર આવેલી ગણેશ નગર સોસાયટીમાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કલેક્શનનું કામ કરતા 25 વર્ષીય સાગર કિશોર રાણાએ શનિવારે (12મી સપ્ટેમ્બર) વ્યારા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. સાગરના જણાવ્યાનુસાર, શુક્રવારે (11મી સપ્ટેમ્બર) રાત્રે આશરે 10 વાગ્યે સાગર મિત્રો સાથે મિશન નાકા પાસે આવેલા ઉગમ હાઇટ્સ નજીક વિશ્વરાજ ગણેશ મંડળનું આગમન જોઈ રહ્યો હતો. તે સમયે લાયન હાર્ટ ગ્રુપના આગેવાન રાજુ જાદવ, ભાજપ ઓબીસી મોરચાના આગેવાન રાજુ મોહિતે અને રાજુ ડોલવણ ત્યાં પહોંચ્યા હતા.
રાજુ જાદવે સાગરનો કોલર પકડી નજીકની દુકાનના પાર્કિંગ પાસે લઈ જઈ ગાળો આપી હતી અને 'તારી બધી મસ્તી ઉતારી દઉં છું' તેમ કહી શારીરિક હુમલો કર્યો હતો. આ દરમિયાન રાજુ મોહિતે અને રાજુ ડોલવણે પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ગણેશ આગમન બાદ હાથ-પગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સાગર પોતાનો જીવ બચાવવા માટે એક અજાણ્યા વાહનચાલકની બાઇક પર બેસી ટીચકપુરા બાયપાસ તરફ ભાગી ગયો હતો. બાદમાં તેણે પોલીસ કન્ટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી.
બનાવ અંગે સાગર રાણાની ફરિયાદના આધારે વ્યારા નગરપાલિકાના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ દિલીપ જાદવના ભાઈ રાજુ જાદવ, ભાજપ ઓબીસી મોરચાના નેતા રાજુ મોહિતે અને રાજુ ડોલવણ સામે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવા, જાહેર શાંતિનો ભંગ કરવા, ઉશ્કેરણી કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વ્યારા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




