Tantri Lekh

ઝેર તો પીધા છે જાણી જાણી

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
દેશભરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું દૂષણ વકર્યું છે, જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી બન્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી સેંકડો કિલો નકલી પનીર, અખાદ્ય તેલ અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ નકલી દૂધ-ઘીના મોટા કૌભાંડો પકડાયા છે. નફાખોરીની લાલચમાં રસાયણો અને હલકી ગુણવત્તાવાળી ચીજોનું મિશ્રણ કરી લોકોના જીવ જોખમમાં મુકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝેર તો પીધા છે જાણી જાણી

ખોરાક એ મનુષ્યની સૌથી મૂળભૂત અને પવિત્ર જરૂરિયાત છે, પરંતુ જ્યારે આ અનિવાર્ય જરૂરિયાતને નફાખોરીની અંધ દોડ સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તે જીવનનો આધાર રહેવાને બદલે ધીમા ઝેરમાં પરિવર્તિત થઈ જાય છે. દેશભરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓના વેચાણના જે ગંભીર કિસ્સાઓ રોજેરોજ સપાટી પર આવી રહ્યા છે, તે માત્ર કાનૂન ભંગની સામાન્ય ઘટનાઓ નથી, પરંતુ આપણા સમગ્ર સમાજના નૈતિક પતન અને અમાનવીય લાલચની ભયાવહ નિશાની છે. થોડા વધારાના રૂપિયા રળવા માટે દૂધમાં રસાયણો ભેળવવા, અસલી પનીરના નામે વનસ્પતિ ચરબીથી બનેલું બનાવટી પનીર પધરાવવું કે રસોઈમાં હલકી ગુણવત્તાવાળા તેલનો બેફામ ઉપયોગ કરવો, તે માત્ર ગ્રાહક સાથે છેતરપિંડી નથી; પરંતુ તે હજારો લોકોના જીવ સાથે રમાતી અત્યંત ક્રૂર રમત છે.
આ સમસ્યા હવે કોઈ નાના છૂટક વેપારીની છૂટીછવાઈ હરકત પૂરતી મર્યાદિત રહી નથી; તેણે એક અત્યંત સંગઠિત, વ્યાપક અને નફાકારક ગેરકાયદે સ્વરૂપ ધારણ કરી લીધું છે. તાજેતરમાં ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન સેંકડો કિલોગ્રામ બનાવટી પનીર, અખાદ્ય તેલ અને શંકાસ્પદ ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. અનેક જાણીતા સ્થળોએ શુદ્ધ દૂધના પનીરના નામે કૃત્રિમ ઉત્પાદનો ઊંચા ભાવે પીરસાતા હોવાનું ખુલ્યું હતું. આ પરિસ્થિતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. ઉત્તર પ્રદેશમાં હજારો કિલોગ્રામ નકલી દૂધ, ઘી અને માવો પકડાવો કે મહારાષ્ટ્રમાં કૃત્રિમ દૂધ બનાવતા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થવો, જ્યાં શુદ્ધતાના નામે શેમ્પૂ અને રસાયણો ભેળવવામાં આવતા હતા; આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે નફાખોરોની ગીધદ્રષ્ટિ દેશના દરેક ખૂણે પહોંચી ચૂકી છે. પવિત્ર યાત્રાધામો પણ તેમની આ લાલચમાંથી બાકાત રહ્યા નથી.
આટલી હદે નૈતિક પતન પાછળનું એકમાત્ર કારણ રાતોરાત અઢળક સંપત્તિ એકઠી કરવાની અમાનવીય લાલચ છે. જ્યારે શુદ્ધ ખાદ્યસામગ્રીના ઉત્પાદનનો ખર્ચ વધે છે, ત્યારે નફો જાળવી રાખવા માટે સસ્તા અને હાનિકારક વિકલ્પોનો બેફામ ઉપયોગ થાય છે. ગ્રાહકની આંખમાં ધૂળ નાખીને સામગ્રી અસલી દેખાય અને નફાનો ગ્રાફ ઊંચો જાય, આ ક્રૂર ગણિતમાં માનવીય સ્વાસ્થ્યનું કોઈ જ મૂલ્ય બચતું નથી. બજારમાંથી હલકી ગુણવત્તાની કોઈ અન્ય ભૌતિક વસ્તુ ખરીદવાથી ગ્રાહકને માત્ર આર્થિક નુકસાન જશે, પરંતુ પેટમાં જતો ઝેરી કે ભેળસેળયુક્ત ખોરાક માનવ શરીરને કાયમી અપંગતા કે ગંભીર બીમારીઓ તરફ ધકેલી શકે છે. તેથી જ, ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળને માત્ર વ્યાપારી ગેરરીતિ તરીકે હળવાશથી લેવી એ સામાજિક વ્યવસ્થાની અત્યંત ભયાનક ભૂલ છે. આપણા દેશમાં ખાદ્ય સુરક્ષા માટે નિયમો અને નિયામક સંસ્થાઓની કોઈ કમી નથી, પરંતુ કાયદો માત્ર પુસ્તકોમાં છપાયેલો રહેવાથી પરિવર્તન આવતું નથી. કાયદાનો સાચો ભય ત્યારે જ ઊભો થાય જ્યારે વ્યવસ્થામાં મોસમી દરોડા આધારિત કામગીરીની માનસિકતાનો અંત આવે.
તહેવારો નજીક આવે, કોઈ મોટી ફરિયાદ ઊઠે કે અહેવાલો છપાય, ત્યારે જ તંત્ર અચાનક સફાળું જાગે અને થોડા દિવસો કડક કાર્યવાહીના નાટકો ભજવાય, તેનાથી કાયમી ઉકેલ ક્યારેય નહીં મળે. ખાદ્ય સુરક્ષા એ આખું વર્ષ ચાલવી જોઈતી સઘન અને વૈજ્ઞાાનિક પ્રક્રિયા છે. ખાદ્યસામગ્રી ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે સંગ્રહાય છે અને ગ્રાહક સુધી કયા માર્ગે પહોંચે છે તેની સમગ્ર પુરવઠા સાંકળની પારદર્શક દેખરેખ જરૂરી છે. આ ઉપરાંત, દરેક જિલ્લા સ્તરે અત્યાધુનિક ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ ઊભી કરવી અત્યંત અનિવાર્ય છે જેથી નમૂનાઓના પરિણામો ઝડપથી મળે અને ગુનેગારો સમયના અભાવનો લાભ લઈ છટકી ન શકે. વેપારમાં નફો કરવો એ કોઈ પણ વેપારીનો કાયદેસરનો હક છે, પરંતુ નફાની લ્હાયમાં માનવ સ્વાસ્થ્યને ગીરો મૂકવાનો અધિકાર કોઈને અપાયો નથી. સમાજ અને વહીવટીતંત્ર તરફથી એવો સ્પષ્ટ અને કડક સંદેશ જવો જોઈએ કે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ એ કોઈ સાધારણ અનિયમિતતા નથી.પરંતુ તે માનવહત્યાના પ્રયાસ સમાન એક જઘન્ય અપરાધ છે. જો ખાદ્યસામગ્રીમાં કોઈ વિકલ્પ વાપરવામાં આવતો હોય, તો તેની પારદર્શક માહિતી ગ્રાહકને મળવી જ જોઈએ.