Tantri Lekh

સરકારનું ધ્યાન ક્યાં છે?

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતમાં વેટલેન્ડ્સની જાળવણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. છેલ્લા 3 દાયકામાં દેશના 30% વેટલેન્ડ્સ ગાયબ થયા છે, જે પર્યાવરણ અને માનવ જીવન માટે જોખમી છે. 2 ફેબ્રુઆરી, 1971ના રોજ ઈરાનમાં 'આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ કન્વેન્શન' યોજાયું હતું, જેમાં 2 ફેબ્રુઆરીને 'વેટલેન્ડ્સ ડે' જાહેર કરાયો. ભારતમાં 75 'રામસર સાઇટ્સ' છે, જે દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારનું ધ્યાન ક્યાં છે?

ભારતમાં રાજકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ બારમાસી મોસમ છે. પ્રજાને રાજકીય ગપસપનું અફીણ માફક આવી ગયું છે તે એટલી હદે કે તેઓ પોતાની પછીની પેઢીમાં ધ્યાન આપવાને બદલે રાજનેતાઓ જે ફૂંક મારે એમાં જ હવામાં તરંગિત થઈ ઉડતા રહે છે. એને કારણે ભારતના હવામાન કે પર્યાવરણ પર ધ્યાન આપવાની કોઈને પડી નથી. સરકારને પણ ખબર છે કે બે તળાવ રિપેર કરાવીએ એમાં પ્રજાને રસ નથી પણ બે મંદિરને કલર કરાવીશુ તો આપણો ડંકો વાગશે એટલે સરકારે પણ પૃથ્વી, પાણી, પંખી, આકાશ… એ કામો પડતા મૂકીને લોકમાનસનું રંગરોગાન જ હાથમાં લીધેલું છે. આસપાસના તળાવો, વિશાળ જળાશયો અને દરિયાકાંઠાના વિસ્તારો, જેને 'વેટલેન્ડ્સ' તરીકે ઓળખવામાં આવે છે, તે માત્ર હજારો જૈવિક એકમોનું ઘર નથી, પરંતુ તેમની મદદથી, આબોહવા પરિવર્તનના આજના સૌથી મોટા સંકટનો પણ સામનો કરી શકાય છે. આ ભેજવાળા વિસ્તારોની વિશેષતાઓ શું છે? તે તરફ આપણી પ્રજા ભાગ્યે જ ધ્યાન આપે છે.
આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વેટલેન્ડ્સ એ આપણી સૌથી અસરકારક ઇકોસિસ્ટમ છે. તે કાર્બન ડાયોક્સાઇડને શોષીને તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વરસો પહેલા તારીખ ૨ ફેબુ્રઆરી, ૧૯૭૧ના રોજ, ઈરાનના રામસર શહેરના કેસ્પિયન સમુદ્ર કિનારે 'આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ કન્વેન્શન'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંયુક્ત રાષ્ટ્રએ ૨ ફેબુ્રઆરીને 'વેટલેન્ડ્સ ડે' તરીકે જાહેર કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં આપણી પૃથ્વી માટે વેટલેન્ડ્સની મહત્વની ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. વેટલેન્ડ જમીન બિન ખેડાણ અને પડતર હોય છે.
એમાં વર્ષ ૨૦૨૩માં 'વેટલેન્ડ્સ ડે'ની થીમ વેટલેન્ડ્સને રિવાઈવિંગ એન્ડ રિસ્ટોરિંગ' હતી. ૨૦૨૪ની થીમ 'વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબીઇંગ' છે. વેટલેન્ડ્સની કાર્બન શોષવાની ક્ષમતા, જંગલોની કાર્બન સંગ્રહ ક્ષમતા કરતાં બમણી છે. દરિયાકાંઠાની ભીની જમીનો જેમ કે મેન્ગ્રોવ્સ (તાજા અને ખારા પાણીના મિશ્રણની નજીકના ગાઢ વૃક્ષો) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કરતાં ૫૫ ગણી ઝડપથી કાર્બન શોષે છે. પીટલેન્ડ્સ (જૈવ ઇંધણના કુદરતી સ્ત્રોતો) જે પૃથ્વીની જમીનની સપાટીના ૩ ટકાને આવરી લે છે, તે તમામ જમીન આધારિત કાર્બનનો ૩૦ ટકા સંગ્રહ કરે છે. ઈ. સ. ૧૯૭૦ થી, વિશ્વની ૩૫ ટકા વેટલેન્ડ્સ અદ્રશ્ય થઈ ગઈ છે. 'વેટલેન્ડ ઈન્ટરનેશનલ' અનુસાર, છેલ્લા ત્રણ દાયકામાં ભારતની લગભગ ૩૦ ટકા વેટલેન્ડ્સ ગાયબ થઈ ગઈ છે. આ એક ઉદાહરણ પરથી સમજી શકાય છે કે મંડલાની આદિવાસી રાણી દુર્ગાવતી દ્વારા જબલપુર શહેરમાં ૫૨ તળાવો બાંધવામાં આવ્યા હતા, પરંતુ ગેરકાયદેસર બાંધકામ અને શહેરીકરણને કારણે, હવે માત્ર થોડા, અડધા પૂર્ણ થયેલા તળાવો બાકી છે.
વેટલેન્ડની ખોટ, આજીવિકાની કટોકટી અને ઊંડી થતી ગરીબીનું દુષ્ટ ચક્ર વેટલેન્ડ્સને પડતર જમીન તરીકે ગણવાનું પરિણામ છે, તેમ છતાં તે રોજગાર, આવક અને આવશ્યક ઇકોસિસ્ટમ સેવાઓનો જીવન ટકાવી રાખતો સ્ત્રોત છે. ઇકોસિસ્ટમ સેવાઓ માનવ સુખાકારીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાળો આપે છે. જૈવવિવિધતા અને માનવીઓ માટે વિશ્વભરમાં મહત્વની ગણાતી વેટલેન્ડ્સને 'રામસર સાઇટ્સ' કહેવામાં આવે છે. કોઈપણ વેટલેન્ડને 'રામસર સાઇટ'નો દરજ્જો આપવા માટે અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય વેટલેન્ડ દુર્લભ અને પ્રાકૃતિક હોવાનો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લુપ્ત થતી પ્રજાતિઓના જીવન ચક્રને આશ્રય આપવાનો સમાવેશ થાય છે. ઈ. સ. ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની યાદીમાં ૨૩૩૧ 'રામસર સાઇટ્સ'નો સમાવેશ થાય છે જે ૨.૧ મિલિયન ચોરસ કિલોમીટરથી વધુને આવરી લે છે. ૧૯૭૪માં ઓસ્ટ્રેલિયાના કોબર્ગ પેનિન્સુલાનો વિશ્વની પ્રથમ 'રામસર સાઇટ'માં સમાવેશ કરવામાં આવ્યો હતો.ભારતમાં ૧૩ લાખ હેક્ટરમાં ફેલાયેલી ૭૫ 'રામસર સાઇટ્સ' સાથે દક્ષિણ એશિયામાં સૌથી વધુ વેટલેન્ડ્સ છે. વર્ષ ૧૯૮૧ માં, ઓડિશાનું 'ચિલ્કા તળાવ' અને રાજસ્થાનનું 'કેઓલાદેવ પક્ષી અભયારણ્ય' ભારતના પ્રથમ 'રામસર સાઇટ્સ' તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.