કરલૂંટમાં અનિચ્છનીય વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રની એનડીએ સરકાર ખોટાં ફૂલગુલાબી ચિત્રો રજૂ કરીને દેશની આર્થિક વાસ્તવિકતા છુપાવી રહી છે. દુનિયાના દેશો સાથે એક પછી એક કરાર થવાથી પ્રજાને એવો ભ્રમ થાય છે કે ઓહોહો, આપણે તો ક્યાં છેક પહોંચી ગયા. પ્રજાને ઘેનમાં રાખવાના સો નુસખા હોય તો એમાંથી નવ્વાણુ કસબ મોદી સરકારને આવડે છે ને એમાંથી અઠ્ઠાણુ કરામત તો પ્રજા જોઈ ચૂકી છે. તેઓ ખુદ પણ જાણે છે કે સારા વિકલ્પના અભાવે તેમની 'દુકાન' ચાલે છે બાકી સત્ય અને ભાજપને સો ગાઉનું છેટું છે. ભારતનો જૂન મહિનામાં GST સંગ્રહ વાર્ષિક ધોરણે ૧૩.૯ ટકા વધીને રૂપિયા ૧.૯૫ લાખ કરોડ થયો. આયાતી I-GST એ આમાં સૌથી વધુ ફાળો આપ્યો છે. જૂન ૨૦૨૫ની સરખામણીમાં I-GST માં ૩૪.૬ ટકા નો વધારો થયો, જે મે મહિનામાં ૧૭.૨% હતો.
સ્થાનિક GST સંગ્રહમાં ૬.૫ ટકાનો નજીવો વધારો થયો છે, જે સૂચવે છે કે કુલ સંગ્ર્રહમાં નોંધપાત્ર વધારો સ્થાનિક મૂલ્યવર્ધનમાં નોંધપાત્ર સુધારાને કારણે નથી. કેટલાક અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે આ મૂડી, માલ અને ઔદ્યોગિક ઇનપુટ્સની ઊંચી આયાતને પ્રતિબિંબિત કરે છે. જોકે, મે મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વેપારના ડેટા અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઠ મુખ્ય ઉદ્યોગોનું પ્રદર્શન ઠંડક સૂચવે છે. જૂન મહિનામાં GST સંગ્રહ ગત મે દરમિયાનની આર્થિક પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરે છે.
આ મે મહિનામાં માલની આયાતના મૂલ્યમાં (વર્ષ-દર-વર્ષના આધારે) ક્રૂડ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો હિસ્સો ૫૪ ટકા હતો, જ્યારે સોનાનો હિસ્સો વધુ ૩૪ ટકા હતો. ગયા વર્ષે મે અને આ વર્ષે મે વચ્ચે સોનાના ભાવમાં લગભગ ૬૦ ટકાનો વધારો દેખાય છે, જે મોટા પાયે આર્થિક પ્રવૃત્તિને બદલે હેજિંગનું પરિણામ છે. સોનાની આયાતને રોકવા માટે, સરકારે ૧૩મી મેના રોજ તેની આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી, જેનાથી મે મહિનામાં આયાત GST કલેક્શનમાં વધારો થયો હોવાની ધારણા છે. દરમિયાન, ફેબુ્રઆરીના અંતથી રૂપિયો પણ યુએસ ડોલર સામે આશરે ૬ ટકા નબળો પડયો છે.
મે મહિનામાં વધેલા માલવાહક ખર્ચ અને વૈશ્વિક ભાવોને કારણે તેલ સિવાયની આયાતમાં ૧૪.૫ ટકાનો વધારો થવાથી જૂનમાં કર આધાર આપમેળે વિસ્તર્યો. આ ફેરફાર બતાવે છે કે આયાત GSTમાં મોટા ભાગનો વધારો સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાને બદલે આયાતી ફુગાવા અને ચલણના અવમૂલ્યનને કારણે થયો છે, જે ઊંચા ભાવોને કારણે અનિચ્છનીય વધારો દર્શાવે છે. ભારતના આઠ મુખ્ય ઉદ્યોગોના પ્રદર્શન પર નજર કરીએ તો, સ્થાનિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોય તેવું લાગે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ ઉદ્યોગોનો વિકાસ માત્ર ૨.૮ ટકા રહ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં લગભગ ૬ ટકા હતો. ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતરો અને વીજળી ક્ષેત્રોમાં અપેક્ષા કરતા નબળો વિકાસ થયો.
સર્વેક્ષણ ફેક્ટરી-આધારિત પ્રવૃત્તિમાં થોડી મંદી તરફ નિર્દેશ કરે છે. આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે ભારત GST, એકીકૃત ગંતવ્ય-આધારિત પરોક્ષ કરના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. સરકાર કર આધારના વિસ્તરણને ટાંકી શકે છે, જે આંકડો ૨૦૧૭માં આશરે ૬.૬ મિલિયન કરદાતાઓથી વધીને આજે ૧૬.૫ મિલિયનથી વધુ કરદાતાઓ જેટલો થયો છે. આ વધુ સારું પાલન, પ્રેમાણમાં વધુ ઔપચારિકીકરણ અને ઝડપી રિફંડ દર્શાવે છે. જોકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ, કાનૂની વિવાદો અને આવક વહેંચણીમાં ફેડરલ સંતુલન જેવા મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. GST એ ભારતની પરોક્ષ કર પ્રણાલિકાને મજબૂત બનાવી છે. તેમ છતાં, જૂનના આંકડા એ યાદ અપાવે છે કે તાજેતરના વિકાસનો મોટો ભાગ સ્થાનિક મૂલ્યવર્ધનને બદલે આયાતી ફુગાવા અને રૂપિયાના અવમૂલ્યનને કારણે થયો છે.
HSBC સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થવાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આ જ કારણ છે કે આગામી વર્ષ દરમિયાન ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ લગાવતી કંપનીઓનું પ્રમાણ આ વર્ષના મે મહિનાની સરખામણીમાં જૂનમાં અડધું થઈ ગયું છે. દરમિયાન, પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે ભાવમાં વધારો થયો ત્યારથી તેલ કંપનીઓએ પહેલી વાર વાણિજ્યિક LPG અને ઉડ્ડયન બળતણના ભાવમાં ઘટાડો કર્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ફુગાવામાંથી મળેલી આ રાહત આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલ અને ગેસના ભાવમાં ઘટાડાના પ્રમાણમાં છે? ઘણીવાર એવું જોવા મળે છે કે ભારતમાં વધતા આંતરરાષ્ટ્રીય ભાવોને કારણે બળતણના ભાવમાં વધારો કરવામાં આવે છે, પરંતુ જ્યારે વૈશ્વિક ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે ભાજપ ગ્રાહકોને તેનો સંપૂર્ણ લાભ આપતો નથી. આને કારણે છાને પગલે પ્રજા લૂંટાય છે.









