Tantri Lekh

બ્રહ્મપુત્રનું તોફાની તાંડવ

By GS Team
25 Sep 20264 mins read
TukuTouch Logo
શરદ ઋતુ શરૂ થતા જળવાયુ સંકટ ઘેરું બન્યું છે. હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને રસ્તા બંધ થયા છે. બ્રહ્મપુત્ર નદીનો પ્રકોપ ઉત્તરપૂર્વમાં તારાજી સર્જી રહ્યો છે. ભારતમાં બ્રહ્મપુત્ર પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકોનો દુષ્કાળ છે. ગુજરાતમાં પણ નદીઓની જળધારણ ક્ષમતા ઘટતા લીલા દુષ્કાળનો ભય છે. કૃષિ પાકોને પણ નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રહ્મપુત્રનું તોફાની તાંડવ

આખરે શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે. જળવાયુ સંકટની શરૂઆત હવે નવા નવા વળાંકે પહોંચવા લાગી છે. છેલ્લા ત્રણ જ વરસમાં એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં કુદરતી કોપ ન ઉતર્યો હોય. કુદરતી હોનારતો, ઝંઝાવાત, પ્રલય…. જે ક્વચિત જ બનતી ઘટનાઓ હતી તે હવે સામાન્ય થઈ ગઈ છે. આપણે ત્યાં પૂર્વોત્તર ભારતમાં બ્રહ્મપુત્ર નદી કાયમ ચોમાસામાં એના બેય કાંઠે તારાજી ફેલાવે છે. લોકમાતા એકાએક મહાવિનાશિની બની જાય છે. સંખ્યાબંધ નાગરિકો તણાઈ જાય છે અને કરોડો રૂપિયાનું જાનમાલને નુકસાન થાય છે. બ્રહ્મપુત્રમાં જે ઉછળતા ઘોડાપુર આવે છે એ પૂનમની રાતે કિનારે પછડાતા મહાસાગરની તાકાત ધરાવતા હોય છે. આજે પણ એ નિરંકુશ વહી રહ્યા છે.
આ બ્રહ્મપુત્ર નદી પર કામ કરનારા એટલે કે સંશોધન કરનારા વૈજ્ઞાાનિકોનો આપણા દેશમાં દુષ્કાળ છે. આ એટલી સમર્થ નદી છે કે અરધા ભારતને પોષણ આપી શકે છે. એની સરેરાશ ઊંડાઈ આઠસો ફૂટ છે અને ક્યાંક તો એ હજારેક ફૂટનું ઊંડાણ ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી એ વહે છે. ગંગાની મૂળ નદી પદ્મા સાથે ભળીને એ બંગાળના અખાતમાં સમાઈ જાય છે. આપણી ભૌગોલિક રચના પણ એવી છે કે સરકાર ધારે તો છેક કન્યાકુમારી સુધી બ્રહ્મપુત્રની અમૃતધારા પહોંચાડી શકે. પરંતુ એ કલ્પનાનો જ વિષય છે. કારણ કે નિર્ણાયક રાજનેતાઓ પ્રજામાંથી જ આવે છે અને પ્રજા તરીકે જુઓ તો આપણામાં નદીની સંભાળ લેવાના કોઈ સંસ્કાર નથી. ગુજરાતમાં મોટાભાગની નદીઓમાં હવે ઊંડાણ જ નથી. રસ્તાને અને આસપાસના ખેતરોને સમાંતર સપાટીએ એ વહે છે.
એને કારણે ભારેથી અતિભારે વરસાદમાં વારાફરતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની લાખો હેક્ટર જમીનો ધોવાતી રહે છે. કારણ કે જળને ધારણ કરવાની નદીની ક્ષમતા જ નહિવત્ થઈ ગઈ છે. દેશમાં તુઓમાં થઈ રહેલા ફેરફારો બાગાયતી પાકો માટે ઘાતક નીવડે છે. ફળફળાદિ તો આવે છે પણ એમાં પહેલા જેવું માધુર્ય ન હોય. આ તો સહુનો અનુભવ છે. એ જ રીતે શાકભાજીના સ્વાદ પણ મોળા પડી રહ્યા છે. આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે ? એકલી સરકાર કંઈ કરી શકે એમ નથી. કારણ કે એમને શાસન જ પ્રિેય હોય છે અને પોતાના પક્ષની ધજા ફરકતી રાખવામાં રસ હોય છે. રાજકીય લોકોની દ્રષ્ટિ ટૂંકી છે. એટલે એશિયામાં જે દેશ પાસે પર્યાવરણ, હવામાન અને પ્રકૃતિ વિષયક મહાન સંશોધક, રાષ્ટ્રસેવાભાવના ધરાવતા વૈજ્ઞાાનિકોનો મોટો સમૂહ હશે તે દેશો બચી જશે.
સમગ્ર દેશમાં આ વરસે અનેક રાજ્યોમાં મેઘ તાંડવે હાહાકાર મચાવ્યો છે અને હજુ થોડા અંતરાય પછી એ ચાલુ રહેવાની સંભાવના છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પહાડો બરફની જેમ પીગળી રહ્યા છે. ઠેર ઠેર ભૂસ્ખલન થાય છે. આજે પણ સંખ્યાબંધ રસ્તાઓ બંધ છે. હવે વરસાદ અટકે એની રાહ છે અને હજુ વાદળાઓ વિખરાતા નથી. વનવગડામાં અને રસ્તાની બન્ને બાજુએ લીલા રંગનો પ્રલય થયેલો છે. કવિ પ્રહલાદ પારેખ કહે છે કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે…! ગુજરાતના કેટલાક જિલ્લાઓ હવે લીલા દુષ્કાળ તરફ તણાઈ રહ્યા છે. આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે અને સૌરાષ્ટ્રમાં વધારે છે. દુનિયાના તમામ વિકસિત દેશો પાસે સમૃદ્ધ હવામાન વિભાગ હોય છે. જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે. આપણે ખરેખર હવે સારા હવામાનશાસ્ત્રીની જરૂર છે. જે લોકોએ વાવણી વહેલી કરી એમના ઊભા પાક વધુ પડતા પાણીમાં બળી ગયા છે અને જેમણે મોડી વાવણી કરી અને પાક જરાક અંકુરિત થયા એ બધા ધોવાઈ ગયા છે.
કૃષિ ક્ષેત્રને સરકાર ઘણું આપે છે પણ જે હાઈટેક સજ્જતાઓ આપવી જોઈએ એ આપી નથી. કેલિફોર્નિયામાં જે એક ઓબઝર્વેટરી છે, એનું કામ તો સતત વાદળોનું નિરીક્ષણ કરવાનું છે. વર્ષોથી સંશોધનો કરતા હોવાને કારણે કુદરતના કેટલાક રહસ્યો વૈજ્ઞાાનિકોના હાથમાં આવી જાય છે અને એ પ્રમાણે તેઓ પોતાના દેશના વાતાવરણને અમુક અંશે જાતે નેવિગેટ કરી શકે છે. આ વાતની ભારત અને ભારત જેવી અન્ય સરકારોને ન તો ખબર છે કે ન તો એમને કોઈ એની તમા છે. આપણા દેશમાં તમામ પ્રધાનો દાયકાઓથી એક જ ઢોલ વગાડે છે કે વધુ વૃક્ષ વાવો એટલે વધુ વરસાદ આવશે. ખરેખર એવું નથી. વૃક્ષો એક આધાર છે, પરંતુ એ સિવાય વરસાદને પૂરતી માત્રામાં અને નિયતસમયે લાવવા માટેના અનેક ઉપાયો છે, જે હવે વિકસિત દેશો જાણે છે.