Tantri Lekh

પ્રવાસનની ચડતી પડતી

By GS Team
24 Jul 20264 mins read
TukuTouch Logo
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત 39મા સ્થાને છે. 119 દેશોના સર્વેમાં ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર હોવા છતાં, નિમ્ન મધ્યમ આવક ધરાવતા અર્થતંત્ર જેવું પ્રદર્શન કર્યું છે. પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને વ્યવસાય પ્રવાસન સંસાધનોમાં ભારત ટોપ 10માં છે. 2047 સુધીમાં પ્રવાસનમાંથી GDPમાં 1 લાખ કરોડ ઉમેરવાનું લક્ષ્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રવાસનની ચડતી પડતી

ભારત દેવભૂમિ ગણાય છે જ્યાં પ્રકૃતિ એના અનેકાનેક મનોહર રૂપે અભિવ્યક્ત થઈ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દર છ મહિને થતાં સર્વેક્ષણ પ્રમાણે તાજેતરના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ૩૯મા સ્થાને છે, જે દર્શાવે છે કે આ ઉચ્ચ સંભવિત બિઝનેસની તકનો લાભ લેવામાં આપણો દેશ હજુ ઘણો પાછળ છે. ૧૧૯ દેશ પર કરવામાં આવેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ભારત સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી મોટું પ્રવાસન અને પર્યટન ક્ષેત્ર છે, પરંતુ તેણે આ ઈન્ડેક્સમાં નિમ્ન મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રની જેવું સાવ સામાન્ય પ્રદર્શન કર્યું છે. આમ તો વર્ષ અગાઉના અભ્યાસમાં ભારત ૫૪મા સ્થાને ઘણું નીચું હતું, પરંતુ તેની બરાબર સરખામણી કરી શકાતી નથી કારણ કે ત્યારથી અત્યાર સુધીમાં સૂચકાંકનાં માપદંડ બદલાઈ ગયા છે.
ઉદાહરણ તરીકે, ભારત ત્રણ સંસાધનો માટેના અલગ માપદંડોમાં ટોપટેનમાં બિરાજે છે. પ્રાકૃતિક (૬), સાંસ્કૃતિક (૯) અને વ્યવસાય, દવા અને શિક્ષણ માટે મુસાફરી (૯) પર ટોચના દસમાં સ્કોર કરનાર માત્ર ત્રણ દેશોમાંનો એક છે. આ સિવાય પ્રોત્સાહક બાબત એ છે કે બજારભાવની સ્પર્ધાત્મકતાના સંદર્ભમાં ભારત ૧૮મા ક્રમે, હવાઈ ટ્રાફિકની સ્પર્ધાત્મકતાના સંદર્ભમાં ૨૬મા ક્રમે અને જમીન અને બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં ૨૫મા ક્રમે છે. અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આરોગ્ય અને સ્વચ્છતા, પર્યાવરણીય ટકાઉપણું અને પ્રવાસન તથા સામાજિક-આર્થિક પ્રભાવ જેવી અનેક બાબતોની મર્યાદા દૂર કરવામાં પ્રગતિ થઈ રહી છે. એકંદર રચાયેલું આ ચિત્ર સૂચવે છે કે કુદરતી સૌંદર્યની સમૃદ્ધિ અને વૈવિધ્ય તથા બહુ-સાંસ્કૃતિકતા ધરાવતા દેશમાં પ્રવાસ અને પર્યટનથી રોજગારની વિશાળ સંભાવનાને જોતાં ભારત હજુ વધુ સારું પ્રદર્શન કરી શકે એમ છે.
આપણે ત્યાં પ્રવાસનને સ્વતંત્ર રીતે એટેન્ડ કરનારા પ્રધાનો કે સરકારી અધિકારીઓ નામ પૂરતા જ હોય છે. તેઓ પોતાની જવાબદારીઓને જીવન સમર્પણ માનીને કામ કરતા નથી અને ઉપરછલ્લા દેખાડામાં પોતાની કારકિર્દીના વરસો પાણીમાં વહાવી દે છે. આમ છતાં, ઉપલબ્ધ ડેટા વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારતનો હિસ્સો માત્ર ૧.૫૪ ટકા હતો. જો કે વર્ષ ૨૦૧૧ના આશરે ૦.૬૩ ટકાના આંકડાની તુલનાએ આ વધુ સારું છે, પરંતુ એ હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે કે વિદેશી પર્યટકોના આગમનમાં મોટી સંખ્યા તો પ્રવાસી ભારતીયોની જ છે. એટલું જ નહીં, એવું પણ કહી શકાય કે વિશ્વમાં સૌથી વધુ દસ પ્રવાસન સ્થળો ધરાવતો દેશ ચીન લાંબા સમયથી પડતી હેઠળ હતો. આ દરમિયાન ભારત દેશ કોઈ રીતે વિશેષ ફાયદો લઈ શક્યો નથી. ઉદાહરણ તરીકે, ચીન તાજેતરના આ સૂચકાંકમાં આઠમા ક્રમે છે.
વિશ્વના તમામ ટોચના દસ પ્રવાસન સ્થળો ઉચ્ચ આવક ધરાવતા અર્થતંત્ર છે અને તે મોટાભાગે યુરોપમાં છે. યુરોપ હજુ પણ પ્રવાસનલક્ષ્મીનું દિનરાત દોહન કરનારો નંબર વન ખંડ છે. શહેરો અને ગ્રામ વિસ્તારોની સુંદરતા અને તેમના વ્યવસાયિક રીતે રચાયેલા સંગ્રહાલયો પ્રવાસીઓને આ સ્થળો તરફ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ તફાવત ત્યાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા છે. ફ્રાન્સ હોય, જાપાન, ચીન અથવા ઇટાલી હોય, સૌથી સામાન્ય પ્રવાસી માટે પણ ત્યાં ઉચ્ચ ગુણવત્તાની સ્થાનિક જાહેર પરિવહન સેવાઓનો લાભ ઉઠાવવો શક્ય છે - બસો, ટ્રેનો, ટ્રામ વગેરે - તેમજ પોસાય તેવા ભાવે સ્વચ્છ અને સલામત રહેઠાણના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. ભારતમાં જો બે શહેરોમાં મેટ્રો રેલ સેવાના આદરણીય અપવાદ સાથે, ઇન્ટરસિટી બસ અને ટ્રેન સેવાઓ જેવી જાહેર પરિવહન વિશ્વ-વર્ગની ગુણવત્તાથી ઘણી દૂર છે. જો કે હવે ભારતીય એરપોર્ટ અને હવાઈ મુસાફરી વિશેષ બની ગઈ છે. પશ્ચિમથી વિપરીત, જ્યાં તમામ વર્ગના નાગરિકો જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે છે, ભારતના સમૃદ્ધ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો સામાન્ય રીતે તેમના દેશમાં આવી સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળે છે. આવા ગેરવાજબી કારણો ભારતની સ્પર્ધાત્મકતાને નબળી પાડે છે. આ બધાનું પરિણામ એ છે કે પ્રવાસન ક્ષેત્રે ભારત તેની ક્ષમતા કરતાં ઓછું પ્રદર્શન કરી રહ્યું છે. પ્રવાસન ઉદ્યોગ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં લગભગ ૬ ટકા યોગદાન આપે છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માત્ર ૮ કરોડ લોકોને રોજગારી આપે છે. છેલ્લી જી-ટ્વેન્ટી બેઠકોના ભાગ રૂપે જારી કરાયેલી ધર્મશાલા ઘોષણામાં, સરકારે વર્ષ ૨૦૪૭ સુધીમાં પ્રવાસનમાંથી જીડીપીમાં રૂ. ૧ લાખ કરોડ ઉમેરવા અને ભારતને એક મુખ્ય પર્યટન સ્થળ બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તો ભારત તેના તમામ નાગરિકો માટે આ ધરતીને સ્વચ્છ અને વધુ સારી રહેવા યોગ્ય બનાવવાની મૂળભૂત બાબતો પર કામ કરીને આ બાબતે સારી શરૂઆત કરી શકે છે.