Tantri Lekh

ચીનમાં લોકશાહીનો સળવળાટ

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
ચીનના હેનાન પ્રાંતમાં બેંક ખાતાધારકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બેંકે લોકોના પૈસાને રોકાણ ગણાવી પરત કરવાનો ઇનકાર કરતા, ગુસ્સે ભરાયેલા 1000 થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચીની સામ્યવાદી સરકારે વિરોધને દબાવવા સેનાની ટેન્કો ઉતારી. આ ઘટનાએ 1989ના તિયાનમેન સ્ક્વેર નરસંહારની યાદ અપાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં લોકશાહીનો સળવળાટ

ચીનની સરમુખત્યારશાહી પર તો દસ સિઝનની વેબ સિરીઝ બની શકે તેમ છે. ચીનમાં જીવવું એટલે સળગતા રસ્તા પર ખુલ્લા પગે ચાલવા સમાન છે. ગ્રાફિક નોવેલ 'વી ફોર વેન્ડેટા'માં એલન મૂરેએ લખ્યું છે, જનતાએ સરકારથી નહીં, પરંતુ સરકારોએ જનતાથી ડરવું જોઈએ. તેની આ ઉક્તિ લોકશાહીનું હોકાયંત્ર કહેવાય છે, જ્યાં જનતા સરકારથી ભયભીત હોય ત્યાં સમજી લેવાનું કે વહાણ અવળી દિશામાં જઈ રહ્યું છે. ચીનમાં વિકાસ છે, પણ સામાન્ય લોકોને એ વિકાસનો કોઈ આસ્વાદ નથી, કારણ કે તેઓ ડરેલા છે. કાયદાનો ભય અને સરકારનો ભય બંને અલગ બાબત છે. કાયદાનો ભય લોકશાહી દેશોમાં પણ હોય છે, અને હોવો જોઈએ. અમેરિકનોમાં કાયદાનો ભય છે, પણ સરકારનો ભય નથી એટલે જ તેઓ મોકળા મને અભિવ્યક્ત થઈ શકે છે, વિકાસની મઝા માણી શકે છે.
હજાર મર્યાદા વચ્ચે પણ લોકશાહી વિશ્વની સર્વોત્તમ શાસન વ્યવસ્થા છે તેવું ૨૦મી અને ૨૧મી સદીએ સાબિત કરી દીધું છે. વચ્ચે ચીનના હેનાન પ્રાંતમાં કેટલાય સપ્તાહો સુધી પોલીસ અને ંબેંક ખાતેદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણી બેંકોમાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બેંંક ઑફ ચાઈનાએ કહ્યું કે અહીં જમા થયેલ રૂપિયા એક રોકાણ છે. તેને ઉપાડી શકાશે નહીં. ચીનમાં આ નિર્ણયનો ભારે વિરોધ થયો. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં. ચીનની સામ્યવાદી સરકારે મોટી સંખ્યામાં સેનાની ટેન્કોને રસ્તાઓ પર ઉતારી દીધી. ચીનની લિબરેશન આર્મીની ટેન્કના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ચીનની બૅંકએ લોકોના પૈસાને રોકાણ તરીકે જણાવીને પરત કરવાનો ઇનકાર કર્યો , ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઊતરી આવ્યા.
હેનાનનાં ઝોંગઝોઉમાં બૅંક ઑફ ચાઈના શાખાની સામે ૧૦૦૦થી વધુ વિરોધીઓ એકઠા થયા હતા. જોરશોરથી પ્રદર્શન કર્યું હતું, પરંતુ ચીની સત્તાવાળાઓ તેમની માગને અવગણી. અહેવાલ મુજબ હેનાનમાં બૅંક ઑફ ચાઈનાની ઑફિસ સામે થઈ રહેલા જંગી વિરોધને ડામવા માટે ચીની પિપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના કેટલાક લોકો સિવિલ વેશમાં પહોંચ્યા હતા. આવી ઘટના બનવા પાછળ ચીનમાં થતો ભ્રષ્ટાચાર જવાબદાર છે. ચીનમાં સ્થાનિક સરકારોની આવકનો મોટો હિસ્સો જમીનને ખાસ કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સને લીઝ પર આપીને મળે છે, પરંતુ બાંધકામ કંપનીઓએ અનેક પ્રોજેક્ટ અધૂરા પડયા હોવાથી ફરીથી જમીન ખરીદાઈ નથી. આને કારણે સ્થાનિક સરકારની આવકને અસર થઈ.
અહેવાલો અનુસાર, ચીનમાં ઘર ખરીદનારાઓ દ્વારા લોનની ચુકવણી ન કરવાની સમસ્યાઓ ઉકેલી શકાતી નથી, કારણ કે રિયલ એસ્ટેટનાં સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિવાય, ચીનમાં દરેક સફળ રિયલ એસ્ટેટ ડેવલપર રાષ્ટ્રપતિ શી જિનપિંગની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના કેટલાક શક્તિશાળી લોકો સાથે જોડાયેલા છે. જેમ કે ચીનના સૌથી મોટા પ્રોપર્ટી ડેવલપર એવરગ્રાન્ડના ઝી જિયાયિન અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના રાજકારણી ઝેંગ કિંગહોંગનો ભત્રીજો ઝેંગ બાઓબાઓ પૈસા કમાવા માટે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સીધા સંકળાયેલા છે.
સરળ રિયલ એસ્ટેટ ડેવલપર્સે તેમના કામો કરાવવા બદલ સરકારી અધિકારીઓને લાંચ પણ આપવી પડે છે. તેથી જો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓ અધૂરા પ્રોજેક્ટ્સ અને રિયલ એસ્ટેટમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માગે છે, તેથી તેમને પોતાના પ્રિયજનો સામે પણ કાર્યવાહી કરવી પડશે. આ ઘટનાએ સમગ્ર વિર્શ્વને ફરીથી તિયાનમેન સ્ક્વેરની યાદ અપાવી હતી. આજથી ૩૩ વર્ષ પહેલા ૧૯૮૯માં સરકાર સામે બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર વિરોધ કરી રહેલા લોકો સામે ટેન્ક ઉતારવામાં આવી હતી. આ ક્રૂર કાર્યવાહીમાં ૧૦ હજાર લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા. ૨૦૨૨ના ઘટનાક્રમને તિયાનમેન ૨.૦ તરીકે ઓળખવામાં આવ્યો.
તિયાનમેન ચોક નરસંહાર સાથે ચીનમાં લોકતંત્રનું સ્વપ્ન અવસાન પામ્યું. ચીનનાં તિયાનમેન પર થયેલા આ નરસંહારને ઈતિહાસમાંથી દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ચીનની સરકારે આજે પણ આ નરસંહાર બાબતે કોઈપણ ચર્ચા કરવા સામે પ્રતિબંધ લગાવી રાખ્યો છે. ત્યાં સુધી કે ચીનમાં ઈન્ટરનેટ અને પુસ્તકોમાં પણ તેના ઉલ્લેખ કરવા બાબતે પ્રતિબંધ છે.
આવી જ ઘટનાઓ ફરી બની ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ મૌન સેવીને બેઠા રહ્યા. અત્યારે તો જિનપિંગ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓત્સે તુંગ જેટલું કદ હાંસલ કરીને બેઠા છે. જિનપિંગને પાર્ટીના કોર નેતા બનાવી દેવામાં આવ્યાં. તેમની પહેલા આ હોદ્દો માત્ર માઓત્સે તુંગને જ આપવામાં આવ્યો હતો.