Editorial

કૃત્રિમ તેજીનું શું થયું ?

By GS Team
8 Sep 20194 mins read
This article was originally published on 8 Sep 2019

ચારે બાજુ મંદીનું સત્ય-અસત્ય અને અર્ધસત્ય તરતું અને ડૂબતું દેખાય છે. બજારનું હવામાન સતત બદલાઈ ગયું છે ત્યારે એ તો કોઈ પૂછતું જ નથી કે કૃત્રિમ તેજીનું શું થયું? આપણા દેશમાં નફાખોરી આચરનારો વર્ગ બહુ મોટો છે. આ એક એવો વર્ગ છે જે અનહદ નફો કરે છે. કારણ કે એમને ટેવ પડી ગઈ છે. આમ તો ઈ કોમર્સની શરૂઆત થઈ ત્યારથી જ નફાના માજનમાં વાસ્તવિક રીતે ઘટાડો થઈ ગયો છે. ઈ કોમર્સ કંપનીઓના આગમનથી ગ્રાહકનું શિક્ષણ ચાલતું જ રહ્યું છે. 

વેપારી તો બુદ્ધુ ગ્રાહકને જ આદર્શ માનતો હોય, પરંતુ હવે એવા બેવકૂફ ગ્રાહકો બજારમાં મળવા મુશ્કેલ છે. દરેક ગ્રાહક પોતે જે વસ્તુ ખરીદવા જાય છે એ અંગે એટલી હદે ઊંડા ઉતરે છે કે જો એનાથી એ થોડોક જ વધુ અભ્યાસ કરે તો તેના ઉત્પાદનમાં પણ નિષ્ણાત થઈ જાય. એટલે અજ્ઞાાન ગ્રાહકો મળવાનો યુગ પૂરો થઈ ગયો છે. ઈ કોમર્સની કંપનીઓ પોતાના ગ્રાહકને અત્યંત બુદ્ધિમાન માનીને જ ચાલે છે અને એટલે જ તેઓ અનેક પ્રકારની સગવડ આપે છે. આપણા દેશમાં એક વર્ગની માન્યતા એવી છે કે આજકાલ જે મંદી પ્રવર્તમાન છે એના મૂળમાં ઈ કોમર્સનું પણ પ્રદાન છે, પરંતુ એ વાત સાચી નથી.

રિયલ એસ્ટેટમાં અત્યારે જે બિલ્ડરો મંદીને કારણે મૂંઝવણમાં મૂકાયેલા દેખાય છે તેમની વાસ્તવિક સ્થિતિ જાણ્યા વિના તેમના પર કરુણા દાખવવાની જરૂર નથી. એનું કારણ છે કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં શહેરોનો વિકાસ બહુ ઝડપી બન્યો છે. એનું મુખ્ય કારણ એક જ છે કે ગામડામાં વસતા ખેડૂતોના સંતાનોને નથી ગામમાં રહેવું અને નથી ખેતરમાં કામ કરવું. તેમની આંખો શહેરોથી અંજાઈ ગયેલી છે. આ એક જ કારણસર છેલ્લા બે દાયકામાં ગુજરાતના ગામડાઓ ખાલસા થઈ ગયા છે. હવે ત્યાં ભૂત રડે ભેંકાર જેવી સ્થિતિ છે.અનેક ગામડાઓ તો એવા છે કે એની વસ્તી શૂન્ય સુધી આવી ગઈ છે.

એવા ગામના કોઈ રખેવાળ પણ નથી. આને કારણે બાંધકામ ઉદ્યોગે શહેરમાં નવા આવનારા લોકોને બહુ ઉંચા ભાવે મકાનો પધરાવ્યા છે. પોતાની આખી કૃષિ પરંપરાને અપસેટ કરીને સંતાનોને શહેરોમાં સેટ કરવા માટેની જે દોટ ચાલી એમાં ગુજરાતના બિલ્ડરોએ બાંધકામ ઉદ્યોગને સોનેરી કિનાર લગાવી દીધી છે. આજે પણ ગુજરાતનો બાંધકામ ઉદ્યોગ દેશના અન્ય રાજ્યોની તુલનામાં એકદમ મજબૂત છે. આપણે ત્યાં નિવાસી અને કોમશયલ મકાનોની ડિઝાઇન એકથી એક ચડિયાતી હોય છે. બિલ્ડિંગ મટિરિયલના સ્ટાન્ડર્ડ પણ ઘણા ઊંચા છે.

ગુજરાતના બાંધકામ ઉદ્યોગમાં અત્યારે સ્થગિતતા છે, મંદી નથી. કારણ કે બિલ્ડરોએ ભાવ પકડી રાખેલા છે. પરંતુ જે રીતે અત્યારે વિવિધ સેક્ટરમાં મંદીને કારણે ઉત્પાદન અને વેચાણમાં ભંગાણ સર્જાવા લાગે છે એ રીતે બાંધકામ ઉદ્યોગમાં પણ મંદી આવશે એ નિશ્ચિત છે. મંદી આવતા પહેલા દરેક શહેરના ચોક્કસ વિસ્તારોમાં ઊભી કરવામાં આવેલી જે કૃત્રિમ તેજી છે, એ ભાંગી પડશે.

મુંબઈનો બાંધકામ ઉદ્યોગ તો છેલ્લા પચાસ વર્ષથી બિલ્ડરોની કુશળતા, કૃત્રિમ તેજીની માસ્ટર ગેઈમ અને જગ્યાની કટોકટીને કારણે ઊંચા નફાના ધોરણથી ચાલતો ઉદ્યોગ બન્યો છે. આખા દેશમાં ગમે તેટલી મંદી આવે તો પણ મુંબઈના બાંધકામ ઉદ્યોગમાં મંદી આવવાની કોઈ શક્યતા નથી. પરંતુ એ સિવાય ગુજરાતમાં જ્યા કૃત્રિમ તેજી ઊભી કરીને ઊંચા ભાવે મિલકતો વેચવાની પ્રવૃત્તિ છે એ સંપૂર્ણ અટકી જશે.

કૃત્રિમ તેજી સમગ્ર ભારતમાં વેપાર અને ઉદ્યોગની એક એવી આવડત છે જે પ્રજાના કરોડો રૂપિયા ખંખેરી લે છે. સુરતમાં એક જમાનામાં જમીનમાં કૃત્રિમ તેજી લાવવામાં ખેલાડીઓ સફળ થયા હતા. એટલી હદ સુધી કે માત્ર એક ચિઠ્ઠી ઉપર લાખો રૂપિયાના પ્લોટ વેચાઈ જતા અને દસ્તાવેજ કરવાનો સમય આવે એ પહેલા તો એ કાચી ચિઠ્ઠી જ ૨૫ જગ્યાએ ફરીને બે કે ત્રણ ગણા ભાવ સુધી પહોંચી ગઈ હોય.

કૃત્રિમ તેજીનું ચક્ર જયારે ચાલે છે ત્યારે પ્રજા પણ આંધળી દોટ લગાવીને એમાં રોકાણ કરવા દોડે છે. નોટબંધી અને જીએસટીને કારણે એક વાત એ પણ ખરી છે કે દેશના અનેક ક્ષેત્રમાંથી કૃત્રિમ તેજી નામશેષ થઈ ગઈ છે. ઉપરાંત જે અવાસ્તવિક નફાખોરી હતી તે પણ ધીરે ધીરે વ્યાવહારિક પગથિયા સુધી નીચે આવી ગઈ છે. આ બધા મંદીના લાભકારી લક્ષણો પણ છે.

દેશમાં અનેક ઉત્પાદનો એવા છે કે એના કીમિયાગરો સમયાંતરે કૃત્રિમ અછત ઊભી કરીને છેવટે એ અછતનું ચાલાકી પૂર્વક તેજીમાં રૂપાંતર કરી આપે છે. અને આપણા દેશમાં તો એક સમુદાય એવો પણ છે કે જેની હવા ચાલે એ તરફ પોતે પણ ચાલવા લાગે. અત્યારે મંદીની જે હવા ઉપડી છે એ પ્રથમ તો નફાખોરીની સાફસૂફી કરે છે એવું બજારમાં દેખાય છે. વેપારીઓને હવે પૈસો ફરતો રાખવામાં રસ છે. આ એક નવી પ્રક્રિયા છે જે બજારનું આંતરિક શુદ્ધિકરણ પણ કરશે. તેજી જેવી મઝા તો બજારને કોઈ મંદી ન જ આપી શકે પરંતુ મંદી કેટલાક એવા અકલ્પનીય વળાંકો લાવે છે જે આખરે તો તંદુરસ્ત અર્થતંત્રનું નિર્માણ કરે છે.