India

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની કવાયત તેજ! 4 દેશોના પ્રસ્તાવ, ભારતના પ્લાન પર કીવ રાજી

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા ભારતે પહેલ કરી છે. યુક્રેને ભારતના પ્રસ્તાવને સૌથી વ્યાપક ગણાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ જણાવ્યું કે, યુક્રેન બ્લેક સીમાં ઊર્જા અને કૃષિ સંબંધિત શરતો સાથે યુદ્ધવિરામ માટે તૈયાર છે. આ માટે ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે સીધી વાતચીતથી જ ઉકેલ શક્ય છે. ભારત બંને દેશોને વાતચીત માટે ટેબલ પર લાવવા સક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની કવાયત તેજ! 4 દેશોના પ્રસ્તાવ, ભારતના પ્લાન પર કીવ રાજી

India Russia-Ukraine Peace Proposal : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વાતચીત દ્વારા અટકાવવાના વૈશ્વિક પ્રયાસોમાં ભારતની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે. યુક્રેને યુદ્ધવિરામ માટે ચાલી રહેલા 4 મોટા વૈશ્વિક પ્રસ્તાવોમાં ભારતના પ્રસ્તાવને સૌથી મોટો અને વ્યાપક ગણાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ જણાવ્યું કે, ભારતે પ્રથમ વખત બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે. યુક્રેન બ્લેક સીમાં ઊર્જા અને ખેતી સંબંધિત શરતો સાથે યુદ્ધવિરામ માટે સહમત થવા તૈયાર છે.

યુદ્ધ રોકવા યુક્રેન સમક્ષ 4 દેશોના પ્રસ્તાવ

યુક્રેનને યુદ્ધ સમાપ્ત કરવા માટે હાલમાં 4 દેશો તરફથી પ્રસ્તાવો મળ્યા છે. જેમાં ભારતનો પ્રસ્તાવ સૌથી વ્યાપક છે. તુર્કી અને ઈજિપ્તે બ્લેક સી મારફતે અનાજ અને કૃષિ ક્ષેત્રે સંઘર્ષ રોકવાની દરખાસ્ત મૂકી છે, જ્યારે અમેરિકાએ ઊર્જા માળખા પરના હુમલા રોકવા માટે પ્રસ્તાવ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે ઊર્જા સુવિધાઓ અને બ્લેક સીમાં શિપિંગ બંને સુરક્ષિત બને તેવા સંયુક્ત પેકેજ તરીકે જ તે યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર છે.

પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠકથી જ ઉકેલ શક્ય

યુક્રેનના વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ, સ્થાયી શાંતિ અને યુદ્ધવિરામ માત્ર રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચે સીધી વાતચીત દ્વારા જ શક્ય બની શકે છે. અમેરિકા સહિતના પક્ષો આ રાજદ્વારી માર્ગ પર સક્રિય રીતે કાર્યરત છે, જ્યારે બ્લેક સીમાં સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા માટે ભારત, ઈજિપ્ત અને તુર્કીના સૂચનો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

બંને પક્ષોને વાતચીતના ટેબલ પર લાવવા ભારત સક્રિય

ભારત શરૂઆતથી જ મોસ્કો અને કીવ બંને સાથે સતત સંપર્કમાં રહીને શાંતિ મંત્રણાની તરફેણ કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કીવની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ રોકવા માટે ભારત દરેક શક્ય સહાય કરવા કટિબદ્ધ છે. યુક્રેને પણ સ્વીકાર્યું છે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને કાળા સમુદ્રમાં શાંતિ જાળવવા માટે ભારતની ભાગીદારી અત્યંત મૂલ્યવાન છે.

હવે રશિયાના વલણ પર સમગ્ર વિશ્વની નજર

યુક્રેને ચોક્કસ શરતો સાથે યુદ્ધવિરામ પર વિચાર કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ હવે આ તમામ શાંતિ પ્રસ્તાવો આગળ વધશે કે નહીં તેનો આધાર રશિયાના પ્રતિસાદ પર રહેલો છે. મોસ્કો આ વાટાઘાટોમાં જોડાવા કેટલી ગંભીરતા દાખવે છે તેના પરથી જ યુદ્ધના અંતની દિશા નક્કી થશે.