Ahmedabad

VIDEO| એલિસબ્રિજના રિનોવેશનમાં વિલંબ કેમ?: અડધો બ્રિજ તૈયાર પણ છેડાના ભાગમાં કામ અટક્યું, જાણો AMCનો ખુલાસો અને નવી તારીખ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજના સમારકામમાં વિલંબ થયો છે. AMCએ 3 મુખ્ય કારણો આપ્યા: છેલ્લા સ્પાનમાં ગંભીર નુકસાન, રિવરફ્રન્ટથી બ્રિજ પર આવવા લિફ્ટની સુવિધા અને ડેકોરેટિવ લાઇટિંગનું આયોજન. આ કામકાજ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ આ બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| એલિસબ્રિજના રિનોવેશનમાં વિલંબ કેમ?: અડધો બ્રિજ તૈયાર પણ છેડાના ભાગમાં કામ અટક્યું, જાણો AMCનો ખુલાસો અને નવી તારીખ

Ahmedabad Ellisbridge Renovation Delay: અમદાવાદ શહેરની શાન અને ઓળખ સમાન ઐતિહાસિક એલિસબ્રિજના સમારકામનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. અડધા બ્રિજ પર સુંદર માર્બલના પથ્થરો જડી દેવામાં આવ્યા હોવા છતાં, બ્રિજના છેડાના ભાગમાં અત્યંત ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી આ ઐતિહાસિક ધરોહરનો અસલ વૈભવ હજુ સુધી જોવા મળી રહ્યો નથી. સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓમાં કામની ધીમી ગતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામમાં થઈ રહેલા વિલંબ અંગે સત્તાવાર કારણો અને નવી ડેડલાઇન જાહેર કરવામાં આવી છે.

બ્રિજનું કામ કેમ અટક્યું? AMCએ આપ્યા 3 મુખ્ય કારણો

AMCના અધિકારીઓ તરફથી મળતી વિગતો અનુસાર, બ્રિજનું કામ અટક્યું નથી પરંતુ વધારાના ટેકનિકલ રિપેરિંગ અને નવી સુવિધાઓ ઉમેરવાને કારણે વિલંબ થયો છે:

છેલ્લા સ્પાનમાં ગંભીર નુકસાન

બ્રિજના છેલ્લા સ્પાનમાં અપેક્ષા કરતાં વધુ નુકસાન જોવા મળ્યું હતું. આથી આર્ચ(Arch)ને નીચેથી ટેકો આપીને વર્ટીકલ મેઇન લોડ લેતા બોટમ મેમ્બર્સ બદલવાની જરૂર પડી હતી. કન્સલ્ટન્ટ પાસેથી સ્પેશિયલ ડિઝાઇન તૈયાર કરાવી SVNIT પાસે તેને ચેક કરાવવામાં આવી હતી. હાલ ફેક્ટરીમાં ફેબ્રિકેશન કરાવી સાઇટ પર તેના ફિટિંગનું કામ ચાલી રહ્યું છે.

રિવરફ્રન્ટ પરથી ઉપર આવવા માટે લિફ્ટની સુવિધા

મ્યુનિસિપલ કમિશનર સાથેની સમીક્ષા બેઠકમાં રિવરફ્રન્ટ પરથી લોકોને બ્રિજ પર આવવા માટે માત્ર સીડીઓને બદલે લિફ્ટ બનાવવાનું સૂચન મળ્યું હતું. આ લિફ્ટના આયોજન માટે 1 સ્પાન વચ્ચે બાકી રખાયો હતો. હાલ તેના RCC વેલ અને ડિઝાઈન પૂર્ણ કરી લેવાયા છે.

બ્રિજ ડેકોરેટિવ લાઇટિંગનું આયોજન

મૂળ ટેન્ડરમાં સમાવેશ ન હોવા છતાં, બ્રિજની સુંદરતા વધારવા માટે ડેકોરેટિવ લાઇટિંગ કરવાનું નક્કી કરાયું છે, જેનું વાયરિંગ એરેન્જમેન્ટ પણ હાલ પ્રગતિ હેઠળ છે.

ક્યારે ખુલ્લો મુકાશે એલિસબ્રિજ?

તંત્રના જણાવ્યા મુજબ, આગામી દોઢ મહિનામાં સિવિલ વર્ક અને તેના પછીના 1 મહિનામાં ઈલેક્ટ્રિકલ કામકાજ પૂર્ણ કરી લેવાશે. મૂળ દોઢ વર્ષની ડેડલાઇન મુજબ કામ 10મા મહિનામાં પૂરું થવાનું હતું. જોકે, આ વધારાના સુધારા અને રિપેરિંગ કામને કારણે હવે 11મા મહિનાના અંત સુધીમાં એટલે કે નવેમ્બરમાં અથવા તેના પ્રથમ અઠવાડિયામાં એલિસબ્રિજ ફરી એકવાર નાગરિકો અને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.