Tantri Lekh

દુર્લભ વિશુદ્ધ આહાર

By GS Team
15 Jul 20264 mins read
TukuTouch Logo
યુનોએ ગ્લોબલ વોર્મિંગ સામે લડત ઉપાડી છે, પણ મોટા દેશોની બેદરકારીથી પર્યાવરણનો ખુરદો બોલી રહ્યો છે. માલદીવથી નાગાલેન્ડ સુધી પર્યાવરણ તબાહ થયું છે. એમેઝોનમાં આગ અને ઇઝરાયેલનો ખારો સમુદ્ર સુકાઈ રહ્યો છે. શુદ્ધ હવા-પાણી કિંમતી બન્યા છે. ટોકિયો, મુંબઈ જેવા શહેરો પર ખતરો છે. સત્તાધીશો ન સમજે ત્યાં સુધી જળવાયુ પરિવર્તન તરંગ જ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુર્લભ વિશુદ્ધ આહાર

યુનોએ હમણાં નવેસરથી ગ્લોબલ વોર્મિંગ સામે લડત ઉપાડી છે. છેલ્લાં પચાસેક વરસથી રાષ્ટ્રનેતાઓ અને તેમની પ્રજાએ પર્યાવરણ કે આહારશુદ્ધિ વિશે માત્ર વારતાઓ જ કરી છે. જેનું પરિણામ એ આવ્યું છે કે ઘરે ઘરે પ્રજાના ભોજનથાળ સુધી ઝેરી રસાયણો છુપાયેલા સ્વરૂપમાં પહોંચી ગયા છે. બે દિવસમાં મટી જાય એવી આરોગ્ય તકલીફો માનવ શરીરમાં છ-છ મહિના સુધી ધામા નાખે છે. બાળકો માટે માત્ર ઓસડિયાં હવે કામ કરતા નથી. દોડી દોડીને બાળતબીબો પાસે જવું પડે છે. નવોદિત માતાપિતા હવે તો બાળકો મોટાં થાય ત્યાં સુધી એના આરોગ્યના આંટાફેરામાં જ વ્યસ્ત રહે છે. આ ચિત્ર કંઈ એકલા ભારતનું નથી. વિશ્વમાં બધે જ આ સ્થિતિ છે. શુદ્ધ આહાર મળવો સહુને સુગમ નથી. વળી, હજુ તો અશુદ્ધ આહારની ઓળખ જ પાકી થઈ નથી. પ્રજા એક વણઓળખ્યા સંકટમાં ફસાઈ રહી છે. આપણા ફૂડ ઈન્સ્પેક્ટરો જે બ્રાન્ડેડ કંપનીઓની ખાદ્ય સામગ્રીના નમૂના લે છે તે પણ તપાસમાં પાસ થતા નથી.
આજથી આખી દુનિયામાં વાહનો બંધ થઈ જાય, અણુમથકોને તાળાં લાગી જાય, ચીમનીના ધૂમાડા બંધ થઈ જાય, કચરો પેદા થાય એવા કોઈ પણ કામ ઉપર પ્રતિબંધ આવી જાય તો પણ ઘાયલ કુદરત બેઠી થઈ શકે એમ નથી. આખી દુનિયાના પર્યાવરણનો ખુરદો બોલી રહ્યો છે. માલદીવના ટાપુઓથી લઈને વિયેતનામ સુધી અને ગ્રીનલેન્ડથી લઈને નાગાલેન્ડ સુધી બધે જ પર્યાવરણની તબાહી જોવા મળે છે. કુદરતી સૌંદર્યના અનુપમ દર્શન થાય એવી જગ્યા ભાગ્યે જ કોઈ બચી છે. એમેઝોનના જંગલોમાં આગ લાગી રહી છે તો ઇઝરાયેલનો ખારો સમુદ્ર સુકાઈ રહ્યો છે. સાઈબિરિયાનું વન સંકોચાઈ રહ્યું છે તો આફ્રિકાનાં ખુલ્લા મેદાનના વગડાઓ શહેરીકરણની આપત્તિનો સામનો કરી રહ્યાં છે. યુરોપ પાસે બરફની શ્વેત સુંદરતા વધુ હતી, તો એ પણ અદ્રશ્ય થઈ રહી છે.
વૈશ્વિક વાતાવરણમાં વિકૃતિ લાવવાનો શ્રેય બધાને જાય છે, પણ એમાં મોટા દેશોનો સૌથી વધુ ફાળો છે. મોટા દેશો એટલે વિકસિત દેશો જે પોતાને મહાસત્તા કહેવરાવીને પર્યાવરણ વિરોધી ગેરફાયદા લઈ લે છે અને અમુક વિકાસશીલ દેશો પણ પોતે વિકસિત નથી એવું ગાણું ગાઈને પર્યાવરણનું નખ્ખોદ વાળતાં રહે છે. અમેરિકા, બ્રિટન, ચીન, ભારત, જાપાન, બ્રાઝિલ, ફ્રાન્સ વગેરે દેશો ગ્લોબલ વોર્મિંગ માટે સહુથી વધુ જવાબદાર છે. હવે તો ગલ્ફ દેશો પણ પેટ્રોલિયમને કારણે ખૂબ સમૃદ્ધ થઈ ગયા છે. માટે જોર્ડન-સિરિયાથી લઈને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સુધીનો આખો પટ્ટો કુદરતને હણવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યો. ઉલટાનું આ નાના લાગતા દેશોમાં વસ્તી વધી રહી છે જે દરેક પ્રકારના પ્રદૂષણમાં વધારો કરવામાં ભાગ ભજવે છે. શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી દિવસેને દિવસે કિંમતી પદાર્થો બનતા જાય છે.
માલદીવના ટાપુઓ નજીકના ભવિષ્યમાં ડૂબી જવાના છે એ સૌ જાણે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાના ટાપુઓ પણ ખતરામાં છે. ટોકિયો, મુંબઇ, સિડની જેવાં ઘણાં મોટાં શહેરો ઉપર દૂરના ભવિષ્યમાં મોટી આફત આવે એવી ભયજનક સંભાવના છે. કારણ કે સમુદ્રની સપાટી સતત વધતી જવાની છે. નવી દિલ્હીનું પ્રદૂષણ વિશ્વવિખ્યાત થઈ ચૂક્યું છે. ગંગા છેલ્લા કેટલાય દાયકાઓથી શુદ્ધ થઈ નથી અને હજુ કેટલાય દાયકાઓ સુધી શુદ્ધ થાય એવું લાગતું નથી. ગંગા સિવાયની એશિયાની મહાન નદીઓ પણ બહુ પ્રદૂષિત છે. બ્રહ્મપુત્રા કંઈ ડિસ્ટીલ્ડ વોટરનું વહન નથી કરી રહી. ચીનમાં પ્રદૂષણે માઝા મૂકી છે. ચીનની એગ્રેસિવ આર્થિક અને સામાજિક નીતિએ ત્યાંના પર્યાવરણને તબાહ કરી મૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તરંગી નેતાઓ ગ્લોબલ વોર્મિંગને પરીકથાથી વિશેષ કશું માનતા નથી. માનવજાત પોતાની કબર ખુદ ખોદી રહી છે. બધા એમાં ક્યારે સમાઈ જઈશું એ નિશ્ચિત નથી, પરંતુ કબરમાં એક દિવસ ચોક્કસ ચાલ્યા જશું એ નક્કી છે. કુદરતનો કાળો કેર સહન કરવાની ક્ષમતા કાળા માથાના માનવીમાં નથી.
જે લોકો ભેખધારી બની પૃથ્વીની સેવા કાજે નીકળી પડયા છે તેનાથી નવું જે વાતાવરણ બંધાશે તે પણ હશે તો વાતોનું જ. કારણ કે જેમની પાસે સત્તા છે તેઓ ન સમજે ત્યાં સુધી જળવાયુ પરિવર્તનની બધી વાત એક તરંગ જ રહેશે. આ સ્થિતિ આગળ જતાં પર્યાવરણીય સંરક્ષણ માટેની પરસ્પર અથડામણ તરફ વિવિધ રાષ્ટ્રોને લઈ જશે જેની શરૂઆત પણ થઈ ગઈ છે. સિંધુ નદીનો જળવિવાદ આપણો પરિચિત છે. આગામી એક દાયકામાં ઝડપી વસ્તી વધારો અને કુદરતી સંસાધનોનો વિદ્યુતવેગી વિનાશ - બન્ને એકસાથે જોવા મળશે. પર્યાવરણ વિશે પ્રાથમિક શાળાનાં બાળકો કંઈક જાણતા હોય છે. આગળ જતાં કોલેજોમાં તો એ વિષય જ નજરે ચડતો નથી. એટલે વ્યક્તિગત જીવનમાં પણ અમલવારીના વરસો આવે ત્યારે લોકો અનુસંધાન ગુમાવી દે છે. આ વિષચક્રનો નજીકમાં તો કોઈ ઉકેલ નથી.