સંપત્તિ - સંતતિ વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની અદાલતોમાં સંતાનો અને વાલીઓ વચ્ચે સંપત્તિના વિવાદના કેસોમાં વધારો થતો જાય છે. એક લાંબી અવસ્થા પછી અને એમાંય જ્યારે ભાદ્રપદની બપોરથીય અધિક એવો ઢળતી સંધ્યાનો છેલ્લો તાપ લાગવાની શરૂઆત થાય ત્યારે મા લગભગ એકલી પડી જતી હોય છે. દીકરી હોય તો તે સમયસર સાસરે જતી રહી હોય છે. દીકરી સાસરે જાય એનો માતાને આઘાત એટલા માટે જ નથી હોતો કે તે પણ વર્ષો પહેલા તે જ રીતે પિતાના ઘરેથી પોતાના ઘરે એટલે કે સાસરે આવેલી છે. દીકરો પણ એક દિવસ દૂર જતો રહેશે એની ક્યાંય સુધી માતાને તો કલ્પના જ હોતી નથી. તે સતત પોતાના મનને એવી જ દિશામાં એવી જ રીતે ચલાવે છે જાણે કે જિંદગીની અંત વેળા સુધી એનો પુત્ર એની સાથે જ રહેવાનો ન હોય ! સાથે રહી શકે એ તો ધન્યતાનો અવસર છે. કેટલાક કિસ્સાઓમાં એમ બનતું નથી.
વાત કંઈ આકસ્મિક કે ગંભીર નથી, સાવ સ્વાભાવિક છે કે સંતાનો મોટા થાય એટલે એને માતાપિતાથી વિખૂટા પડવાના કારણો તરીકે હજારો વિકલ્પ હોય એમાંથી એકાદનો છેડો અડે એટલે દૂર દૂર ફંગોળાઈ જવાય. અનુઆધુનિક યુગનો એ એક ઉપકાર છે કે લાગણીની બૌદ્ધિક ચોખ્ખાઈ હવે સપાટી પર આવી શકે છે. એટલે સંતાનો સ્પષ્ટ રીતે માતા-પિતાને કહી શકે છે કે તમારું અમારી સાથે રહેવું અમને આટઆટલા કારણોસર પ્રતિકૂળ છે. માતા-પિતા પણ એ સમજે છે કે માત્ર લાગણીના તરાપાથી તરીને હવે આગળ વધી શકાય એમ નથી. એટલે ચોક્કસ જગ્યાએ એમણે અટકી જવું પડે છે. એમાં એક બીજી વાત પણ છે કે જે દંપતીઓ સ્વતંત્ર રીતે રહેવા ટેવાયેલા છે, એમને ક્યારેક દીકરા-વહુના હાથમાં જિંદગીનું નેવિગેશન આવે એ અનુકૂળ ન પણ આવે. તેઓ જ્યાં સુધી દેહે કરીને પરાધીન ન થાય ત્યાં સુધી સ્વતંત્ર રીતે પોતાનું યુગલજીવન જીવવા ચાહે છે.
ખરેખર આ બહુ જ સારી બાબત ગણાવી જોઈએ. પરંતુ આપણો સમાજ હજુ… જોયું ? આમ છે ને તેમ છે….અરે આમ હતું પરંતુ, આનું તેમ થયું અને તેનું આમ થયું એમ વારતા ચલાવ્યા કરે છે. સંતાનો સાથે રહેવા મળે કે ન મળે પણ જાતે જિદ કરીને સંતાનોના સંઘર્ષ સમયે એમની પડખે રહે તે માતાપિતા છે. આ દુનિયામાં એવા પણ દંપતીઓ છે કે દાયકાઓ સુધી પોતે માલિકીના મકાનમાં રહેતા હોય અને પુત્ર-પૌત્રાદિક લગભગ જિંદગીભર ભાડું ભરીને પારકા છત્રતળે વસતા હોય. બીજી એક વાત એ છે કે માત્ર રેમન્ડ કંપનીના માલિકે પોતાની સર્વ સંપત્તિ પુત્રને નામે કરીને અફસોસ વ્યક્ત કર્યો નથી. ગુજરાતની તમામ જિલ્લા કક્ષાની અદાલતોમાં વયોવૃદ્ધ દંપતીઓ પોતાના સંતાનોને લખી આપેલી મિલકતો પાછી લેવા માટે ધક્કા ખાતા જોવા મળે છે. આ સંખ્યા પણ નાનીસૂની નથી. માત્ર આપણા સંતાનો હોવાને કારણે તેઓને આપણા અપમાનનો કોઈ વિશેષાધિકાર મળી જતો નથી અને માતાપિતા હોવાથી બધી જ જવાબદારીના પહાડો તેઓના ખભે મૂકી દેવા પણ યોગ્ય નથી.
દીકરાના લગ્ન થાય એટલે પારસ્પરિક સંબંધ અને સન્માનની થોડી ડિઝાઈન તો બદલાવવાની છે. એ બદલા પછી પણ ઘરની મૂળભુત સંયુક્ત સંવેદના અને રોજબરોજનો પારિવારિક સહચાર જો બહુ ન બદલાય તો મઝાની વાત છે. પણ સહુ માટે આ મઝા સાવ સુગમ તો નથી. સંતાનો હયાત હોય ત્યારે કે હયાત ન હોય ત્યારે એકલી પડી જતી માતા આ જગતની કરૂણામૂર્તિ હોવા છતાં કરૂણમૂર્તિ બની જાય છે. એકલી પડી જતી મા પાસે પ્રશ્નાર્થ કે ફરિયાદ નથી હોતા. એની પાસે સ્મરણોનું એક લાંબુ ઘટાટોપ જંગલ હોય છે. સવારે જાગે ત્યારથી મોડી રાતે જંપી જાય ત્યાં સુધી એ જંગલ એના મનમાં લહેરાતું રહે છે. એ એની પસંદગીનો છેલ્લો આધાર હોય છે. સ્મૃતિઓ ગમે તેટલી ઝાંખી થાય તોય સંતાનો અલપઝલપ આંખમાં તરતાં રહે છે. બધી જ માતાનો સ્વભાવ અને વાત્સલ્ય કંઈ જીવનાન્ત સુધી જળવાય એ જરૂરી નથી.
ઉંમરની ધૂળ માત્ર દિમાગને જ નહિ, દિલને પણ ચડે છે. સાજા-નરવા જ આયુષ્ય વીતી જાય તો વાંધો નથી પણ વડીલોનો સ્વભાવ બદલાઈ જાય પછીય એમના શ્રીચરણમાં શિશુકાળે હતી તેવી જ પ્રીતિ રાખવી તે મહાપુરુષોનું કામ છે. એનાથી માને હૈયે જે ટાઢક વળે એ અખિલ બ્રહ્માણ્ડની જાતરાથીય વિશેષ છે. એ મોકો મળે તો લેવા જેવો છે. કારણ કે આપણે ગમે તેટલા જુદા થઈએ, જન્મવેળાએ માતાના શરીરમાંથી ગર્ભનાળ તૂટે પછી પણ એમની જે હૃદયનાળ આપણી સાથે જોડાયેલી હોય તે તો કાળની સર્વ થપાટો પછી પણ અતૂટ રહી હોય છે.




