Tantri Lekh

ઉત્તરાખંડમાં અમૃત કૃષિ

By GS Team
23 Jul 20264 mins read
TukuTouch Logo
જાપાનની સોમિત્સુ હિતોમો કંપની ઉત્તરાખંડના પહાડોની તળેટીમાં કરોડોના ખર્ચે અમૃત કૃષિ કરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિકોને રોજગારી મળશે અને સ્થળાંતરિત ખેતમજૂરોને વતન પાછા ફરવાની તક મળશે. ઓર્ગેનિક ખેતી માટે અનુકૂળ જળવાયુ અને પ્રદૂષણમુક્ત વાતાવરણ જાપાન માટે સોનાની ખાણ સમાન છે. આ પ્રવૃત્તિને મોદી સરકારનું સમર્થન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાખંડમાં અમૃત કૃષિ

ભારતમાં દરેક રાજ્યમાં પડતર જમીનના વિશાળ ભૂમિખંડ એમ ને એમ વરસોથી પડયા છે. જેમાંની કેટલીક જમીન પ્રાકૃતિક રીતે જ સ્વયં સમૃદ્ધ થતી આવી છે ને છતાં એની કોઈને પડી નથી તથા અન્ય કેટલીક જમીન સાવ બંજર રહી ગઈ છે, કારણ કે પાણી અને ભેજના અભાવે જમીનની અંદરની સૂક્ષ્મ જીવસૃષ્ટિ ત્યાં નિષ્ક્રિય છે. આજકાલ ઉત્તરાખંડના પહાડોની તળેટીમાં આવેલી જમીન પર જાપાનની નજર પડી છે. જાપાનિઝ કંપની સોમિત્સુ હિતોમો જે દુનિયામાં ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે એક જાણીતું નામ છે એણે ઉત્તરાખંડમાં અમૃત કૃષિ એટલે કે મરાઠી વિદ્વાન સ્વ. દીપક સચદેની પદ્ધતિ પ્રમાણે વિશાળ ફલક પર ખેતી કરવાનો સંકલ્પ કર્યો છે. આ માટે સોમિત્સુ કંપની કરોડો રૂપિયાનું ફંડ ફાળવી રહી છે. જાપાનમાં વસ્તીના પ્રમાણમાં કૃષિ જમીન ઓછી છે. એટલે પારકી તાવડીએ પોતાની ચાનકી ચડાવ્યા સિવાય એને છૂટકો નથી.
વળી, જાપાનની આહાર સભાનતા અત્યારે દુનિયામાં પહેલા ક્રમે છે. આરોગ્ય સભાનતા બધા દેશોમાં વધી છે, પરંતુ આહાર પરંપરા એની એ જ જળવાઈ રહેતી હોય છે. ખાસ તો ભારત જેવા દેશમાં કે જ્યાં કોરોનાની વિદાયના વાજા વાગ્યા કે તરત જ પાણીપુરીની લારી પર એના એ જ ટોળાં દેખાવા લાગ્યા. આરોગ્યનું મૂળ આહાર છે. જાપાન આહાર અંગે સભાન છે અને ભારત આરોગ્ય અંગે. બન્ને દેશોની પ્રજાના જીવનાત્મક અભિગમમાં ઘણો તફાવત છે. ઉત્તરાખંડમાં હજારો એકર જમીન જે ખરેખર ખેતીની જમીન હતી તે હવે પડતર છે, એનું કારણ એ છે કે આ જમીનોના માલિકો સ્થળાંતરિત થઈ ગયા છે.
જાપાનિઝ કંપની ઉત્તરાખંડના પહાડોની તળેટીમાં ખેતી કરવા આવશે એટલે અહીંના સ્થાનિક ખેતમજૂરોને કામ મળશે. અત્યારે સ્થાનિક પ્રજા મનરેગા જેવા પ્રોજેક્ટમાં સરકારી કામની સહાય મેળવે છે ઉપરાંત એટલું જ કામ એમને આજુબાજુના વિસ્તારમાંથી મળી રહે છે. વતન છોડી ગયેલા ખેતમજૂરોને પણ પાછા આવવાની તક મળશે. અહીંની જળવાયુ સ્થિતિ બહુ જ સારી છે જે જૈવિક કૃષિ માટે ઉપકારક સંયોગ છે. અહીં ઉદ્યોગો નહિવત્ છે એને કારણે પ્રદૂષણ નથી. પ્રકૃતિ સ્વયમેવ સોળેય કળાએ ખિલેલી હોય ત્યાં પ્રાકૃતિક કૃષિ આસાન તો રહે છે, પણ એની ફલશ્રુતિ અપ્રતિમ હોય છે. કંપની સોમિત્સુ અહીંની પંચાયતો પાસેથી લિઝ પર જમીન લેશે અને એ માટેના ચૂકવવાનાં થતાં નાણાં ગામના લોકોને આપશે.
એટલે કે જે ગામતળની પડતર જમીન જાપાનિઝ કંપની લિઝ પર લેશે એ ગામના નાગરિકોને ઘર દીઠ ચોક્કસ રકમ દર વરસે મળશે ઉપરાંત રોજગારી પણ મળશે. કંપનીને ઓર્ગેનિક ખેતી માટે હાલ જેટલી જમીન જોઈએ છે એ પર્યાપ્ત માત્રામાં અહીં એક સાથે ઉપલબ્ધ છે. જાપાન માટે ઉત્તરાખંડ સોનાની પાટ છે. આ પ્રોજેક્ટમાં સરકારની ભાગીદારી કેટલી અને કઈ રીતે હશે તેની સ્પષ્ટતા આવનારા દિવસોમાં થશે. ભારતીય વાણિજય મંત્રાલય, કૃષિ મંત્રાલય અને વિદેશ વિભાગ વચ્ચે અત્યારે જાપાનિઝ દરખાસ્ત આખરી વહીવટી તબક્કામાં છે. ભાજપ સરકાર આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, કારણ કે દેશમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું એ મોદી સરકારનો ટોચનો અગ્રતાક્રમ છે.
દેશમાં ફાર્મર્સ પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ) યોજના પણ મૂળભૂત રીતે તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે હતી, પરંતુ પછીથી સરકારે ઓર્ગેનિક કૃષિનું ફરજિયાતપણુ રાખ્યુ નથી જેથી પહેલાં તો બધા કિસાનો પોતાના ઉત્પાદનોની જાતે મૂલ્યવૃદ્ધિ કેમ કરવી એ સામુદાયિક રીતે શીખે અને પોતે જ જેના ઉત્પાદક છે એ માલની પ્રોસેસ કરી વેપારી બનતા પણ શીખે. આમાં કેન્દ્ર સરકારનો હેતુ ઉમદા છે એને કારણે ઝડપથી દેશમાં નવા નવા એફપીઓ આકાર લેવા લાગ્યા છે. જોકે ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં એફપીઓની સંખ્યા વધુ છે અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે મરાઠાઓને શરદ પવાર જેવો કૃષિપ્રિય નેતા વરસોથી મળેલા છે. ગુજરાતમાં પટેલ અટક ધરાવતા અને ધરાવતી નેતાગીરીનો તો દાયકાઓથી રાફડો ફાટયો છે, પણ રાજ્યના કૃષિ વિકાસનું મૌલિક વિઝન કોઈ પાસે નથી. બધા પાસે ખેડૂતોને ભિખારી બનાવવાની યોજનાઓ સિવાય કંઈ નથી.
ઉત્તરાખંડના તળેટી પ્રદેશોના જમીન માલિકો કે જેઓ રોજગારી માટે વતન છોડી ગયા છે તેમાંના મહત્ તો હાલ દિલ્હી, નોએડા અને દહેરાદૂનમાં સ્થાયી થઈ ગયા છે. તેમનો સંપર્ક કરીને તેઓની માલિકીની જમીન પણ લિઝ પર લેવા માટેની કન્વિન્સિંગ પ્રક્રિયા હાથ ધરવાનું ને એને પાર પાડવાનું કામ જાપાનિઝ કંપનીને થોડું અઘરું પડશે. એ સિવાય આ પ્રોજેક્ટ ઉત્તરાખંડને વિકાસની ઘોડદોડમાં વધુ ને વધુ આગળ લઈ જશે એ નક્કી છે.