ભારતનો ફૂટબોલ લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આખી દુનિયા પર હાલમાં ફૂટબોલ વર્લ્ડ કપનો નશો છવાયેલો છે. વિશ્વના દિગ્ગજ સુપરસ્ટાર્સ પોતપોતાના દેશોને ફૂટબોલમાં મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવા માટે લોહી-પાણી એક કરી રહ્યા છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહેેલા આ વર્લ્ડ કપમાં માંડ દોઢ લાખની વસતી ધરાવતા કુુરાસાઓ, સાડા પાંચ લાખની જનસંખ્યા ધરાવતા કાબો વેર્ડે જેવા દેશોની ટીમોએ કમાલનો દેખાવ કરીને પોતાના દેશનું નામ ગાજતું કરી દીધું છે. રાજકીય અસ્થિરતા અને અરાજકતાની વચ્ચે હૈતીની ટીમે પણ વર્લ્ડ કપમાં ભાગ લઈને ઈતિહાસ આલેેખી દીધો. આ વખતે વિશ્વની ૪૮ ટીમોએ ફૂટબોલના વર્લ્ડ કપમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું. સ્વાભાવિક સવાલ ઉઠી રહ્યો છે કે, વર્લ્ડ કપમાં ૪૮ ટીમમાં પણ ભારતનો ક્યાંય પત્તો કેમ નથી?
જોકે, હકીકત એ છે કે, ભારતની પુરુષ ફૂટબોલ ટીમના કથળેલા સ્તરની અને આઈસીયુમાં દાખલ કરવાના આરે પહોંચેલા ભારતના ઘરઆંગણાના ફૂટબોલની પરવા નાગરિકો તો છોડો, રમત ચાહકોએ પણ કરી નથી. ફૂટબોલનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા ફિફાના સત્તાવાર રેન્કિંગમાં કુલ ૨૧૧ દેશો છે અને તેમાં ભારતની પુરુષ ફૂટબોલ ટીમનો ક્રમ છેક ૧૩૭મો છે, જ્યારે એશિયામાં ભારતને ૨૬મો ક્રમ આપવામાં આવ્યો છે. ભારતીય ફૂટબોલની કરૂણતા એ છે કે, આપણે વિશ્વના ટોચના ૧૦૦ દેશોમાં રહેવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક જમાનામાં ભારતની પુરુષ ફૂટબોલ ટીમ ઓલિમ્પિકમાં પણ રમી ચૂકી છે,એશિયન ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક જીતી ચૂકી છે. એક સમયે ફિફાના રેન્કિંગમાં ભારત ૯૪માં સ્થાને પહોંચ્યું હતુ, અને તે જ આજ દિન સુધીનો ભારતનો ફિફાના રેેન્કિંગનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે.
હજુ થોડા સમય પહેલા જ ભારતીય ફૂટબોલની ઓળખ સમાન દિગ્ગજ ફૂટબોલર સુનિલ છેેત્રીએ નિવૃત્તિ લઈ લીધી. આ પછી ભારતીય ફૂટબોલમાં ઓળખ શૂન્યતાની સ્થિતિ સર્જાઈ છે. સુનિલ છેત્રીએ કારકિર્દીમાં ૯૫ ગોલ ફટકારીને વિશ્વ ફૂટબોલમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. એક સમયના સુપરસ્ટાર બાઈચૂંગ ભૂટિયાએ નિવૃત્તિ લીધી ત્યાર બાદ સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલની ધૂરા સંભાળી લીધી હતી. જોકે ત્યાર બાદ કોઈ સુપરસ્ટારને તૈયાર કરવામાં ભારતીય ફૂટબોલ ઉણું ઉતર્યું છે. હાલ તો પરિસ્થિતિ એવી છે કે, ભારતીય રમત જગતના ચાહકોને આસાનીથી ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ તો શું અફઘાનિસ્તાનના પાંચથી દસ ખેલાડીઓનાં નામ યાદ છે, પણ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન તરીકે ગોલકીપર ગુરપ્રીત સિંઘ સંધુ છે, તેની જાણ નથી. હવે જ્યારે દેશને ફૂટબોલ ટીમના કેપ્ટનનું કે અન્ય ખેલાડીઓનું નામ યાદ કરવા માટે ગૂગલની મદદ લેવી પડે તેવી સ્થિતિ હોય ત્યારે ફૂટબોલ ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાય ન થાય તેમાં નવાઈ શું?
ભારતની ઘરઆંગણાની ટોચની ફૂટબોલ લીગ અત્યંત ગંભીર આર્થિક અને વહિવટી સંકટમાંથી પસાર થઈ રહી છે. સુનિલ છેત્રી, ગુરપ્રીત સંધુ, ઝિંગન સહિતના ખેલાડીઓએ સોશિયલ મીડિયામાં ભારતીય ફૂટબોલને બચાવી લેવા અપીલ કરી છે. જોકે, હજુ ભારતના ઘરઆંગણાની પ્રોફેશનલ લીગ પરનું સંકટ દૂર થયું નથી અને આ જ સૌથી મોટી ચિંતાનું કારણ છે. જ્યાં સુધી ઘરઆંગણાની લીગ સધ્ધર અને આર્થિક રીતે સક્ષમ નહીં હોય, ત્યાં સુધી યુવા પ્રતિભાઓને ફૂટબોલ તરફ આકર્ષવી મુશ્કેલ છેે. આઈપીએલમાં સાવ નવા-સવા ખેલાડીઓને કરોડો રુપિયા મળતાં જોઈને મોટાભાગનાં બાળકોથી લઈને યુવાનો ક્રિકેટ તરફ વળી જાય તે સ્વાભાવિક છે. જ્યારે ફૂટબોલમાં નામ અને દામ માટેનો સંઘર્ષ એવો છે કે, ઘણા ફૂટબોલર પિતાઓ તેમનાં બાળકોને ફૂટબોલના મેદાનમાં ઉતારવાનું ટાળે છેે.
આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનમાં એશિયન ગેમ્સ યોજાવાની છે. જોકે ભારતીય ફૂટબોલ ટીમ તેમાં ભાગ લેવાની નથી. તેનું કારણ એ છે કે, ખેલ મંત્રાલયેે નિયમ બનાવ્યો છે કે, જો ભારતીય ફૂટબોલ ટીમ એશિયામાં ટોચનાં આઠ સ્થાનમાં હોય તો જ તેને એશિયન ગેમ્સમાં ભાગ લેવા મોકલવામાં આવશે. એક દ્રષ્ટિકોણથી ઉચ્ચ માપદંડો જરૂરી છે, પણ તેની સાથે ભારતીય ફૂટબોલની હાલત પર પણ નજર નાંખવી જોઈએ. ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ કંઈ પોતાની રીતે તો એશિયામાં ટોપ એઈટમાં સ્થાન મેળવી નહીં લે! સરકાર અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને હાથ મિલાવીને રોડમેપ બનાવવાની જરૂર છે. ગ્રાસરુટ પરથી ખેલાડીઓને તૈયાર કરવાની સાથે ભારતીય ટીમના ખેલાડીઓને પુરતાં નાણા અને સુવિધાઓની સાથે મજબુત દેશો સાથે મેચ રમવાની તક મળે તેવી વ્યવસ્થા કરવાની છે.









