મણિપુરની અધૂરી શાંતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુરમાં સરકાર નિષ્ક્રિય છે એમ ન કહેવાય પણ એના પ્રયત્નોનું કોઈ પરિણામ પ્રજાને દેખાતું નથી. મણિપુરની આ વખતની નવી હિંસા રાખ નીચેના અંગારાઓમાંથી પુનઃ પ્રજ્વલિત થયેલી હિંસા છે. રાજ્ય પોલીસ ઐને કાબૂ કરી શકે એમ નથી, એટલે ત્યાં સૈન્યની કુમક મોકલવામાં આવી છે. અગાઉ જ્યારે મણિપુર ભડકે બળતું હતું, ત્યારે તેમાંથી દસ હજાર લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા પડયા હતા. નાના રાજ્ય માટે આ મોટી સંખ્યા છે. ત્યારે હજારો ઘવાયા હતા અને સેકડો માર્યા ગયા હતા. સરકારે દેખો ત્યાં ઠારનો હુકમ કરવો પડયો હતો. એના પછી લગભગ દસ દિવસ પરિસ્થિતિ શાંત રહી હતી તો પણ જનજીવન રાબેતા મુજબનું થયું ન હતું. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના સરકારના દાવા છતાં, આતંકવાદી જૂથોની વધતી જતી પ્રવૃત્તિ આગમાં ઘી ઉમેરવાનું કામ કરી રહી છે.
હમણાં ઉખરુલ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આસામ રાઇફલ્સના બે સૈનિકોની શહાદતથી ફરી એકવાર સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે. જો સુરક્ષા દળો પોતે સુરક્ષિત નથી, તો સામાન્ય લોકો પોતાની સુરક્ષા માટે કોના પર વિશ્વાસ કરી શકે? પ્રશ્ન એ છે કે, જો કેન્દ્ર અને રાજ્ય સરકારો અને બળવાખોર જૂથો વચ્ચે શાંતિ કરાર હોવા છતાં, આતંકવાદી સંગઠનો હિંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તો કારણો શોધવા માટે કોણ જવાબદાર છે? શું ફક્ત વધારાના સુરક્ષા દળો તૈનાત કરીને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થશે? સ્પષ્ટપણે, આ માટે સમસ્યાના મૂળમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને ઉકેલો શોધવાની જરૂર છે. સન ૨૦૨૩ માં મણિપુરમાં મેઇતેઈ અને કુકી જૂથો વચ્ચે થયેલા વંશીય સંઘર્ષમાં અઢીસોથી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા.
ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. સરકાર ફરી સત્તામાં આવી ત્યારથી, હિંસામાં નવી ગતિ આવી છે. રાજ્યમાં સાંપ્રદાયિક અથડામણો, આતંકવાદી હુમલાઓ અને વિરોધ પ્રદર્શનોના અહેવાલો સામાન્ય છે. ગયા રવિવારે સાંજે, કાંગપોકપી જિલ્લાના થિંગખોંગજાંગમાં એક ગામ પર એક સશસ્ત્ર જૂથે હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આવી ઘટનાઓ રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દને ચોક્કસપણે ખલેલ પહોંચાડી રહી છે, પરંતુ પ્રશ્ન એ રહે છે કે સરકારની નીતિઓ સુરક્ષા અને શાંતિ જાળવવામાં કેમ બિનઅસરકારક સાબિત થઈ રહી છે. હિંસક ઘટનાઓના પીડિતોને ઝડપથી ન્યાય અપાવવા અને વંશીય મતભેદોનો કાયમી ઉકેલ શોધવામાં સરકાર તરફથી ગંભીરતાનો અભાવ કેમ છે? સ્થાનિક લોકોને વિશ્વાસમાં ન લેવામાં આવે ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ આવી શકશે નહીં.
કારણ કે ચારે બાજુ દહેશતનો માહોલ હતો, જે હજુ પણ છે. આ વખતે જે ફરી વખત હિંસા ભડકી એની પાછળનું કારણ એ છે કે મૈતેઈ સમુદાયના લોકોની દુકાનો અન્ય જનજાતિના લોકો બંધ કરાવતા હતા. એને કારણે વેપાર ધંધાના સ્થળ પર જ અથડામણો શરૂ થઈ ગઈ હતી, જે જોતજોતામાં નવેસરથી આખા મણિપુરમાં ફેલાઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં મણિપુરમાં અનેક મકાનોને ફરીવાર આગ ચાંપવામાં આવી છે. તોફાનીઓના ટોળા ઇમ્ફાલની શેરીઓમાં ભૂતાવળની જેમ ફરી રહ્યા છે. કેન્દ્રના ગૃહપ્રધાનનું હવે મણિપુર તરફ ધ્યાન ગયું છે, એટલે પરિસ્થિતિ પર તબક્કાવાર અંકુશ આવવાની સંભાવના છે. આમ તો પૂર્વ ભારતના સાતેય રાજ્યોમાં ભાજપે જેટલું ધ્યાન આપ્યું છે એવું ખુદ વાજપેયીની કે જનતા પક્ષની અપવાદરૂપ સરકારો પણ અગાઉ ધ્યાન આપી શકી ન હતી.
પૂર્વોત્તરની સેવન સિસ્ટર્સ મોદીને મા જણી બહેન જેટલી વહાલી છે. મણિપુરમાં અત્યારે ભાજપની સરકાર છે. રાજ્યના એક જમાનાના લોકપ્રિય ફૂટબોલ ખેલાડી અને પછીથી વરિષ્ઠ પત્રકાર એવા મિસ્ટર બિરેન સિંહ મુખ્યમંત્રી છે પરંતુ સંયોગો જ એમને ફૂટબોલના દડાની જેમ આમ થી તેમ ફંગોળી રહ્યા છે. મણિપુરની આ સમસ્યાની ખરેખર શરૂઆત ત્યારથી થઈ જ્યારે મણિપુર હાઇકોર્ટે રાજ્ય સરકારને એક વિશિષ્ટ પ્રકારની સૂચના આપી. અદાલત ધારે તો હુકમ પણ કરી શકતી હતી, પરંતુ સંવેદનશીલ મામલો હોવાને કારણે અને સંબંધિત નિર્ણય બંધારણ પ્રમાણે ચૂંટાયેલી પાંખ દ્વારા લેવાય તો વધુ યોગ્ય ઠરે અને ચિરંજીવી નીવડે એમ માનીને કદાચ મણિપુર હાઇકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે તે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની દસ વર્ષ જૂની ડિમાન્ડ પર ફરીવાર વિચાર કરે.









