સિંહની જન તરાપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં સિંહના વન વિચરણ અને નગરચર્યાઓ પર વન ખાતાનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતના કોઈ પણ જિલ્લાને બાકી ન રાખવાની ગીરના એશિયાઈ સિંહકુળની સંકલ્પના લાગે છે. હવે સિંહ તો છેક રાજકોટની સીમમાં પ્રવેશ્યા છે. ગીર નેશનલ પાર્કે અને ગીર અભયારણ્યની સીમાઓનું ઉલ્લંઘન કરવું એ સિંહ પરિવાર માટે હવે તો સામાન્ય છે. સિંહને સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા ચાહે છે. પરંતુ હવે સિંહનો સ્વચ્છંદી વિહાર એટલો વધી ગયો છે કે ગ્રામ વિસ્તારોમાં રાતે ફફડાટનો માહોલ છે. છેલ્લા એક મહિનામાં દસથી વધુ ઘટનાઓમાં વિવિધ નિર્દોષ નાગરિકોએ જિંદગી ગુમાવી છે. ગીરની મચ્છુન્દ્રી અને ગીર કાંઠાની શેત્રુંજી નદી છોડીને છેક આજી નદીના પટમાં પણ સિંહ પરિવાર જોવા મળે છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં તો સિંહના પગલાથી વંચિત હોય એવી તો ભાગ્યે જ કોઈ ભોમકા હશે. રાજ્ય સરકારના વન ખાતાના અધિકારીઓ સિંહના મહેસૂલી વિસ્તારોમાં થતા રહેતા સંક્રમણ અંગે સતત આંખ આડા કાન કરે છે.
સરકારે પણ સિંહના ભૌગોલિક ફેલાવા તરફ ગંભીરતાથી ધ્યાન આપ્યું નથી. કે નથી અભયારણ્યનો વિસ્તાર વધાર્યો. એનું પરિણામ એ આવ્યું છે કે માનવ જિંદગીઓ પણ હવે સિંહના પંજા તળે કચડાવા લાગી છે. પોતાના બચ્ચાંઓને નર સિંહથી બચાવવા માટે સિંહણ દૂર દૂર નીકળી જાય છે. અગાઉ ગીરના જંગલમાં નદી કાંઠે અનેક ભેખડો હતી. ઉપરાંત દુર્ગમ પ્રદેશો હતા. ઘટાટોપ વનરાજિમાં સિંહણ આસાનીથી પોતાના બચ્ચાંઓને છુપાવી શકતી હતી. હવે કદાચ સિંહણને ગીર વિસ્તારમાં પોતાના બચ્ચાઓને ઉછેરવામાં જોખમ લાગે છે. એશિયાઈ સિંહને, બચ્ચાઓને જન્મ આપ્યા પછી સિંહણ ખૂબ ધિક્કારે છે. કારણ કે સિંહ કદી આગંતુક નવા નર બચ્ચાંઓને મોટા થવા દેતા નથી. તેઓ હૂમલો કરીને કે સિંહણનું ધ્યાન ન હોય ત્યારે નર બચ્ચાઓને મોતને ઘાટ ઉતારી દે છે. એશિયાઈ સિંહ નર બચ્ચાંઓને પોતાના સામ્રાજ્ય સામેનો પડકાર માને છે.
આફ્રિકન સિંહ એક સામાજિક વનરાજ છે. આફ્રિકન સિંહ એના પરિવાર સાથે જ જોવા મળે છે. માદા એને સદાય સ્વીકારે છે. આફ્રિકન સિંહનું મુખ્ય કામ માદા અને બચ્ચાઓ માટે પોતાની ભૌગોલિક સીમાનું રક્ષણ કરવાનું છે. માદા શિકારની જવાબદારી નિભાવે છે અને એની કુશળતા પણ વધારે હોય છે. ગીરના જંગલમાં એકલવાયા રખડતા-ભટકતા નર સિંહની સંખ્યા પણ નાનીસૂની નથી. સિંહણ બચ્ચાઓની સંભાળ રાખવા માટે સિંહનો લગભગ ત્યાગ જ કરી દે છે. આવા ત્યજાયેલા સિંહ પણ દૂર દૂરના પ્રવાસે નીકળતા જોવા મળે છે. ગીરના જંગલમાં સિંહ માટે અન્ય શાકાહારી વન્ય પ્રાણીઓ ઓછા નથી. એને પૂરતો ખોરાક મળી રહે એમ છે. કેટલાક લોકો એમ કહે છે કે સિંહને ગીર પંથકમાં પૂરતો ખોરાક મળતો નથી એ વાત ખોટી છે. કારણ કે ગીરના સંખ્યાબંધ કાંઠાળ ગામડાઓમાં સિંહ નિયમિત રીતે પશુપાલકોના ફળિયામાં જવા દીવાલ-વંડી ઠેકીને આડેધડ શિકાર કરે છે.
સરકારે વરસો પહેલા માલધારીઓને અંતરિયાળ ગીરની બહાર હાંકી મૂક્યા એ તે વખતના વન અધિકારીઓની ગંભીર ભૂલ હતી. આજે ગીર કાંઠાના ગામોમાંથી અને ગીરમાંથી પણ સિંહને પૂરતો ખોરાક મળે છે. હવે વર્ષાકાળ ચાલે છે. સિંહનું રાત્રિભ્રમણ ચાલુ થશે. એ વખતે મહેસૂલી વિસ્તારોમાં સૌથી વધુ પ્રમાણમાં સિંહ જોવા મળશે. જૂનાગઢ-અમરેલી-ગીર-સોમનાથ તો એશિયાઈ સિંહનો સત્તાવાર વતન વિસ્તાર છે. આજકાલ દીપડાઓ પણ મહેસૂલી વિસ્તારોમાં રખડે છે. સિંહની વસ્તી ગણતરી જે છેલ્લે થઈ એ સાવ અંદાજિત હતી. ગીર વિસ્તારની તુલનામાં બહાર અધિક વસ્તી હોવાની સંભાવના છે. સરકારે એશિયાઈ સિંહના અભિવર્તનોમાં આવેલા પરિવર્તનોનો ઉચ્ચ કક્ષાના પ્રાણી વૈજ્ઞાાનિકો પાસે અભ્યાસ કરાવવો જોઈએ. એશિયાઈ સિંહને મનુષ્ય દર્શન ગમે છે. સિંહ માનવ સમુદાયને જોઇને પોતાનામાં શાલીનતા અને ગૌરવનો અનુભવ કરે છે. એ અર્થમાં એશિયાઈ સિંહ માનવ-શત્રુ નથી.
ઉપરાંત એની શિકાર કરવાની પદ્ધતિમાં પણ તે નાદુરસ્ત પ્રાણીની ગંધ પારખે છે. તે એટલી હદ સુધી કે રૂબરૂ નજીકથી સિંહ દર્શન કરવા જનારામાં જો કોઈનામાં માંદગી હોય તો સિંહ હૂમલો કરી બેસે છે. સિંહના મહેસૂલી વિસ્તારોમાંના આંટાફેરા અટકાવવા સરકારે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે. બેથી ત્રણથી ચાર સિંહ અત્યારે માનવ ભક્ષી હોવાની દહેશત છે અને તે મહેસૂલી વિસ્તારોમાં રખડે છે.









