આઠ દાયકાની અજાયબી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને આઝાદી મળી પછી રાષ્ટ્રીયતાના જે સંસ્કાર આપણા હૃદયમાં મજબૂત થવા જોઈએ તે હજુ થયા નથી. આજે આઝાદીના એંસીમા વરસમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આપણી રાષ્ટ્રીયતા માત્ર ભાષામાં, ભાષણોમાં અને બહુ બહુ તો ઓટલે બેઠા થતી ચર્ચાઓમાં રઝળતી જોવા મળે છે. એ હજુ આપણા પોતાનામાં સાષ્ટાંગ અવતરી નથી. રસ્તા પર આડેધડ વાહન ચલાવવાથી શરૂ કરીને આપણી વ્યક્તિગત જાહેર જીવનની ટેવો-કુટેવો સતત એક-બીજાની નજરમાં ચડે છે, પરંતુ જેઓ ભૂલો કરનારા છે તેઓ અને જે દ્રષ્ટા છે તેઓ બંનેમાં એક જ સરખા લક્ષણો છે, એટલે કોણ કોને શું કહે? સંતાનોને મેડિકલમાં એડમિશન મળે એ માટેની ટકાવારી વધારવા આપણા દેશના નાગરિકો શું પ્રવૃત્તિઓ કરે છે તેનો ઇતિહાસ બિહાર અને મધ્ય પ્રદેશના પરીક્ષા કેન્દ્રોની બહારની દીવાલે લખાયેલો છે. સંસ્કારિતામાં આવડાં મોટાં ગાબડાં હોય એવો ભારતીય સમાજ વિકાસના નામે આગળ તો વધી રહ્યો છે, પરંતુ એ ક્યાં પહોંચશે એ નક્કી નથી. ભારતીય નાગરિક જીવનનો આ સૌથી મોટો વિષાદયોગ છે.
નવી પેઢીના યુવાનો હજુ ધૂમબાઇકમાંથી નવરા થયા નથી. તેઓ રાજકીય પક્ષના કાર્યકર હોય તે સારી વાત છે પણ એ પક્ષ એમને રાજનીતિજ્ઞા બનાવવાને બદલે લુખ્ખાગીરી શીખવે તો તેઓએ ઘટનાસ્થળ છોડી દેવાની જરૂર હોય છે. તેઓ આ દેશને શું કામમાં આવશે? તેમાંના ઘણા તો અત્યારે તેમના પરિવાર માટે જ એક સંકટ છે. ભારતીય પ્રજા છેલ્લા બે દાયકાથી મનોરંજનની મહેફિલોમાં ગળાડૂબ છે. આજકાલની મંદીનું એક કારણ એ પણ છે. મનોરંજન એક નશો છે. પોકેટ થિયેટર જેવો મોબાઈલ ફોન હાથમાં આવી ગયા પછી નવી પેઢી પોતાની એક અલગ દુનિયામાં સ્વૈરવિહાર કરવા લાગી છે. દરેક વ્યક્તિ ધીરે ધીરે એક ટાપુ બની ગઈ છે. સૌને પોતાની દુનિયામાં ખોવાઈ જવું ગમે છે. આ એક વિનાશનો માર્ગ છે. એક પરિવારમાં જો ચાર-પાંચ ટાપુ હોય તો નક્કી જ છે કે એ ટાપુઓ પર સમયસમુદ્રના જળ ગમે ત્યારે ફરી વળવાના છે. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટ્રધ્વજ પહેલીવાર ધ્વજ દંડ પર જે રીતે ઊંચે આકાશે ચડયો અને એના અનુભવમાં તત્કાલીન સમાજના કરોડો ભારતીયોના હૃદય પણ જે ઉમંગથી આસમાનમાં વિહાર કરવા લાગ્યા તે પરમ મંગલ ક્ષણથી આજનો ભારતીય સમાજ ઘણો દૂર નીકળી ગયો છે.
એ જ કારણ છે કે દરેક પરિવારના પ્રશ્નો જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ વધતા જાય છે. વિદ્વાનોની એક માન્યતા છે કે કુદરત પૃથ્વી પર પહેલા સમાધાન મોકલે છે અને પછી સમસ્યા મોકલે છે. એ જ તો કારણ છે કે આ બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જીવ સૃષ્ટિ અને તેની સર્વશ્રેષ્ઠ ફલશ્રુતિ રૂપે માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. પરંતુ સમસ્યા થી સમાધાન સુધી પહોંચવાનો રાજમાર્ગ બધાને સુલભ હોતો નથી કારણ કે એ યાત્રા કરવા માટેની શિસ્ત, ક્ષમતા, યોગ્યતા અને વિશ્વાસ દરેક દેશની પ્રજામાં હોતા નથી. છતાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ દુનિયાના અન્ય તમામ દેશો કરતા એક વેંત ઊંચી છે. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાજીએ એને પૂછયું હતું કે અચ્છા રાકેશ યે બતાઓ કિ વહાઁ સે હમારા હિન્દુસ્તાન કૈસા લગતા હૈ? ત્યારે રાકેશે કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાઁ હમારા…. આ વાત માત્ર આટલા શબ્દો પૂરતી સીમિત નથી. એનો ગહન અર્થ છે અને એ અર્થને સાર્થક કરવાની જવાબદારી માત્ર હિન્દુસ્તાનના નેતાઓની નથી, ભારતીય પ્રજાની પોતાની છે.
આપણે મનગમતી ફિલ્મ માટે દાયકાઓ સુધી બ્લેકમાં ટિકિટ ખરીદી છે અને હજુ આજેય દક્ષિણ ભારતમાં ખરીદીએ છીએ. બેવકૂફ અભિનેતા અને અભિનેત્રીઓ આપણા યુવક અને યુવતીઓના આદર્શ છે, રોલ મોડેલ છે. ઠોઠ લોકો પણ સ્ટાઈલિશ દેખાવા મથે છે. તેમને સારા દેખાવામાં રસ છે, સારા હોવામાં રસ નથી. આપણે એક સામાન્ય દાખલો મેળવવા માટે સરકારી કાર્યાલયમાં વધારાના પૈસા પણ આપીએ છીએ. આપણે ગમે તેટલું ભણેલા છીએ તો પણ ટ્રાફિક પોલીસની પકડમાંથી છટકવા માટે ખિસ્સામાંથી એકાદ નોટ સરકવા દઈએ છીએ. આપણે આગળ નીકળી જવા માટે ગમે ત્યારે આપણા વાહનો રોંગ સાઈડમાં કે ફૂટપાથ પર પણ ચડાવી દઈએ છીએ. બે નંબરના ભ્રષ્ટ આચરણથી ઘરમાં આવેલા નાણાં જોઈને આપણા દેશની માનવંતી ગૃહિણીઓના ચહેરા પર અજાયબ સ્મિત ફરકે છે. એ સ્મિત કૈકેયી, મંથરા કે આમ્રપાલી જેવું છે.
આ બધા જ આપણા પોતાના વિનાશના રાજમાર્ગો છે. જે આપણે પસંદ કરેલા છે. તમારી પસંદગીઓ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. પ્રજાને ખોટા રસ્તેથી પાછી વાળવી એ તો મહાપુરુષોનું અથવા સમાજમાં અત્ર તત્ર ફેલાયેલા અનામી સત્પુરુષોનું કામ છે.









