અફઘાનના ટુકડાઓ નિશ્ચિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય અને દક્ષિણ અફઘાનિસ્તાન અંદરથી સળગી રહ્યું છે. તાલિબાની સત્તામાં ન્યૂઝ સેન્સરશિપ પ્રાથમિક લક્ષણ છે. એટલે દુનિયાને સરહદ સિવાયની અંદરની વાતોની ખબર જલ્દી પડતી નથી. હમણાં થયેલા નવા વિસ્ફોટોમાં અનેક નાગરિકો માર્યા ગયા છે. મૃત્યુઆંક ઊંચો ગયો છે અને ઘવાયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. આ હુમલાઓ હઝારા સમુદાય પર કરવામાં આવ્યા છે. જ્યાં હઝારા લોકો એકત્રિત થાય ત્યાં ધડાકાઓ થતા હોવાનો આ કંઈ પહેલો કિસ્સો નથી. હઝારા સમુદાયમાં મહત્ શિયા મુસ્લિમો હોય છે. અગાઉ અનેક વખત ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા હુમલાઓ પછી એ પોતે કર્યો હોવાની જાહેરાત થઈ છે. એ સિવાય અફઘાનિસ્તાનમાં પાક ઉગ્રવાદીઓ દ્વારા સતત હુમલાઓ તો થતા જ રહે છે.
અમેરિકા અખાતી યુદ્ધમાં વ્યસ્ત હોવા છતાં પણ સીઆઈએના જાસૂસો દ્વારા ગુપ્ત મંત્રણાઓ થઈ રહી છે. જો કે હજુ સુધી એની કોઈ ફલશ્રુતિ પ્રગટ થઈ નથી. કારણ કે અફઘાનિસ્તાન કે જે અમેરિકાની માલિકીનું રાષ્ટ્ર નથી તેના ટુકડા કરવા માટે અમેરિકા તાલિબાનો સાથે ચર્ચા કરે છે. આ વાટાઘાટો છેલ્લા ત્રણ - ચાર વરસથી નિષ્પરિણામ ચાલે છે. તાલિબાનો સત્તામાં ન હતા ત્યારે પણ યુએસ જાસૂસો જાણે કે અફઘાનિસ્તાન કોઈ કેક હોય એમ એને કાપવા થનગનતા હતા. અફઘાનિસ્તાન સરકારની મર્યાદા એ છે કે હવે તે એકલી પાકિસ્તાન સામે લડી શકે એમ નથી. એટલે એણે અમેરિકા પર નિર્ભર રહેવું પડે છે. આ સ્થિતિનો ઘોર ગેરલાભ લઇને અમેરિકા તાલીબાનો સાથેનું પોતાનું વેરઝેર કાયમી ધોરણે સમાપ્ત કરવા અરધા અફઘાનિસ્તાનનો ભોગ લેવા ચાહે છે. અગાઉ કાબુલમાં થયેલા હુમલાઓ પણ પાકિસ્તાનની વ્યૂહરચનાનો જ એક ભાગ છે. છતાં આંતરરાષ્ટ્રીય જાહેરાત કરવામાં આવી છે કે એ હુમલો ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કર્યો છે.
અગાઉ એક ઘટનામાં પોતાના શરીર પર વિસ્ફોટક લગાવીને જાજરમાન લગ્ન સમારંભની વચ્ચે પ્રવેશેલો અજાણ્યા શખ્સે મોટી જાનહાનિ સર્જી હતી ને પછીથી ખબર પડી કે એ હુમલાખોર હતો તો પાકિસ્તાની જ. કારણ કે પાકિસ્તાનને તો પોતાના તમામ પડોશી દેશોમાં વિનાશક પરિસ્થિતિ સર્જવાની મહત્વાકાંક્ષા છે. અફઘાનિસ્તાન સાથે માત્ર બાહ્ય સંબંધો સારા રાખીને ભીતરથી એ કટ્ટર શત્રુતા રાખે છે. અગાઉ પરવેઝ મુશર્રફે તત્કાલીન સત્તા વખતે એમ કહ્યું હતું કે જો ભારત સાથે પાકિસ્તાને લડવું હોય તો અફઘાનિસ્તાન સાથે દોસ્તીથી વર્તવું જોઈએ. પરંતુ એમની એ વાત કોઈએ કાને ધરી નથી અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી પાકિસ્તાન સરકાર આજે પણ આતંકવાદીઓને કાશ્મીર સરહદે તથા અફઘાન સરહદે નિયમિત રીતે મોકલે છે.
અફઘાનિસ્તાનના જે પ્રદેશ પર પાક પોતાનું વધારાનું વર્ચસ્વ સ્થાપવા ઈચ્છે છે એ પ્રદેશ અફઘાન સરકાર આપવા માટે તૈયાર નથી.અમેરિકા પોતે જુદા જુદા કીમિયા કરીને પાકિસ્તાનને જે સહાય કરે છે એની દસ ટકા સહાય પણ અફઘાનિસ્તાનને કરતું નથી અને છતાં પાકિસ્તાન કરતા વધુ હક એ અફઘાન પ્રજા પર જમાવે છે. આને કારણે અફઘાનિસ્તાનમાં જે પ્રજા અમેરિકી સૈન્યની વિરુદ્ધમાં હતી એ આપોઆપ તાલિબાનોની સમર્થક બની ગઈ છે અને હાલના શાસનમાં અમન માને છે. પ્રજાની મદદથી જ તાલિબાનોએ આ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.
એક માન્યતા એવી પણ છે કે આતંકવાદીઓની મદદથી પાકિસ્તાની લશ્કર બધા જ હુમલાઓને અંજામ આપે છે. આ પ્રકારના હુમલાઓ આમ તો તાલિબાન સરકારના પતનના ભણકારા છે. ભારતે અફઘાનિસ્તાનને અનેક રીતે મદદ કરી છે. અફઘાન સરકાર જેમાં બેસે છે એ સંસદ ભવન પણ ભારતે જ બાંધી આપેલું છે. અફઘાનિસ્તાનને ભારતે લડાયક હેલિકોપ્ટરો સહિતના શસ્ત્રો પણ આપ્યા છે. અફઘાન સૈન્યને અનેકવાર તાલીમ પણ આપી છે. પરંતુ અફઘાન સરકાર હજુ પોતાના પગ પર ઊભી થઈ શકી નથી. અફઘાન સરકાર અને સૈન્ય બન્ને અંદરથી ખખડી ગયા હોય એવી સ્થિતિ છે.
તાલિબાનને ચીની જાસૂસો પણ મદદ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં વળી રશિયા તો પોતાના પુરાણા પ્રભુત્વના સ્મરણમાં હજુ પણ નજર રાખીને જ બેઠું છે. તાલિબાનો સત્તામાં છે પરંતુ હવે તેઓ પોતાને અફઘાની રાષ્ટ્રવાદી યોદ્ધાઓ તરીકે ઓળખાવે છે. દેશના અંદરથી તો ભાગલા પડી જ ગયા છે. માત્ર નકશાઓ જાહેર કરવાના અને સર્વસ્વીકૃત કરવાના બાકી છે.









