VIDEO| સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં 'લાડુ સ્પર્ધા', 30 મિનિટમાં 28 લાડુ આરોગીને વિંછીયાના બળવંતભાઈ બન્યા પ્રથમ વિજેતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tarnetar Fair Laddoo Eating Competition: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત 'લાડુ સ્પર્ધા' યોજાઈ હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
'લાડુ સ્પર્ધા'માં 28 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
'લાડુ સ્પર્ધા' સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયજૂથ ધરાવતા 28 જેટલાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિયમ અનુસાર, તમામ સ્પર્ધકોએ 30 મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધાની શરૂઆત થતાં જ તમામ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું.

પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલાં લાડુ આરોગીને વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાને આવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો જ્યારે 22, 24 અને 26 લાડુ સુધી પહોંચ્યા, ત્યારે ઉપસ્થિત દર્શકોએ પણ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
બળવંતભાઈ રાઘવાણીએ 28 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ મેળવ્યો
સ્પર્ધાની આખરી મિનિટમાં તો વાતાવરણ ખૂબ જ ઉત્સુકતાપૂર્ણ બની ગયું હતું. ગત વર્ષે પણ વિજેતા થયેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ નિર્ધારિત 30 મિનિટ પૂરી થતાં સુધીમાં 28 લાડુ ખાધા હતા. આ સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી, બળવંતભાઈને રૂ. 2000નો રોકડ પુરસ્કાર આપીને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.




