સુરેન્દ્રનગર: સાયલાના ઢીંકવાડી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત, તરવૈયાઓએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીંકવાડી ગામના તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિત્રો સાથે તળાવમાં નહાવા ઉતરેલા બંને યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ અંગે સ્થાનિક તરવૈયાઓએ ભારે જહમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મિત્રો સાથે તળાવમાં નહાવા પડ્યા હતા
મળતી માહિતી અનુસાર, ગત 28મી સપ્ટેમ્બરના રોજ સવારે આસપાસ ત્રણ મિત્રો ઢીંકવાડી ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. જે પૈકી કરાડી ગામના 24 વર્ષીય પ્રતાપ ખાચર અને ઢીંકવાડી ગામના 20 વર્ષીય મહેલ જાતવડા નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં બંને અચાનક ડૂબવા લાગ્યા હતા. ઘટના સમયે કિનારે હાજર ત્રીજા યુવકે બંને મિત્રોને ડૂબતા જોઈ તાત્કાલિક પરિવારજનો અને આસપાસના ગ્રામજનોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઉતરીને શોધખોળ આદરી હતી અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ હૃદયદ્રાવક ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં બંને યુવકોના પરિવારે કોઈ શંકા ન હોવાનું અને અકસ્માતે મોત થયું હોવાનું નિવેદન નોંધાવી પોસ્ટમોર્ટમ નહીં કરાવવાની રજૂઆત કરી હતી.




