Surat

સુરતના સરથાણામાં રહેણાંક વિસ્તારનું ‘કોમર્શિયલકરણ’ સામે મહિલાઓનો મોરચો : વિશાળ રેલી બાદ ઝોન કચેરીએ રામધુન બોલાવી વિરોધ

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતના સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારોમાં વધતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. સંત દેવીદાસ સોસાયટીના રહીશો, ખાસ કરીને મહિલાઓએ, આજે ઝોન કચેરી સુધી વિશાળ રેલી કાઢી. વારંવારની રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં, મહિલાઓએ રામધુન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો. આ મુદ્દે તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના સરથાણામાં રહેણાંક વિસ્તારનું ‘કોમર્શિયલકરણ’ સામે મહિલાઓનો મોરચો : વિશાળ રેલી બાદ ઝોન કચેરીએ રામધુન બોલાવી વિરોધ

Surat News : સુરત શહેરના છેવાડે આવેલા સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિ અને ઔદ્યોગિક એકમો સામે સ્થાનિક રહેવાસીઓનો રોષ હવે રસ્તા પર જોવા મળ્યો છે. સંત દેવીદાસ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતાં કોમર્શિયલ એકમો સામે આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી. રેલી સરથાણા ઝોન કચેરી ખાતે પહોંચ્યા બાદ મહિલાઓએ રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો વચ્ચે રેલીને પગલે સરથાણા ઝોન વિસ્તારમાં એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું.
સરથાણા ઝોનના સંત દેવીદાસ સોસાયટી અને આસપાસના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામ ઉપરાંત કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એકમો અને ગોડાઉનો શરૂ થતાં સ્થાનિકોને અવરજવર, પ્રદૂષણ તેમજ સલામતી સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ઝોનના અધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
આજે સવારે સંત દેવીદાસ સોસાયટી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં સોસાયટીના મેઇન ગેટ પાસે એકત્ર થયા હતા. જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર હતી. રહેવાસીઓએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરતાં રેલી કાઢી સરથાણા ઝોન કચેરી ખાતે પહોંચી હતી. ઝોન કચેરી ખાતે પહોંચ્યા બાદ મહિલાઓએ એકસાથે રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓના આ અનોખા વિરોધને પગલે ઝોન કચેરી ખાતે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ રહેણાંક વિસ્તારમાં ચાલતી ઔદ્યોગિક-કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી તેમજ સમગ્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અંગે સરથાણા ઝોનના વહીવટી તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા નોટિસ આપવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં રહેવાસીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી સમગ્ર પ્રકરણથી વાકેફ કર્યા હતા. તેમ છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થતાં આજે રહેવાસીઓએ રેલી યોજી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ઓનલાઇન ગોડાઉનથી મહિલાઓની સુરક્ષા સુધીના સવાલો
સરથાણા ઝોનના સંત તુકારામ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિનું પ્રમાણ વધી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ખાસ કરીને ઑનલાઇન શોપિંગનાં ગોડાઉન સહિતના કોમર્શિયલ એકમોના કારણે રહેણાંક વિસ્તારમાં બહારના લોકોની અવરજવર વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દે પણ ચિંતા વધી છે.
સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક કોમર્શિયલ એકમોના સંચાલકો અને તેમના કારીગરો સોસાયટીના ગેટની બહાર ઊભા રહીને અશ્લીલ તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાના બનાવોને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેણાંક વિસ્તારને કોમર્શિયલ પ્રવૃત્તિના કેન્દ્રમાં ફેરવાતો અટકાવવા, નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ મહિલાઓ સહિત તમામ રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે સ્થાનિકોએ આજે ઝોન તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.