કુમકુમ પગલાં સાથે લઘુમતી વિદ્યાર્થીઓનું સ્વાગત, સુરતની સરકારી શાળામાં પ્રવેશોત્સવે આપ્યો સદભાવનાનો સંદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : શિક્ષણના મંદિર સુધી પહોંચતા નાનકડા પગલાં જ્યારે કુમકુમના રંગે રંગાયા, ત્યારે સુરતની સરકારી શાળાઓમાં માત્ર પ્રવેશોત્સવ જ નહીં, પરંતુ એકતા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનું સુંદર ચિત્ર સર્જાયું હતું. રાંદેર અને કોટના લઘુમતી બહુલ વિસ્તારોમાં નવા પ્રવેશ મેળવનારા લઘુમતી વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે કુમકુમ પગલાં પાડીને શાળા જીવનની શરૂઆત કરી હતી. વાલીઓ અને સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમોએ એ સંદેશ આપ્યો હતો કે શિક્ષણ સામે કોઈ ભેદભાવ નથી અને બાળકનું ભવિષ્ય જ સૌથી મોટી પ્રાથમિકતા છે.
આ પ્રવેશોત્સવ માત્ર શૈક્ષણિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિકએકતાના ઉત્સવમાં ફેરવી ગયો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલુ વર્ષે 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે શહેરભરમાં ત્રણ દિવસીય પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે શહેરની અનેક શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાંદેર અને કોટ વિસ્તારની શાળાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાંદેર વિસ્તારમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળામાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

સામાન્ય રીતે જુદી જુદી ધાર્મિક અને સામાજિક પરંપરા ધરાવતા પરિવારના બાળકો માટે શાળામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને અને કુમકુમ પગલાં પડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર નવી શાળામાં પ્રવેશની ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી, જ્યારે વાલીઓ પણ પોતાના સંતાનોના શૈક્ષણિક જીવનની શરૂઆતને યાદગાર બનાવતા જોવા મળ્યા હતા. પ્રવેશોત્સવમાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા નોટબુક, સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને અભ્યાસ પ્રત્યે સતત પ્રેરિત રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ બાળકોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. આ જ રીતે શહેરના કોટ વિસ્તારમાં આવેલી શાળા 130 માં પણ પ્રવેશોત્સવનો માહોલ ઉત્સાહપૂર્ણ રહ્યો હતો. અહીં ખાસ કરીને લઘુમતી સમાજની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ નવા વિદ્યાર્થીઓને શાળાના વાતાવરણ, અભ્યાસક્રમ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.
વાલીઓએ પણ બાળકોના શિક્ષણ માટે સરકાર અને શાળાઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.પ્રવેશોત્સવ દરમિયાન સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે વિવિધ સમાજના લોકો બાળકોના શિક્ષણ માટે એક જ મંચ પર જોવા મળ્યા હતા. કોઈપણ પ્રકારના સામાજિક કે ધાર્મિક ભેદભાવ વગર બાળકોના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને આયોજિત કાર્યક્રમોએ શિક્ષણની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. લઘુમતી સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કુમકુમ પગલા જેવી પરંપરાગત સ્વાગત વિધિને સહર્ષ સ્વીકારી હતી, જે પરસ્પર સન્માન અને વિશ્વાસનું પ્રતીક બની હતી. પ્રવેશોત્સવના અંતિમ દિવસે સુરતની સરકારી શાળામાં જોવા મળેલા દ્રશ્યોએ સાબિત કર્યું હતું કે જ્યારે વાત બાળકોના ભવિષ્યની હોય ત્યારે સમાજની તમામ દિવાલો આપમેળે ઓગળી જાય છે. કુમકુમ પગલાં સાથે શાળામાં પ્રવેશતા લઘુમતી વિદ્યાર્થીઓના આ દ્રશ્યો માત્ર એક વિધિ નહોતા, પરંતુ શિક્ષણ, એકતા, પરસ્પર સન્માન અને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યા હતા.









