Surat

ખેડૂતને ગાળો આપતા ધારાસભ્ય કુંવરજી હળપતિનો વીડિયો વાયરલ; વિવાદ વકરતાં નેતાજીએ જાણો શું આપી સ્પષ્ટતા

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત: માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિનો ખેડૂતોને અપશબ્દો બોલી ધમકી આપતો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. NH-56 જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોએ મદદ ન મળતાં ફોન કર્યો હતો. ધારાસભ્યએ તેને વિપક્ષનું કાવતરું ગણાવી, વીડિયો એડિટ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે પોતે ખેડૂતોની પડખે હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતને ગાળો આપતા ધારાસભ્ય કુંવરજી હળપતિનો વીડિયો વાયરલ; વિવાદ વકરતાં નેતાજીએ જાણો શું આપી સ્પષ્ટતા

MLA Kunvarji Halpati Viral Video: પૂર્વ આદિજાતિ મંત્રી અને સુરત જિલ્લાના માંડવી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય કુંવરજી હળપતિનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ખેડૂતો સાથેની વાતચીતમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ કથિત રીતે અપશબ્દો બોલીને મારવાની ધમકી આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, વિવાદ વકરતાં જ ધારાસભ્ય કુંવરજી હળપતિ પોતાની સફાઈ રજૂ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે 56ના જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ કપાતમાં જતી જમીનને લઈને સ્થાનિક ખેડૂતોને યોગ્ય મદદ નહીં મળી હોવાનો અને ધારાસભ્યે સહયોગ ન આપ્યો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જ્યારે એક ખેડૂતે ધારાસભ્યને ફોન કરીને પૂછ્યું કે 'તમે અમને મદદ કેમ નથી કરી?', ત્યારે ધારાસભ્ય કુંવરજી હળપતિ કથિત રીતે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરીને ધમકી આપી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ધારાસભ્ય કુંવરજી હળપતિની સફાઈ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાની સ્પષ્ટતા આપતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 'સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ એ છે કે ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી. રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળાગાળી કરી છે, તે ભાગ વીડિયોમાંથી આખો એડિટ કરીને કાપી નાખવામાં આવ્યો છે. માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે જ આ કાવતરું ઘડીને અધૂરો વીડિયો વાયરલ કરાયો છે.'

રાયસિંગ ચૌધરી અગે ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, 'રાયસિંગ ચૌધરી આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે અને બે વાર તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યો છે. અમે તેને 1200થી વધુ મતોની લીડથી પરાજિત કર્યો છે. એટલે હવે તે નવેસરથી રાજકીય રોટલો શેકવા માટે આ બધું કરી રહ્યો છે. વાસ્તવમાં તેને ખેડૂતોની કોઈ ચિંતા નથી, તે માત્ર એક કામ કરતાં ધારાસભ્યને બદનામ કરવા માંગે છે. વીડિયોમાં રીતસર એડિટિંગ દેખાઈ આવે છે, જેમાં પાછળથી એક ભાઈ કાનમાં કહે છે કે 'બસ હવે બધું આવી ગયું.'

ખેડૂતોના પક્ષમાં હોવાનો દાવો કરતાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું કે, 'હાઇવે 56ના મુદ્દે મેં તમામ ખેડૂતોને સાથે રાખીને ટીડીઓ, પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે ચાર વખત પોઝિટિવ બેઠકો કરી છે. ખેડૂતોની રજૂઆતોને મેં પોતે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પત્ર લખ્યો છે. હું પોતે પણ એક ખેડૂત છું અને ખેડૂતોની પરિસ્થિતિ સારી રીતે સમજી શકું છું. હું હંમેશા ખેડૂતોની પડખે જ રહ્યો છું.'