Surat

કારગિલ વિજય દિવસની વરાછાની પાલિકા શાળાઓની અનોખી પરંપરા, 9 વર્ષમાં વિદ્યાર્થીઓએ અર્પણ કર્યા 10 લાખ

By GS Team
26 Jul 20264 mins read
TukuTouch Logo
સુરતની વરાછામાં આવેલી પાલિકા સંચાલિત 2 શાળાઓ, શ્રી ઈશ્વર પેટલીકર કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક-16 અને શ્રી મહારાણા પ્રતાપ કુમાર પ્રાથમિક શાળા ક્રમાંક-272, છેલ્લા 9 વર્ષથી અનોખી પરંપરા નિભાવી રહી છે. અહીં વિદ્યાર્થીઓ જન્મદિવસે ચોકલેટને બદલે બચાવેલા પૈસા શહીદાંજલિ બોક્સમાં જમા કરે છે. આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ પરિવારોને અર્પણ કરાય છે. 2017માં ₹5 હજારથી શરૂ થયેલી આ પહેલ આજે ₹10 લાખના યોગદાન સુધી પહોંચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારગિલ વિજય દિવસની વરાછાની પાલિકા શાળાઓની અનોખી પરંપરા, 9 વર્ષમાં વિદ્યાર્થીઓએ અર્પણ કર્યા  10 લાખ

Kargil Vijay Diwas: આજના સમયમાં બાળકો ના જન્મદિવસ એટલે કેક, પાર્ટી અને ચોકલેટની ઉજવણી સામાન્ય બની ગઈ છે. પરંતુ સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા સ્થિત બે શાળાઓએ જન્મદિવસની ઉજવણીને દેશસેવાના સંસ્કાર માં ફેરવી દીધી છે. અહીં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેંચવાને બદલે તે ખર્ચમાંથી બચાવેલી રકમ શહીદાંજલિ બોક્સમાં જમા કરે છે અને વર્ષ દરમિયાન એકત્ર થયેલી આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવે છે. 2017માં માત્ર 5 હજારના દાનથી શરૂ થયેલી આ પહેલ આજે અંદાજે 10 લાખના યોગદાન સુધી પહોંચી છે, જે દેશભક્તિ, સંવેદના અને સેવાભાવના સંસ્કારોનું જીવંત ઉદાહરણ બની છે.

કારગિલ વિજય દિવસની ઉજવણી સામાન્ય રીતે શ્રદ્ધાંજલિ અને દેશભક્તિના કાર્યક્રમો સુધી સીમિત રહેતી હોય છે, પરંતુ સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાની બે શાળા અનોખી પરંપરા નિભાવી રહી છે. શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઈશ્વર પેટલીકર કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક-16 અને શ્રી મહારાણા પ્રતાપ કુમાર પ્રાથમિક શાળા ક્રમાંક-272માં છેલ્લા નવ વર્ષથી આ અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ લાવવાને બદલે પોતાની બચત અથવા જન્મદિવસની ઉજવણી માટેના ખર્ચમાંથી યથાશક્તિ રકમ શહીદાંજલિ બોક્સમાં અર્પણ કરે છે. વર્ષભર આ રીતે એકત્ર થયેલી રકમ કારગિલ વિજય દિવસે જય જવાન નાગરિક સમિતિ મારફતે શહીદ પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે.

શાળા ક્રમાંક 272 ના આચાર્ય મિતેશભાઇ પ્રજાપતિ કહે છે,આ પહેલની શરૂઆત જય જવાન નાગરિક સમિતિ ની પ્રેરણાથી વર્ષ 2017માં થઈ હતી. પ્રથમ વર્ષે માત્ર 5 હજારનું દાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વધતા ઉત્સાહ અને શિક્ષકોના સતત માર્ગદર્શન ના કારણે આ અભિયાન દર વર્ષે વિસ્તરતું ગયું અને આજે બંને શાળાઓએ મળીને અંદાજે 10 લાખનું યોગદાન શહીદ પરિવારો માટે આપ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમ કોઈ ફંડ કે ફરજિયાત ફાળામાંથી નહીં, પરંતુ બાળકોની સ્વૈચ્છિક બચતમાંથી એકત્ર થાય છે.

શાળા ક્રમાંક-16ના આચાર્ય વૈશાલી સુતરીયાના જણાવ્યા મુજબ, શાળામાં વિદ્યાર્થીઓને જન્મદિવસે શુભેચ્છા કાર્ડ અને ગુલાબ આપી શુભેચ્છા પાઠવવામાં આવે છે, પરંતુ ચોકલેટ વહેંચવાની પરંપરા રાખવામાં આવતી નથી. તેના બદલે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે જન્મદિવસની ખુશીમાં દેશ માટે સર્વસ્વ અર્પણ કરનારા શહીદોના પરિવારને નાનકડું યોગદાન પણ સાચી ઉજવણી બની શકે છે. પરિણામે બાળકો નાનપણથી જ દેશપ્રેમ, કરુણા અને સામાજિક જવાબદારીના મૂલ્યો આત્મસાત કરી રહ્યા છે.

આજના સમયમાં જ્યાં બાળકોને ભૌતિક સુખ-સુવિધાઓ તરફ વધુ આકર્ષણ જોવા મળે છે, ત્યારે પાલિકાની આ બે શાળાઓએ જન્મદિવસની ઉજવણીને રાષ્ટ્ર સેવા સાથે જોડીને સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પહેલ માત્ર શહીદ પરિવારોને આર્થિક સહારો નથી આપતી, પરંતુ નવી પેઢીમાં દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરીને સાચા અર્થમાં જય જવાન, જય ભારત ના સૂત્રને જીવંત રાખી રહી છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવામાં શાળા ક્રમાંક-16 અને શાળા ક્રમાંક-272ના આચાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. બંનેના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સંવેદના અને સામાજિક જવાબદારીના સંસ્કારો વિકસે તે માટે વર્ષભર વિવિધ મૂલ્યલક્ષી પ્રવૃત્તિ યોજવામાં આવે છે. પરિણામે આજે આ બંને શાળાઓ માત્ર શૈક્ષણિક સિદ્ધિ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમના સંસ્કારો ઘડતી સંસ્થા તરીકે પણ ઓળખ ઉભી કરી રહી છે. બંને આચાર્યોનું માનવું છે કે, 'વિદ્યાર્થીઓને માત્ર સારા ગુણ નહીં, પરંતુ સારા સંસ્કારો પણ મળવા જોઈએ. કારણ કે દેશનું ભવિષ્ય માત્ર શિક્ષિત નહીં, સંસ્કારી નાગરિકોના હાથમાં જ સુરક્ષિત રહે છે.

સમિતિના શાળાના વિદ્યાર્થીઓની દેશભક્તિ જોઈ શહીદ પરિવાર પણ ભાવુક બન્યો

કારગિલ વિજય દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઈશ્વર પેટલીકર કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક-16 અને શ્રી મહારાણા પ્રતાપ કુમાર શાળા ક્રમાંક-272 ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મોરગાંવના કારગિલ યુદ્ધના વીર શહીદ પ્રવીણ પ્રભાકર જંજાલનો પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતો. શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ શાલ ઓઢાડી શહીદ પરિવાર નું સન્માન કર્યું હતું.

આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેંચવાના બદલે શહીદાંજલિ બોક્સ માં જમા કરાવેલી બચતમાંથી એકત્ર થયેલી 2.51 લાખની રકમ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, શહીદ પ્રવીણ પ્રભાકર જંજાલની પત્નીને 10 હજારની આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની આ નિઃસ્વાર્થ ભાવના અને દેશ પ્રેમ જોઈ શહીદ પરિવાર ભાવવિભોર બની ગયો હતો. શહીદ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ દેશના નાના બાળકો તરફથી મળેલું સન્માન અને પ્રેમ છે. જ્યારે આટલી નાની ઉંમરના બાળકો શહીદોના બલિદાન ને યાદ રાખે છે ત્યારે લાગે છે કે દેશનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. આવી પેઢી જ દેશ પ્રેમની સાચી વારસદાર બનશે.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાઈ અને કારગિલના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્જાયેલો ભાવનાત્મક માહોલ અનેક વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે યાદગાર બની રહ્યો.