ભગવાનના પ્રસાદ માટે મહિલા ભક્તોની અનોખી સેવા : સુરતની મહિલા ભક્તોએ સંભાળી પ્રસાદીની જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : ભગવાન જગન્નાથની રથયાત્રામાં મહાપ્રસાદનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ભગવાનને અર્પણ કરવામાં આવતા મગ અને શીરાની પ્રસાદીનું વિતરણ ભક્તોને અચુક કરવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ભક્તોને અપાતો આ મહાપ્રસાદ માત્ર અન્ન નહીં, પરંતુ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ ભાવનાને સાકાર કરવા સુરતના લંકા વિજય ઓવારા ખાતે નીકળનારી 45મી રથયાત્રા પહેલા મહિલા ભક્તોએ પ્રસાદીની તૈયારીઓનો સેવા યજ્ઞ શરૂ કરી દીધો છે. એક હજાર કિલોથી વધુ મગ, એક હજાર કિલોથી વધુ શીરો તેમજ અન્ય પ્રસાદની તૈયારી મંદિર પરિસરમાં ભાવભેર ચાલી રહી છે.

પુરી અને અમદાવાદની જેમ સુરતમાં પણ વર્ષોથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે આગામી ગુરુવારે રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે આ ભક્તોને ભગવાનનો પ્રસાદ મળે તે માટે રથયાત્રાના આયોજક દ્વારા પ્રસાદી માટેની તૈયારી શરૂ કરી છે. જેમાં પણ 45 મી રથયાત્રા તાપી નદી કિનારે અમરોલી બ્રિજ નીચે લંકા વિજય હનુમાનજી મંદિર દ્વારા મંદિરમાં જ મહિલા ભક્તોએ આ પ્રસાદી માટે જવાબદારી નિભાવી રહી છે. લંકાવિજય ઓવારા ખાતે રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. રથયાત્રામાં હજારો હરિભક્તો જોડાનાર હોવાથી પ્રસાદની તૈયારીઓ પણ વિશાળ પાયે કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો મગની સફાઈ, પ્રસાદ માટે જરૂરી સામગ્રીની તૈયારી તથા અન્ય સેવાકાર્યોમાં નિષ્ઠાપૂર્વક જોડાયા છે. ભજન-કીર્તનના માહોલ વચ્ચે ચાલતી આ સેવા સમગ્ર મંદિરને ભક્તિમય બનાવી રહી છે.
મંદિરના મહંત સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, 45મી રથયાત્રામાં હજારો હરિભક્તો ભગવાનના દર્શન માટે આવશે. દરેક ભક્ત સુધી પૂરતી અને ગુણવત્તાયુક્ત પ્રસાદી પહોંચે તે માટે અગાઉથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. એક હજાર કિલોથી વધુ મગ, એક હજાર કિલોથી વધુ શીરો ઉપરાંત શ્રીફળ સહિત અન્ય પ્રસાદ પણ તૈયાર કરવામાં આવશે. પ્રસાદની તૈયારીમાં જોડાયેલા દરેક હરિભક્ત પોતાની સેવાને ભગવાન જગન્નાથની સેવા સમજીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. મહિલા ભક્તોનું કહેવું છે કે ભગવાનના મહાપ્રસાદની તૈયારીમાં સેવા કરવાનો અવસર જીવનનું સૌભાગ્ય છે. કોઈ મગની સફાઈ કરે છે, કોઈ પ્રસાદ માટેની સામગ્રી ગોઠવે છે તો કોઈ રસોઈ માટેની પૂર્વ તૈયારીઓમાં જોડાય છે. રથયાત્રા પહેલાંના દિવસોમાં મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી સેવા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.બીજી તરફ, જહાંગીરપુરા ખાતે આવેલા મંદિર દ્વારા વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને ઝડપથી બગડી જતી બુંદીના બદલે આ વર્ષે સાકરીયા દાણા સહિતનો સુકો પ્રસાદ ભક્તોને વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ પ્રસાદી ભક્તોના ઘરે પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને સરળતાથી પ્રસાદ પહોંચાડી શકાય તેવું આયોજન થઈ રહ્યું છે.

મગ અને શીરાનો મહાપ્રસાદ કેમ ગણાય છે વિશેષ?
ભગવાન જગન્નાથની પરંપરામાં મહાપ્રસાદને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેમાં અર્પણ થતો મગનો પ્રસાદ સાત્વિકતા, સાદગી અને પોષણનું પ્રતીક માનવામાં આવે છે. મગ શરીર માટે પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો આહાર હોવાથી તેને સાત્વિક ભોજન તરીકે વિશેષ સ્થાન મળ્યું છે.
તે જ રીતે શીરો સમૃદ્ધિ, શુભતા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. ઘી, લોટ અને સાકરથી તૈયાર થતો શીરો શુભ પ્રસંગો અને ધાર્મિક વિધિઓમાં ભગવાનને ભોગ તરીકે અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરા છે. ભગવાનને અર્પણ કર્યા બાદ ભક્તોને મળતો મહાપ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ ભગવાનની કૃપા, આશીર્વાદ અને સમરસતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ રથયાત્રા પહેલાં પ્રસાદની તૈયારીને પણ એક સેવા અને સાધના તરીકે જોવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે.









