અમેરિકામાં પતિએ ગોળી મારી ભારતીય મહિલાની હત્યા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Crime News : અમેરિકાનાં જ્યોર્જિયામાં એક ઇન્ડિયન અમેરિકન મહિલા અને ગૂગલમાં સિનિયર ટેકનોલોજી એક્ઝિક્યુટીવની તેમના પતિએ ગોળી મારી હત્યા કરી નાખી છે. ઘરેલુ હિંસાની આ ઘટનામાં તેમના પુત્રને પણ ગોળી વાગી હતી.
56 વર્ષીય આરોપી કિર્ક બી ઝેંસિયનની મંગળવાર રાતે એટલાન્ટા નજીક કોબ કાઉન્ટીમાં આવેલા તેમના પરિવારનાં નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર તેને હાલમાં કોબ કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં બોન્ડ વગર રાખવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે જયોર્જિયાનાં સ્મિર્ના શહેરમાં સ્થાનિક સમય અનુસાર રાતે આઠ વાગ્યે એક ઘરમાં ગોળીબારની ઘટનાનાં સમાચાર મળ્યા હતાં.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘરમાંથી 56 વર્ષીય શીતલ ઝેંસિયન ગોળીબારનાં ઘા સાથે મળી આવી હતી. જો કે બાદમાં તેનું મોત થયું હતું.
દંપતીનો 23 વર્ષીય પુત્ર જેસન ઝેંસિયન ગોળીબારનાં ઘા સાથે ઘરની બહાર મળી આવ્યો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોબ કાઉન્ટી પોલીસ વિભાગનાં જણાવ્યા અનુસાર કિર્ક ઝેંસિયન પર એક ગંભીર હત્યા, બે ગંભીર હુમલા અને બે ગંભીર ગુના દરમિયાન હથિયાર રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનાને ઘરેલુ હિંસાનો કેસ ગણાવ્યો છે. પોલીસે ગોળીબારનું કારણ શું હતું તે હજુ સુધી જાહેર કર્યુ નથી. જેસનની મેડીકલ સ્થિતિ અંગે પણ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. આ કેસની તપાસ ચાલી રહી છે અને અધિકારીઓએ કોઇ અન્યની ધરપકડ અંગે પણ કોઇ માહિતી આપી નથી.









