52મી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં અનોખો બનાવ : 'પેશન્ટ નંબર 11’નું મંચન થાય એ પહેલાં જ મુખ્ય કલાકાર હોસ્પિટલમાં, નાટક રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત પાલિકાની નાટ્ય સ્પર્ધા અંતિમ તબક્કામાં આવી છે હવે બે જ નાટક બાકી છે. આવતીકાલે છેલ્લું નાટક ભજવાય તે પહેલા આજે જે નાટક હતું તેને કેન્સલ કરવાની ફરજ પડી છે. આજના નાટકનું નામ 'પેશન્ટ નંબર 11’ છે તે રંગમંચ પર ભજવાય તે પહેલા જ નાટકના મુખ્ય કલાકારની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જેના કારણે 9મા ક્રમનું ‘પેશન્ટ નંબર 11’ નાટક મંચ પર ભજવાય એ પહેલાં જ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્પર્ધામાં નાટક પસંદ થયા બાદ આવી રીતે તેનું મંચન રદ થયું હોય તેવો પ્રથમ કિસ્સો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કતાગામના ઓડિટોરીયમમાં શરૂ થયેલી આ સ્પર્ધામાં આજના નાટકના મંચન પૂર્વે મુખ્ય કલાકારની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય ભૂમિકા જ ભજવી શકે તેવી સ્થિતિ ન રહેતાં નાટકનું મંચન કરવું શક્ય ન હોવાથી આયોજકો દ્વારા નાટક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, સ્પર્ધાના મંચ પર નાટક શરૂ થાય તે પહેલાં જ પડદો પડી ગયો હતો. આજનું નાટક ઈવેન્ટઝ ટ્રી સંસ્થા તરફથી ભાગ લેવાયો હતો પરંતુ તે હવે ભજવાશે નહીં.
આ વખતે નાટ્ય સ્પર્ધામાં પહેલીવાર 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી. ટિકિટના પ્રયોગને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ‘પેશન્ટ નંબર 11’નું મંચન રદ થતાં ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોના રૂપિયા પરત કરવાની જવાબદારી હવે પાલિકા તંત્ર સામે આવી છે. તંત્ર દ્વારા ટિકિટના 20 રૂપિયા પરત આપવા માટેની પ્રક્રિયા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. 52મી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું હવે આવતીકાલે અંતિમ નાટક ‘કાળીદાસ’ ભજવાશે. અંતિમ નાટક પૂર્ણ થયા બાદ નિર્ણાયકો દ્વારા તમામ નાટકોમાં અભિનય, દિગ્દર્શન, લેખન સહિતના પાસા નું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ સ્પર્ધાના વિજેતા ની જાહેરાત કરવાની કામગીરી કરવામાં આવશે.




