શિષ્યના રહસ્યમય મોતના 9 દિવસ બાદ પ્રેમાનંદ મહારાજના આશ્રમનું મોટું નિવેદન, તપાસમાં સહયોગની ખાતરી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Premanand Maharaj: પ્રખ્યાત યુવા કથાકાર અને સંત પ્રેમાનંદ મહારાજ સાથે જોડાયેલા 'રાધા કેલિ કુંજ' આશ્રમમાં બનેલી રહસ્યમય ઘટનાને નવ દિવસ વીતી ગયા બાદ, આશ્રમ ટ્રસ્ટ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે વિવાદ વધતો જઈ રહ્યો છે અને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
કેલિ કુંજ ટ્રસ્ટની અપીલ અને પ્રતિક્રિયા
દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના રહસ્યમય મૃત્યુના 9 દિવસ બાદ 'રાધા કેલિ કુંજ ટ્રસ્ટ' દ્વારા ફેસબુક પેજ પર એક સત્તાવાર અપીલ જાહેર કરવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પૂજ્ય પ્રેમાનંદ મહારાજ અને સમસ્ત અનુયાયીઓ આ દુર્ઘટનાથી અત્યંત આઘાતમાં અને દુઃખી છે. ટ્રસ્ટ દ્વારા મૃતક સાધક અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ પોલીસ પ્રશાસનને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને તથ્યાત્મક તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓ, સાધકો અને સામાન્ય લોકોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અધૂરી માહિતી, પૂર્વાનુમાન કે અફવાઓના આધારે મહારાજજી અને આશ્રમની છબી ખરાબ કરવાના પ્રયાસો ન કરવા.
અપૂર્ણ જવાબો અને વિવાદોના ઘેરામાં આશ્રમ
ઘટનાને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં અનેક ગંભીર રહસ્યો પરથી પડદો ઉઠ્યો નથી. સૌથી મોટો અને વણઉકેલાયેલો સવાલ એ છે કે યુવા સંત રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીએ આખરે પોતાનું ગુપ્તાંગ કેમ કાપ્યું? આ સવાલનો જવાબ હજુ સુધી સામે આવ્યો નથી. બીજી તરફ, દેશના અલગ-અલગ ખૂણેથી આવેલા ત્રણ પરિવારોએ પોતાના ગુમ થયેલા સ્વજનોની શોધ માટે આશ્રમ બહાર આવીને ભારે હોબાળો અને નારેબાજી કરી છે.
આ ઉપરાંત, મથુરા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ઘટનાના નવ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી સત્તાવાર એફઆઈઆર કેમ નોંધાઈ નથી? જો આશ્રમ તરફથી આ નિવેદન ઘટનાના પહેલા જ દિવસે જાહેર કરવામાં આવ્યું હોત, તો કદાચ આ મામલો આટલો બધો વધારે ગંભીર બનત નહીં. હાલ આ સમગ્ર મામલો મથુરામાં ચર્ચા અને વિવાદનો મોટો વિષય બન્યો છે.




