Surat

સુરતના શિક્ષકોને વર્ગખંડથી દૂર રાખવાની તાલીમનો સિલસિલો યથાવત : 50 કિ.મી. દૂર મહુવામાં શિક્ષકોની તાલીમ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતમાં શિક્ષકોને વારંવાર તાલીમ કાર્યક્રમોમાં બેસાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. 'વાર્તા પેડાગોજી' અંગે મહુવામાં સવારે 10.30 થી સાંજે 5 વાગ્યા સુધી તાલીમ યોજાઈ. ક્લસ્ટરદીઠ 3 શિક્ષકોની હાજરી ફરજિયાત હતી. વારંવારની તાલીમથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થતા, "તાલીમ પર તાલીમ, વર્ગખંડમાં શિક્ષણ કેટલું?" તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના શિક્ષકોને વર્ગખંડથી દૂર રાખવાની તાલીમનો સિલસિલો યથાવત : 50 કિ.મી. દૂર મહુવામાં શિક્ષકોની તાલીમ

Surat News : સુરત શહેરમાં શિક્ષકોને વારંવાર તાલીમ કાર્યક્રમોમાં બેસાડવામાં આવી રહ્યા હોવાને લઈને વિવાદ શમ્યો નથી ત્યાં હવે સુરતથી આશરે 50 કિલોમીટર દૂર મહુવામાં વધુ એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 'વાર્તા પેડાગોજી’ના ઉપયોગ અંગે સવારે 10.30થી સાંજે 5 વાગ્યા સુધી તાલીમ યોજવામાં આવશે. ક્લસ્ટરદીઠ ત્રણ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. વારંવારના તાલીમ કાર્યક્રમો માટે શિક્ષકોને વર્ગખંડથી દૂર રાખવામાં આવતા વિદ્યાર્થીઓના નિયમિત શિક્ષણ સમય પર તેની સીધી અસર થતી હોવાના સવાલો ઊભા થયા છે. એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણનો ભાર મૂકવામાં આવે છે અને બીજી તરફ શિક્ષકોનો મોટો સમય તાલીમમાં પસાર થાય છે ત્યારે ‘તાલીમ પર તાલીમ, વર્ગખંડમાં શિક્ષણ કેટલું?’ તેવો સવાલ હવે ચર્ચાઈ રહ્યો છે.
શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓથી સજ્જ કરવા તાલીમ આપવી જરૂરી છે, પરંતુ તાલીમના નામે શિક્ષકોને વારંવાર શાળાથી દૂર રાખવાની પ્રક્રિયા હવે પ્રશ્નો ઊભા કરી રહી છે. ખાસ કરીને મહુવા જેવી સુરત શહેરથી દૂરની જગ્યાએ આખા દિવસની તાલીમ યોજાતાં માત્ર તાલીમના સાત કલાક જ નહીં, પરંતુ મુસાફરીનો સમય પણ શિક્ષકોના શૈક્ષણિક સમયપત્રકમાંથી કપાઈ જશે. એટલે એક દિવસની તાલીમનો અર્થ વ્યવહારમાં શિક્ષકનો લગભગ આખો દિવસ શાળાની બહાર પસાર થવો એવો થાય છે.

11.jpg


છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિષય અને શિક્ષણ પદ્ધતિ અંગે સતત તાલીમ કાર્યક્રમો યોજાતા શિક્ષકોમાં પણ નારાજગી હોવાની ચર્ચા છે. એક તાલીમમાંથી પરત ફર્યા બાદ થોડા જ સમયમાં બીજી તાલીમ માટે હાજરી ફરજિયાત કરાતી હોવાથી શિક્ષકોને શાળાની શૈક્ષણિક કામગીરી, પાઠ આયોજન અને વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તાલીમ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે શિક્ષકોને વારંવાર વર્ગખંડથી દૂર રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને પૂરતો શૈક્ષણિક સમય કેવી રીતે મળશે તે મોટો સવાલ છે. શિક્ષકની ગેરહાજરીમાં વર્ગખંડનું સંચાલન અને અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી અન્ય શિક્ષકો પર આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને અપેક્ષિત માર્ગદર્શન મળી શકતું નથી તેવી પણ રજૂઆતો થઈ રહી છે. હવે તંત્રએ માત્ર કેટલી તાલીમ યોજાઈ અને કેટલા શિક્ષકો હાજર રહ્યા તેનો હિસાબ રાખવાને બદલે એક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે કે આ તાલીમના કારણે વિદ્યાર્થીઓના કેટલા કલાકનું શિક્ષણ અટક્યું? શિક્ષકોને તાલીમ આપવી જરૂરી છે, પરંતુ એવી વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે કે તાલીમના નામે વર્ગખંડ ખાલી ન રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસનું નુકસાન ન થાય. સતત તાલીમથી શિક્ષકોમાં વધતી નારાજગી અને વિદ્યાર્થીઓના ઘટતા શૈક્ષણિક સમયને તંત્રએ ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે.