આજે સુરતીઓએ ગરમ ફાફડાને ‘ના’, ગઈકાલના ફાફડાને ‘હા’ કહી : સુરતીઓનો શીતળા સાતમેય ખમણ-ફાફડા સાથે પ્રેમ અકબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Shitala Satam Special : સુરતીઓ અને ખમણ-ફાફડાનો સંબંધ કંઈક અલગ જ છે. સવાર પડતાં જ ગરમાગરમ ફાફડા, તાજા ખમણ, લોચા કે ભજીયાની લિજ્જત માણવાની ટેવ ધરાવતા સુરતીઓએ શીતળા સાતમે પણ આ પ્રેમનો સાથ છોડ્યો નહોતો. ફરક માત્ર એટલો હતો કે રોજ ‘ગરમ અને તાજું’ માંગતા સુરતીઓ આજે ફરસાણની દુકાને પહોંચી આજનું નહીં, ગઈકાલનું આપોની ડિમાન્ડ કરતા જોવા મળ્યા હતા. શીતળા સાતમની પરંપરા મુજબ ઘરમાં અગાઉના દિવસે બનાવેલી વાનગીઓ આરોગવામાં આવતી હોવાથી અનેક સુરતીઓએ ફરસાણની દુકાનોમાંથી પણ ગઈકાલે બનાવેલા ખમણ અને ફાફડા ખરીદ્યા હતા.
એટલું જ નહીં, ફાફડા-ખમણ સાથે અચૂક લેવાતી તાજી ચટણી અને તળેલા મરચાંથી પણ સુરતીઓએ આજે અંતર રાખ્યું હતું. શીતળા સાતમના દિવસે ચૂલા કે ગેસ પર રસોઈ ન બનાવવાની પરંપરા હોવાથી મોટાભાગના સુરતી પરિવારોમાં બુધવારે જ વિવિધ વાનગીઓ બનાવી લેવામાં આવી હતી. આજે ઘરમાં પણ આ જ વાનગીઓ ઠંડી જ ખાવામાં આવી હતી. સાતમના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવાની અને અગાઉના દિવસે બનાવેલી વાનગીઓ આરોગવાની પરંપરાને કારણે સામાન્ય રીતે ફરસાણની દુકાનો પર ઘરાકી ઓછી રહે તેવી ધારણા હતી. જોકે, સુરતીઓના ખમણ-ફાફડા પ્રત્યેના પ્રેમે આ ધારણાને ખોટી સાબિત કરી હતી.રોજ સવારે ગરમ ફાફડા અને તાજા ખમણની માંગ રહેતી હોય છે. ફરસાણની દુકાન પર ગ્રાહક આવે એટલે ગરમ ફાફડા, તાજા ખમણ સાથે લીલી ચટણી અને તળેલાં મરચાં આપવાની સામાન્ય પ્રથા છે. પરંતુ ગુરુવારે દુકાનદારોને ગ્રાહકો તરફથી અલગ જ પ્રકારની માંગ સાંભળવા મળી હતી.
અનેક ગ્રાહકોએ ‘ગઈકાલના ફાફડા છે?’ અને ‘ગઈકાલનું ખમણ આપજો’ એવી પૂછપરછ કરી હતી. શીતળા સાતમની પરંપરા જળવાઈ રહે તે માટે ગ્રાહકોએ આજે બનાવેલા ફરસાણને બદલે અગાઉથી બનાવેલું ફરસાણ ખરીદવાનું પસંદ કર્યું હતું. કેટલાક ફરસાણના વેપારીઓના જણાવ્યા મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ આજે ગરમ ફરસાણની ઘરાકી સ્વાભાવિક રીતે ઓછી રહી હતી, પરંતુ ગઈકાલે બનાવેલા ખમણ-ફાફડાની માંગ જોવા મળી હતી. ખાસ કરીને જે સુરતીઓની સવાર ફાફડા-ખમણ વિના અધૂરી રહે છે તેમણે સાતમની પરંપરા અને પોતાના સ્વાદ વચ્ચે પણ રસ્તો કાઢી લીધો હતો. દુકાનદારો પાસે અગાઉથી બનાવેલા ફાફડા-ખમણ અંગે પૂછપરછ કરી તે ખરીદી ઘરે લઈ ગયા હતા.સામાન્ય રીતે ફાફડા સાથે તળેલાં મરચાં અને ચટણી સુરતીઓની પસંદગીમાં મોખરે હોય છે.
જોકે, આજે તાજી ચટણી અને આજના તળેલા મરચાં લેવાનું પણ મોટાભાગના ગ્રાહકોએ ટાળ્યું હતું. અગાઉના દિવસે તૈયાર થયેલા ફરસાણ સાથે જ સાતમની પરંપરા જાળવવાનો આગ્રહ જોવા મળ્યો હતો. આમ, સુરતીઓએ આજે ગરમ ફાફડાને ‘ના’ અને ગઈકાલના ફાફડાને ‘હા’ કહીને શીતળા સાતમની પરંપરા પણ નિભાવી અને ખમણ-ફાફડા તેમના જીવનનો કેટલો અભિન્ન હિસ્સો બની ગયા છે તેની અનોખી ઝલક પણ આપી હતી.




