સુરતમાં કચરો હટાવવાની માંગ કરનારા હવે કચરો પેદા કરનારાની પડખે, નોટિસ અને સીલનો વિરોધ કરી વેપારીઓને બચાવવા ‘આપ’ મેદાનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતમાં હોટ ફિક્સ કચરો હવે માત્ર સ્વચ્છતાનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ રાજકારણનો કચરો બની ગયો છે. એક તરફ હોટફિક્સનો કચરો જાહેરમાં ઠાલવાતા ત્રાહિમામ પોકારી રહેલા લોકો કચરો નાંખનારાઓ સામે કડક કાર્યવાહી અને કાયમી નિકાલની માગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અગાઉ હોટ ફિક્સના કચરા સામે આંદોલન કરનાર આમ આદમી પાર્ટી હવે રહેણાંક વિસ્તારમાં ચાલતા હોટફિક્સ યુનિટોને પાલિકાની નોટિસ તથા હોલસેલ સીટ સપ્લાયર સામેની સીલિંગની કાર્યવાહીનો વિરોધ કરી રહી છે. મેયરના ઘરે હોટફિક્સનો કચરો ઠાલવાયા બાદ પાલિકાએ કાર્યવાહી તેજ કરતાં રાજકીય ગરમાવો વધ્યો છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે આજે સાંજે આપ દ્વારા પુણા ગામના લક્ષ્મણનગર ચોક ખાતે હોટફિક્સના ધંધાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી છે, જેમાં પાલિકાની નોટિસ અને સીલિંગને બદલે કચરાના કાયમી નિકાલનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
મેયરના ઘરે હોટફિક્સનો કચરો ઠાલવવાની ઘટના બાદ પાલિકા તંત્રએ હોટફિક્સ કચરાના મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં ચાલતા યુનિટોને નોટિસ આપવાની સાથે નાના એકમો સામે દંડની કાર્યવાહી કરવાની જગ્યાએ હોટફિક્સ સીટના હોલસેલ સપ્લાયર સુધી પહોંચીને દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ થતાં વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. આ જ મુદ્દે હવે વિપક્ષ પણ પાલિકા સામે મેદાને આવ્યું છે.
વરાછા અને આસપાસના વિસ્તારોમાં હોટફિક્સનો વેપાર-ધંધો કરતા વેપારીઓમાં પાલિકાની ઝુંબેશને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોટફિક્સ યુનિટોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે, જ્યારે હોટફિક્સ સીટના હોલસેલ સપ્લાયરો સામે પણ સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહી સામે હવે આમ આદમી પાર્ટીએ વેપારીઓના પ્રશ્નોને આગળ ધરીને બેઠક બોલાવી છે. આજે સાંજે આઠ વાગ્યે પુણા ગામના લક્ષ્મણનગર ચોક ખાતે આપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં પાલિકા દ્વારા હોટફિક્સના ધંધાર્થીઓને આપવામાં આવતી નોટિસ તથા સીલિંગની કાર્યવાહી સામે ચર્ચા કરવામાં આવશે. સાથે જ હોટફિક્સનો કચરો પેદા કરનાર એકમોને નિશાન બનાવવાને બદલે પ્લાસ્ટિક વેસ્ટેજના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા પાલિકા પર દબાણ લાવવાની રણનીતિ ઘડાય તેવી શક્યતા છે.
જોકે બીજી તરફ હોટફિક્સનો કચરો જાહેરમાં ઠાલવાતા જે વિસ્તારોના રહેવાસીઓ પરેશાન છે તેઓનો સવાલ અલગ છે. રહેણાંક તથા જાહેર સ્થળોની આસપાસ કચરાના ઢગલા ખડકાતા હોવાને કારણે દુર્ગંધ, ગંદકી અને આગના જોખમ વચ્ચે રહેવું પડતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે કચરો જાહેરમાં નાંખનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કચરાના નિકાલની જવાબદારી નક્કી થવી જોઈએ. એક તરફ કચરાથી ત્રાહિમામ પોકારી રહેલા સ્થાનિકો કચરો જાહેરમાં નાંખનારાઓ સામે કડક પગલાંની માગ કરી રહ્યા છે અને બીજી તરફ પાલિકાની કાર્યવાહીથી હોટફિક્સના ધંધાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વચ્ચે આપ દ્વારા વેપારીઓની બેઠક બોલાવવામાં આવતા ‘કચરો હટાવવાની લડાઈ કે કચરો પેદા કરનારા સામેની કાર્યવાહીનો વિરોધ?’ તેવો સવાલ પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પરિણામે હોટફિક્સનો કચરો હવે સુરતમાં સ્વચ્છતાના પ્રશ્નની સાથે રાજકીય ટકરાવનું નવું કેન્દ્ર બની રહ્યો છે.
હોટફિક્સના કચરામાં આગ: લાગી રહી છે કે લગાવાઈ રહી છે? :
સુરતમાં હોટ ફિક્સ કચરાના નિકાલ નો પ્રશ્ન વકર્યો છે ત્યાં હવે કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાના વધતા બનાવોએ પણ અનેક સવાલો ઊભા કર્યા છે. અગાઉ હોટફિક્સનો કચરો જાહેર સ્થળોએ ઠલવાતો હોવા છતાં આગ લાગવાના બનાવો આટલા પ્રમાણમાં સામે આવતા ન હતા. કચરાના ઢગલા થોડા સમય બાદ હટાવી લેવામાં આવતા હોવાથી સ્થિતિ પણ નિયંત્રણમાં રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક સ્થળે હોટફિક્સના કચરામાં આગ લાગવાની ઘટના સામે આવતાં હવે આ આગ ખરેખર અકસ્માતે લાગી રહી છે કે કોઈ દ્વારા ઇરાદાપૂર્વક લગાવવામાં આવી રહી છે તે સવાલ ચર્ચામાં આવ્યો છે.
હોટ ફિક્સ કચરામાં પ્લાસ્ટિક સહિતની જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાવાનું જોખમ રહે છે. આગના બનાવોને કારણે આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જાય છે. ખાસ કરીને રહેણાંક વિસ્તાર નજીક કચરાના ઢગલામાં આગ લાગતી હોવાથી ધુમાડા અને પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થાય છે.
આગના બનાવો પાછળનું ચોક્કસ કારણ શું છે તે હજી સ્પષ્ટ થયું નથી. આગ લગાવવામાં આવી હોવાની આશંકા હોય તો તેની પાછળ કોનો હાથ છે અને શા માટે આગ લગાવવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય બન્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે અને સમગ્ર ઘટનાક્રમને તપાસ ચાલી રહી છે. તપાસમાં આગ અકસ્માતે લાગી હતી કે ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હતી તે સ્પષ્ટ થશે.




