વરાછાની મહારાણા પ્રતાપ શાળામાં બાળ વૈજ્ઞાનિકોની અનોખી દુનિયા: 200થી વધુ પ્રોજેક્ટ રજૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: પાલિકાની શાળાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી વરાછાની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272માં ભવ્ય વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આગવી સૂઝ અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરી 200થી વધુ પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કર્યા હતા. સૂર્ય ઊર્જાથી ચાલતું સ્માર્ટ ગ્રાસ કટર, હાથથી ફેરવીને મોબાઈલ ચાર્જ કરી શકાય તેવું ઈમરજન્સી ચાર્જર અને સૂર્યની દિશા પ્રમાણે આપમેળે ફરતી સ્માર્ટ સોલર પેનલ જેવા ઉપયોગી પ્રયોગોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મકતા નિહાળવા 1200થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓમાં માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીન વિચારસરણી અને સમસ્યાના ઉકેલ માટેની સર્જનાત્મક ક્ષમતા વિકસે તે માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા સ્થિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272માં ભવ્ય વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનમેળામાં શાળાના નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની મગજની મથામણ અને આગવી સૂઝનો ઉપયોગ કરીને 200થી વધુ પ્રોજેક્ટ રજૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.વિજ્ઞાનમેળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળા સંચાલન સમિતિના અધ્યક્ષ નયનાબેન સાકરિયા તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટમાં રોજિંદા જીવનની સમસ્યાઓના સરળ અને ઉપયોગી ઉકેલ રજૂ કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૂર્ય ઊર્જાથી સંચાલિત સ્માર્ટ ગ્રાસ કટર, વીજળી વિના હાથથી ફેરવીને મોબાઈલ ચાર્જ કરી શકાય તેવું ઈમરજન્સી ચાર્જર અને સૂર્યની દિશા પ્રમાણે આપમેળે ફરતી સ્માર્ટ સોલર પેનલ જેવા પ્રોજેક્ટોએ મુલાકાતીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.વિજ્ઞાનમેળામાં કોડિંગ આધારિત સ્માર્ટ પ્રોજેક્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ટેકનોલોજી અને વિજ્ઞાનના સંયોજનથી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રયોગોમાં તેમની વિચારવાની, નવીનતા લાવવાની અને પ્રયોગ કરીને શીખવાની ક્ષમતાનો પરિચય મળ્યો હતો. માત્ર પ્રોજેક્ટ તૈયાર કરવા પૂરતું નહીં, પરંતુ તેના ઉપયોગ અને ફાયદા અંગે વિદ્યાર્થીઓ મુલાકાતીઓને સમજાવતા પણ જોવા મળ્યા હતા.વિજ્ઞાનમેળાની મુલાકાત માટે શાળાના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત ૩૦૦થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ અને મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ્સ નિહાળી તેમની પ્રતિભાને બિરદાવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષકો નિલેશભાઈ, અલ્પેશભાઈ, હરસુખભાઈ, હર્ષાબેન અને સંદીપભાઈ સહિત સમગ્ર શિક્ષકગણે વિજ્ઞાનમેળાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
સૂર્ય ઊર્જાથી ચાલતું સ્માર્ટ ગ્રાસ કટર
વિદ્યાર્થીઓએ સૂર્ય ઊર્જાથી સંચાલિત સ્માર્ટ ગ્રાસ કટર તૈયાર કર્યું હતું. ગ્રાસ કટરની આગળની તરફ સેન્સર લગાવવામાં આવ્યું છે. તેની સામે કોઈ વસ્તુ આવે ત્યારે સેન્સર તેને ઓળખી બ્લેડને આપમેળે બંધ કરી દે છે. આ વ્યવસ્થાથી મશીનને નુકસાન થતું અટકવાની સાથે નાના જીવજંતુઓ કે સજીવો બ્લેડની અડફેટે આવવાથી પણ બચી શકે છે. સૂર્ય ઊર્જાના ઉપયોગ સાથે સલામતીને પણ મહત્વ આપતા આ પ્રોજેક્ટમાં ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ જોવા મળ્યો હતો. ઓછા ખર્ચે વધુ ઉપયોગી અને સુરક્ષિત સાધન બનાવવાનો વિદ્યાર્થીઓનો પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો.
હાથથી ફેરવો અને મોબાઈલ ચાર્જ કરો
વિદ્યાર્થીઓના એક જૂથે ઈમરજન્સી મોબાઈલ ચાર્જર અને એલઈડી લાઈટનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ ઉપકરણને હાથથી ફેરવવાથી વીજળી ઉત્પન્ન થાય છે, જેના દ્વારા એલઈડી લાઈટ ચાલુ કરી શકાય છે અને મોબાઈલ પણ ચાર્જ કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે વીજળી કે સૂર્યપ્રકાશ ઉપલબ્ધ ન હોય તેવી જગ્યાએ પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને રાત્રે અંધારામાં કે કટોકટીના સમયે આ પ્રયોગ ઉપયોગી બની શકે છે. પાવર સ્ટોરેજ માટે બેટરીની જરૂર ન પડતી હોવાથી ઉપકરણને સરળ અને ઉપયોગી બનાવવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો છે.
સૂર્યમુખીની જેમ સૂર્ય તરફ ફરતી સ્માર્ટ સોલર પેનલ
વિદ્યાર્થીઓએ સ્માર્ટ સોલર પેનલનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેમાં સોલર પેનલ એક જ દિશામાં સ્થિર રહેવાને બદલે સૂર્યપ્રકાશની દિશા પ્રમાણે આપમેળે ફરે છે. તેમાં લગાવવામાં આવેલા સેન્સરની મદદથી પેનલ સૂર્યની દિશા ઓળખી તે તરફ પોતાની દિશા બદલે છે. સૂર્યમુખીનું ફૂલ જેમ દિવસ દરમિયાન સૂર્ય તરફ ફરતું રહે છે તેમ આ પેનલ પણ સૂર્યની ગતિ સાથે પોતાની દિશા બદલવાનો પ્રયાસ કરે છે. તેના કારણે દિવસ દરમિયાન વધુ સમય સુધી સૂર્યપ્રકાશ સીધો પેનલ પર મેળવી વધુમાં વધુ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે.




