100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું : સુરતની સિવિલ-સ્મીમેર સહિત SVNITની મેસમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : સુરતની પી.પી સવાણી યુનિવર્સિટીની હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટના બાદ આખરે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. વિદ્યાર્થીઓને મેસમાં જમ્યા બાદ ઝાડા-ઉલ્ટીની તકલીફ થતાં સમગ્ર ઘટનાને પગલે આજે સુરત શહેરની વિવિધ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓની મેસમાં આરોગ્ય વિભાગની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. સુરતની સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને એસવીએનઆઈટીની મેસમાં ભોજનની ગુણવત્તા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સાફ-સફાઈ સહિતની વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે મેસ સંચાલકો અને કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા તથા રાંધેલા ખોરાકને ઢાંકીને રાખવા સહિતની સૂચનાઓ આપી હતી.
પીપી સવાણી યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે રાત્રે મેસમાં ભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓને એકસાથે ઝાડા-ઉલ્ટીની તકલીફ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત લથડતાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય મેસની વ્યવસ્થાની પણ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે આરોગ્ય વિભાગની ટીમોએ શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તેમજ એસવીએનઆઈટી કેમ્પસમાં આવેલી મેસની મુલાકાત લીધી હતી. ટીમોએ રસોડામાં ખાદ્ય સામગ્રી કેવી રીતે રાખવામાં આવે છે, રાંધેલા ખોરાકને ઢાંકીને રાખવામાં આવે છે કે નહીં, મસાલા સહિતની સામગ્રીનો સંગ્રહ યોગ્ય રીતે થાય છે કે નહીં અને રસોડામાં નિયમિત સાફ-સફાઈ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી.
સ્મીમેર હોસ્પિટલની મેસમાં ચેકિંગ દરમિયાન કેટલાક કર્મચારીઓ હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા વગર કામ કરતા જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે કર્મચારીઓને તાત્કાલિક ટકોર કરી જરૂરી સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. રસોઈ અને ભોજન પીરસતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા પણ જણાવાયું હતું. બીજી તરફ સિવિલ હોસ્પિટલની મેસમાં પણ સાફ-સફાઈની વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી. રસોઈ બનાવવામાં આવતી જગ્યા સહિત મેસના સ્થળે સ્વચ્છતા જાળવવા કર્મચારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મસાલાના ડબ્બા ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા તમામ ડબ્બા યોગ્ય રીતે બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ત્રણેય સ્થળના મેસ સંચાલકો અને કર્મચારીઓને રસોડામાં સ્વચ્છતા જાળવવા, ખાદ્ય સામગ્રી ઢાંકીને રાખવા અને રાંધેલા ખોરાકને ખુલ્લો ન રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. પી.પી સવાણીની ઘટનામાં વિદ્યાર્થીઓની તબિયત લથડવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ આ ઘટના બાદ શહેરની મેસમાં ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના નિયમોના પાલનની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે.
ઘટના બને પછી જ તંત્રને ચેકિંગ યાદ આવે છે
સુરતમાં કોઈ ગંભીર ઘટના બને અને ત્યારબાદ તંત્ર સફાળું જાગે તે જાણે હવે નિયમ બની ગયો હોય તેવી સ્થિતિ છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ શહેરભરના ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરવામાં આવી હતી. અનેક ક્લાસ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તાજેતરમાં પણ અન્ય સ્થળોની આગની ઘટનાઓ બાદ ફાયર વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસ, શાળા, હોસ્પિટલ, હોટલ સહિતની જગ્યાએ ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરાયું હતું.
આ જ રીતે કોઈ જિમ કે અન્ય જાહેર સ્થળે આગની ઘટના બને ત્યારે ત્યાંની સલામતી વ્યવસ્થા ચકાસવા તંત્ર દોડતું થાય છે. પરંતુ સવાલ એ છે કે જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી, ખાદ્ય સલામતી કે અન્ય સુરક્ષા વ્યવસ્થાની નિયમિત તપાસ માટે કોઈ ઘટના બનવાની રાહ શા માટે જોવી પડે છે? વરાછામાં હોટલના ખોરાક બાદ ફુડ પોઈઝનીંગ થતા આખા શહેરમાં હોટલ રેસ્ટોરન્ટ ચેકીંગ શુ કરાયા હતા.
હવે પીપી સવાણી યુનિવર્સિટીની હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડ્યા બાદ પાલિકા તંત્રે શહેરની હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓની મેસમાં ચેકિંગ શરૂ કર્યું છે. તપાસ દરમિયાન સ્મીમેરમાં કર્મચારીઓ ગ્લોવ્ઝ વગર કામ કરતા અને સિવિલની મેસમાં સાફ-સફાઈનો અભાવ તથા ખુલ્લા મસાલાના ડબ્બા જોવા મળ્યા હતા.
ઘટના બાદ થતી તપાસથી ખામીઓ સામે આવે છે, પરંતુ જો આવી તપાસ નિયમિત રીતે થતી રહે તો કદાચ ઘટના બન્યા પછી દોડધામ કરવાની જરૂર જ ન પડે. હવે સવાલ માત્ર ચેકિંગનો નહીં, પરંતુ ‘ઘટના પહેલા તપાસ કેમ નહીં?’ એવો છે.




