Surat

રાજમાર્ગ દબાણમુક્ત કર્યાના બીજા જ દિવસે ફરી કબજો : રસ્તા પર સ્ટેચ્યુ, ફૂટપાથ પર માલસામાન ગોઠવી રાહદારીઓને દેતા હાલાકી

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં રાજમાર્ગ સહિતના જાહેર રસ્તા-ફૂટપાથ પર દુકાનદારોના દબાણ સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઝોનની ટીમે રાજમાર્ગ અને કાદરશાની નાળ વિસ્તારમાં દબાણો દૂર કર્યા. રાહદારીઓની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ હતી. જોકે, ટીમ પરત ફરતાં ફરી દબાણ થતાં બીજા જ દિવસે ફરી કાર્યવાહી કરવાની નોબત આવી. 2 દિવસમાં 2 વખત કાર્યવાહી છતાં દબાણ યથાવત્ રહેતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજમાર્ગ દબાણમુક્ત કર્યાના બીજા જ દિવસે ફરી કબજો : રસ્તા પર સ્ટેચ્યુ, ફૂટપાથ પર માલસામાન ગોઠવી રાહદારીઓને દેતા હાલાકી

Surat Corporation : સુરત શહેરના રાજમાર્ગ સહિતના જાહેર રસ્તા અને ફૂટપાથ જાણે દુકાનદારોની ખાનગી મિલકત બની ગયા હોય તેવી સ્થિતિ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. દુકાનોની બહાર સ્ટેચ્યુ, માલસામાન અને અન્ય વસ્તુઓ મૂકીને જાહેર માર્ગ તથા ફૂટપાથ પર કરાયેલા દબાણના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી હતી. સ્થાનિક રહીશોની ફરિયાદ બાદ સેન્ટ્રલ ઝોનની ટીમે રાજમાર્ગ અને કાદરશાની નાળ વિસ્તારમાં દબાણો દૂર કર્યા હતા. જોકે, પાલિકાની ટીમ પરત ગયા બાદ રાજમાર્ગ પર ફરી દબાણ ઊભું થતાં બીજા જ દિવસે ફરી કાર્યવાહી કરવાની નોબત આવી હતી. બે દિવસમાં બે વખત દબાણ હટાવવાની કાર્યવાહી છતાં ફરી દબાણ થતું હોવાથી પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
રાજમાર્ગને દબાણ મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી હોવા છતાં દુકાનદારો અને લારીધારકો દ્વારા ફરીથી ફૂટપાથ અને રસ્તા પર માલ સામાન ગોઠવી દેવામાં આવતો હોવાની ફરિયાદો સતત ઉઠી રહી હતી. જાહેર માર્ગ પર સામાન મૂકાતાં ફૂટપાથ સાંકડો બની જતાં રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડતી હતી. ખાસ કરીને સીનિયર સિટિઝન અને મહિલાઓ માટે જોખમ વધતું હતું. બીજી તરફ રસ્તા પર સ્ટેચ્યુ તથા અન્ય સામાન મૂકવામાં આવતાં વાહનચાલકોની અવરજવરમાં પણ અડચણ ઊભી થતી હતી.
આ અંગે બેગમપુરા, રાણા શેરી, ચેવલી શેરી, આમલી શેરી, ઘાંચી શેરી, વડવાળી શેરી, કુંવર સિંગની શેરી અને દુધારા શેરીના રહીશોએ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર ગાંજાવાલા સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ પાલિકાની સાથે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને પણ જાહેર માર્ગ પરના દબાણ અંગે ફરિયાદ કરી હતી.
લોકોની ફરિયાદ વધતા 21 સપ્ટેમ્બરે કાર્યપાલક ઇજનેર ગાંજાવાલાએ દબાણ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે દબાણ વિભાગની ટીમે રાજમાર્ગ પર પહોંચી દુકાનોની બહાર મૂકવામાં આવેલા સ્ટેચ્યુ સહિતનો સામાન દૂર કરાવ્યો હતો. કાદરશાની નાળ વિસ્તારમાં પણ રસ્તા પર કરાયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા.
જોકે, પાલિકાની ટીમ કાર્યવાહી કરીને પરત ગયા બાદ જ રાજમાર્ગ પર ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી. દુકાનોની બહાર ફરી સ્ટેચ્યુ અને માલસામાન ગોઠવી દેવામાં આવતા બીજા જ દિવસે સવારે પાલિકાની ટીમે ફરી સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવી પડી હતી. આમ, બે દિવસમાં બે વખત દબાણ હટાવવાની કામગીરી છતાં ફરી દબાણ થવાની સ્થિતિએ પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે.